કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

રાજ્ય સરકારનો ઐતિહાસિક નિર્ણય: કચ્છને મળશે વધારાનું 1 મિલિયન એકર ફિટ પાણી

  • કચ્છને નર્મદાનું વધારાનું ૧ મિલીયન એકર ફિટ પાણી વર્ષ ૨૦૨૫ સુધીમાં આપવાની કામગીરી
  • બીજા તબક્કા હેઠળની રૂ.૨,૩૦૪.૯૨ કરોડની કિંમતે બે ઉદ્દવહન પાઈપ લાઈનની કામગીરીને વહીવટી મંજૂરી અપાઈ : જળ સંપત્તિ-પાણી પુરવઠા રાજ્ય મંત્રી મુકેશ પટેલ
  • કામગીરી પૂર્ણ થવાથી કચ્છના અંજાર, મુન્દ્રા, માંડવી, ભુજ, નખત્રાણા, લખપત, અબડાસા, અને રાપરના ૧૩૦ જેટલા ગામોને સિંચાઈનો લાભ મળશે

જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ જણાવ્યું છે કે, કચ્છને નર્મદાનું વધારાનું ૧ મિલીયન એકર ફિટ પાણી વર્ષ ૨૦૨૫ સુધીમાં આપવાની કામગીરી પૂર્ણ થવાથી અંજાર, મુન્દ્રા, માંડવી, ભુજ, નખત્રાણા, લખપત, અબડાસા, અને રાપરના ૧૩૦ જેટલા ગામોના અંદાજે ૧.૭૨ લાખથી વધુ હેક્ટર વિસ્તારને સિંચાઈનો લાભ મળતો થશે. તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાણી, ઉદ્યોગો, પ્રવાસન સહિતના વિકાસ કામોનો મહત્તમ લાભ કચ્છને મળે તે માટે હંમેશા પ્રાધાન્ય આપ્યું છે તેને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સતત આગળ વધારી રહ્યા છે.

કચ્છને નર્મદાનું વધારાનું ૧ મિલીયન એકર ફિટ પાણી વર્ષ ૨૦૨૫ સુધીમાં મળશે

ગુજરાતની જીવાદોરી સમાન બહુહેતુક નર્મદામૈયાના પૂરના વહી જતા વધારાના ૩ મિલીયન એકર ફિટ પાણીમાંથી ૧ મિલીયન એકર ફિટ સૌરાષ્ટ્રને, ૧ મિલીયન એકર ફિટ ઉત્તર ગુજરાતને અને ૧ મિલીયન એકર ફિટ કચ્છને ફાળવવાનો નિર્ણય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે કર્યો હતો. ઐતિહાસિક નિર્ણય સંદર્ભે પાણી આપવાના કામો શરૂ થવાથી હવે નર્મદાપૂરના વહી જતા વધારાના ૧ મિલીયન એકર ફિટ પાણીનો જથ્થો કચ્છને આગામી વર્ષ ૨૦૨૫ સુધીમાં મળતો થશે. જેની ફલશ્રુતિ રૂપે સૌરાષ્ટ્રમાં ‘‘સૌની યોજના” અને ઉત્તર ગુજરાતમાં “સુજલામ સુફલામ યોજના” અન્વયે આ પાણી પહોચાડવાના મોટા ભાગના કામો પૂર્ણ થયા છે તેમ, મંત્રીએ ઉમેર્યું હતું.

પશુપાલકો-ખેડૂતોને પાણી મળતાં મબલક ઉત્પાદન મેળવી આર્થિક સમૃદ્ધિ થશે

જળ સંપત્તિ મંત્રી કુંવરજીભાઈએ વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં જળ સંપત્તિ વિભાગ દ્વારા અગ્રીમતાના ધોરણે આ કામો હાથ ધરાશે. તબક્કા-૧ ના કામો માટે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી દેવાઈ છે અને કામગીરી પ્રગતિ હેઠળ છે જ્યારે તબક્કા-૨ ના કામો માટે ટે‍ન્ડર મંગાવવામાં આવ્યા છે. જે કામો ટૂંક સમયમાં શરૂ કરાશે. કચ્છના ખેડૂતો-પ્રજાજનોની લાંબાગાળાની લાગણી-અપેક્ષા સંતોષવાનો મુખ્યમંત્રીએ દ્રષ્ટિવંત અભિગમ દાખવ્યો છે જેના પરિણામે જળાશયોમાં આ નર્મદાના નીર પહોચવાથી ભૂગર્ભ જળ ઊંચા આવશે. એટલુંજ નહીં,પશુપાલકો-ખેડૂતોને પાણી મળતાં મબલક ઉત્પાદન મેળવી આર્થિક સમૃદ્ધિ થશે અને પાણીના અભાવે પશુપાલકો-ઢોર ઢાંખરનું સ્થળાંતર પણ અટકશે.

