રાજ્ય સરકારની ખેડૂતો માટે મહત્વની જાહેરાત, ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી કરાશે શરૂ
ગુજરાત સરકાર દ્વારા ઉનાળુ મગનું ટેકાના ભાવે ખરીદવાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ખેડૂતોને ટેકાના ભાવે ઉનાળુ મગનું વેચાણ કરી યોજનાનો લાભ લેવા સરકારે અનુરોધ કર્યો છે. રાજ્યમાં કુલ 37 ખરીદ કેન્દ્રો આગામી દિવસોમાં ચાલુ કરાશે.
ટેકાના ભાવે ઉનાળુ મગની થશે ખરીદી
ખેડૂતોના હિત માટે ગુજરાત સરકાર હંમેશા પ્રયત્નશીલ રહી છે. ત્યારે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને કૃષિ પ્રધાન રાઘવજી પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય કરાયો છે. ખેડૂતોને આર્થિક રક્ષણ મળી રહે અને તેમના ઉત્પાદનોના પુરતા ભાવ મળી રહે તે હેતુથી વર્ષ 2022-23માં ઉનાળુ મગની ટેકાના ભાવથી ખરીદવાનું રાજ્ય સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. ઉનાળુ મગ પાકનો ટેકાનો ભાવ 7755 પ્રતિ કિવ. રહેશે તેવું ખેતી નિયામક દ્વારા જણાવવામાં આવ્યું છે.
ટોટલ 37 કેન્દ્રો પર થશે ખરીદી
વધુમાં મળેલી માહિતી અનુસાર રાજ્યના તમામ જિલ્લાઓમાં ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી કરવા માટે તારીખ 29 મે 2023થી ઓનલાઇન નોંધણી શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત વાવેતર વિસ્તાર અને ઉત્પાદનને ધ્યાને રાખીને રાજ્યમાં ઉનાળુ મગની ખરીદી માટે રાજ્યમાં 37 ખરીદ કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે. આ કેન્દ્રો ખાતે ટેકાના ભાવે ખરીદી તારીખ 1 જુન 2023ના રોજથી શરૂ કરવામાં આવશે. તેમાં ઓનલાઈન નોંધણી પણ ચાલુ રહેશે.
આ પણ વાંચો : ઓનલાઈન ફ્રોડનો વધુ એક કેસ સુરતમાં નોંધાયો : 20 લાખથી વધુનું ફ્રોડ