કચ્છમાં પાણી-humdekhengenews

ચેકડેમ અને તળાવોમાં આ નર્મદાના નીર પહોચવાથી ભૂગર્ભ જળ ઊંચા આવશે

મંત્રીએ ઉમેર્યુ કે, જળ સંપત્તિ વિભાગ દ્વારા કચ્છ જિલ્લા માટે નર્મદાના વધારાના ૧ મિલીયન એકર ફીટ પાણીના ઉપયોગ માટેનું સુવ્યવસ્થિત આયોજન હાથ ધરાયું છે. કચ્છ જિલ્લામાં પાણીની અછતને ધ્યાને લઇ તે સમયના રાજ્યના મુખ્યમંત્રી તથા હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કચ્છ જિલ્લામાં પાણીના પ્રશ્નોના કાયમી ઉકેલ માટે જુન- ૨૦૦૬માં નર્મદાના પુરના વહી જતા વધારાના પાણીમાંથી કચ્છ જિલ્લાને ૧ મીલીયન એકર ફીટ પાણીની ફાળવણી કરવામાં આવી હતી. આ ૧ મીલીયન એકરફીટ પાણી, કચ્છમાં આવેલ નર્મદાના હયાત કેનાલ નેટવર્કમાંથી અલગ-અલગ સ્થળેથી મેળવીને પાઈપલાઈન / કેનાલ થકી વિવિધ સિંચાઈ યોજનાઓમાં પાણી પહોંચાડવાનું તબક્કાવાર આયોજન કરાયું છે જેના પરિણામે સિંચાઈ માટે વધુ પાણી ઉપલબ્ધ થશે તેમજ ઘાસચારો, ઢોર-ઢાંખરના પીવા સારૂં વગેરે હેતુસર પાણી વિતરીત થઈ શકશે.

કચ્છ જિલ્લા માટે બે તબક્કાના કામો માટે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ: ટૂંક સમયમાં કામો શરૂ કરાશે

મંત્રી કુંવરજીભાઈએ કહ્યું હતું કે, કચ્છ જિલ્લામા આ નર્મદાના નીર પહોચે એ માટે બે તબક્કામાં કામગીરી હાથ ધરવામાં આવશે. જેમાં તબક્કા-૧માં ત્રણ અલગ-અલગ ઉદ્દવહન પાઈપલાઈન લીંકો માટે રૂ.૪,૩૬૯ કરોડની વહીવટી મંજૂરી જા‍ન્યુઆરી-૨૦૨૨માં આપવામાં આવી હતી જે યોજનાના બાંધકામ માટેનો ઈજારો આખરી કરી દેવાયો હતો. આ કામગીરી હાલ પ્રગતિ હેઠળ છે. જે હેઠળ સધર્ન લીંક અને હાઇક‍ન્ટુર સ્ટોરેજ લીંકથી અંજાર, મુંદ્રા, માંડવી અને ભુજ તાલુકાની ૨૫ સિંચાઇ યોજનાઓમાં પાણી ભરવામાં આવશે જેનાથી આ તાલુકાના ૪૭ ગામના ૩૮,૮૨૪ હેક્ટર વિસ્તારને લાભ મળશે. નોર્ધન લીંકથી અંજાર, ભુજ અને નખત્રાણા તાલુકાની ૧૨ સિંચાઇ યોજનાઓમાં પાણી ભરવામાં આવશે જેનાથી આ તાલુકાના ૨૨ ગામના ૩૬,૩૯૨ હેક્ટર વિસ્તારને સિંચાઈનો લાભ મળશે. જ્યારે સારણ લીંકથી રાપર તાલુકામાં સારણ જળાશયમાં પાણી ભરવાથી રાપર તાલુકાના ૮ ગામના ૨૯,૦૦૦ હેક્ટર વિસ્તારને સિંચાઈનો લાભ મળશે. આ કામગીરી વર્ષ ૨૦૨૫માં પૂર્ણ થતાં કચ્છ જિલ્લાના અંજાર, મુન્દ્રા, માંડવી, ભુજ, નખત્રાણા અને રાપર મળી કુલ છ તાલુકામાં ૩૮ સિંચાઇ યોજનાઓમાં પાણી ભરવામાં આવશે જેનાથી ૭૭ ગામના ૧,૦૪,૨૧૬ હેક્ટર વિસ્તારને સિંચાઈનો લાભ મળશે.

આ પણ વાંચો : રાજકોટ: સરકારી દવા બારોબાર વેચવાનું મસમોટું કૌભાંડ ઝડપાયું, GMSCLના ગોડાઉનમાંથી મળ્યો દવાનો જંગી જથ્થો

આ વિસ્તારોને સિંચાઈનો મળશે લાભ

જળ સંપત્તિ અને પાણી પુરવઠા રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલે વિગતો આપતા જણાવ્યું હતું કે, બીજા તબક્કા હેઠળની રૂ.૨,૩૦૪.૯૨ કરોડની કિંમતે બે ઉદ્દવહન પાઈપલાઈનોની કામગીરીને વહીવટી મંજૂરી આપવામાં આવી છે. જેમાં સધર્ન લીંકથી માંડવી, નખત્રાણા, લખપત અને અબડાસા તાલુકાની ૨૮ સિંચાઇ યોજનાઓમાં પાણી ભરવાથી આ તાલુકાના ૨૮ ગામના ૩૬,૫૧૪ હેક્ટર વિસ્તારને સિંચાઈનો લાભ મળશે. ઉપરાંત નોર્ધન લીંકથી નખત્રાણા અને લખપત તાલુકાની ૧૩ સિંચાઇ યોજનાઓમાં પાણી ભરવાથી આ તાલુકાના ૨૫ ગામના ૩૧,૬૮૧ હેક્ટર વિસ્તારને સિંચાઈનો લાભ મળશે. આમ તબક્કા-૨ની કામગીરી પણ આગામી વર્ષ ૨૦૨૫માં પૂર્ણ કરીને માંડવી, નખત્રાણા, લખપત અને અબડાસા મળી કુલ ચાર તાલુકાની ૪૧ સિંચાઈ યોજનાઓમાં પાણી ભરવાથી ૫૩ ગામોના ૬૮,૧૯૫ હેક્ટર વિસ્તારને સિંચાઈ સુવિધાનો લાભ મળશે. તબક્કા-૨ની કામગીરી માટે ટેન્ડર મંગાવવામાં આવ્યા છે તેમ, મંત્રી પટેલે ઉમેર્યું હતું.

હાલમાં નર્મદા કેનાલના પાણી દ્વારા ૧.૧૨ લાખ હેક્ટર જેટલા વિસ્તારને સિંચાઈનો લાભ

અત્રે ઉલ્લેખનીય છે કે, કચ્છ જિલ્લો રાજ્યમાં સૌથી વધુ વિસ્તારની સાથે ભૌગોલિક અને આબોહવાની વિષમતા ધરાવે છે. જિલ્લાના કુલ ૪૫,૬૫૦ ચો.કિ.મી.ના ભૌગોલિક વિસ્તારમાં માત્ર ૮,૦૨૮ ચો.કિ.મી. વિસ્તાર એટલે કે, ૮,૦૨,૮૩૨ હેક્ટર ખેતી લાયક છે જ્યારે ૩,૮૫૫ ચો.કિ.મી. રણ, ૩,૦૬૭ ચો.કિ.મી. જંગલ અને બાકીનો વિસ્તાર ગૌચર / પડતર / ઉજ્જડ વગેરે પ્રકારનો છે. આ જિલ્લામાં સરેરાશ ૩૪૭ મી.મી. જેટલો વરસાદ પડે છે જે રાજ્યના સરેરાશ વરસાદ કરતાં લગભગ અડધો છે તદ્દઉપરાંત અલગ-અલગ તાલુકાઓમાં આ વરસાદ પણ ઓછા-વત્તા પ્રમાણમાં અનિયમિત રીતે પડે છે. જોકે છેલ્લા બે ત્રણ વર્ષમાં કચ્છમાં પૂરતા પ્રમાણમાં વરસાદ પડી રહ્યો છે. કચ્છમાં ૨૦ જેટલી મધ્યમ સિંચાઈ યોજના, ૧૭૦ જેટલી નાની સિંચાઈ યોજના અને ૫૫ જેટલા બંધારાઓ થકી ૨,૫૨,૦૦૦ હેક્ટર જેટલો વિસ્તાર તથા નર્મદાની કેનાલ દ્વારા ૧,૧૨,૮૦૦ હેક્ટર જેટલા વિસ્તારને સિંચાઈ માટે આવરી લેવાયો છે.

આ પણ વાંચો : ગંભીર બાબત: ડબ્બા ટ્રેડિંગમાં એક ખાસ કોમ્યુનિટીના લોકો જોડાઇ રહ્યાં છે

Back to top button