અમદાવાદઉત્તર ગુજરાતગુજરાતમધ્ય ગુજરાત

રાજય સરકારે ગાંધીનગર, સુરત અને વડોદરા મહાનગરપાલિકાને વિકાસ કામો માટે 484 કરોડ ફાળવ્યા

ગાંધીનગર, 14 ડિસેમ્બર 2023, સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ત્રણ મહાનગરોને કુલ 424 વિવિધ જનહિતકારી વિકાસ કામો માટે 483.71 કરોડ રૂપિયા ફાળવવાની મંજૂરી આપી છે.ગાંધીનગરની ગાંધીનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી-ગુડાને ભાઈજીપુરાથી ગિફ્ટસિટી તરફ જતા સિગ્નેચર બ્રિજ સુધીના રોડના કામો માટે 20.74 કરોડ રૂપિયાની ફાળવણીની મંજૂરી આપી છે. ગાંધીનગર-કોબા હાઈ-વેને ગિફ્ટસિટી સાથે જોડતા આ મુખ્ય માર્ગની બેય તરફ વિવિધ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ કાર્યરત છે. નોલેજ હબ તરીકે આ વિસ્તાર ડેવલપ કરવાની હાલની પ્રગતિ હેઠળની કામગીરી ઉપરાંત મેટ્રો રેલની ભવિષ્યની ઉપલબ્ધિને ધ્યાનમાં લઇને આ રોડના ડેવલપમેન્ટ તેમજ બ્યુટિફિકેશન હેતુસર સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી ખાસ કિસ્સામાં આ રકમ ફાળવવામાં આવી છે.

ગાંધીનગર અને ગુડાને 8 કામો માટે 66.95 કરોડ
આગામી વાઇબ્રન્ટ સમિટ-૨૦૨૪ ગાંધીનગરમાં યોજાવાની છે. ત્યારે મુખ્ય માર્ગોની બાજુમાં ફુટપાથ, લેન્ડ સ્કેપિંગ, ૩ ઓવરબ્રિજ અને ૨ અંડરપાસનું થીમ બેઇઝ્ડ પેઇન્ટિંગ અને આર્ટ વર્ક સહિતના પાંચ જેટલા આંતરમાળખાકીય વિકાસ કામો 35.50 કરોડના ખર્ચે હાથ ધરવાની પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૈદ્ધાંતિક અનુમતિ આપી છે. આ કામો ઉપરાંત મુખ્યમંત્રીએ ગાંધીનગર મહાનગરપાલિકાના આઉટગ્રોથ વિસ્તાર વિકાસ કામો માટેની બે દરખાસ્તો જેમાં રક્ષાશક્તિ સર્કલ થી કોબા સર્કલના રોડનું બ્યુટિફિકેશન એન્‍ડ લેન્ડ સ્કેપિંગ અને મહાનગરપાલિકામાં સમાવાયેલા ગામોમાં નવા સિમેન્ટ કોંક્રીટ રોડ બનાવવાનો સમાવેશ થાય છે તેના માટે પણ 10.70 કરોડ રૂપિયા સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી ફાળવવાની મંજૂરી આપી છે.

સુરત મહાનગરને 252 કામો માટે 360.06 કરોડ
મુખ્યમંત્રીએ સુરત અને વડોદરા મહાનગરપાલિકાઓને સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે વિકાસકામો માટે રકમ ફાળવી છે. સુરતમાં સેન્ટ્રલ ઝોનમાં નાનપુરા અને નોર્થ ઝોનમાં કતાર ગામ વિસ્તારોમાં ઓડિટોરિયમ નિર્માણના 2 કામો માટે 145 કરોડ રૂપિયા ફાળવવા સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.આ ઉપરાંત આઉટગ્રોથ વિસ્તાર વિકાસ કામો અન્‍વયે ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસેલિટીઝના 21 કામો, સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રકચર ફેસેલિટીઝના 19 કામો અને અર્બન મોબિલિટીના બે કામો એમ 75 કામો માટે 151.25 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવાની મંજૂરી આપી છે. મુખ્યમંત્રી શહેરી સડક યોજના અંતર્ગત રોડ કાર્પેટીંગ, રી-કાર્પેટિંગ તથા હયાત માર્ગો પહોળા કરવા અને ફુટપાથ સહિતના ૧૭૫ કામો માટે સુરત મહાનગરપાલિકા માટે 63.81 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.વડોદરા મહાનગરપાલિકાને આઉટગ્રોથ વિસ્તારોમાં પાણી પુરવઠો, વરસાદી ગટરના કામો, ડ્રેનેજ તથા રોડના કામો, પેવર બ્લોક કામો જેવા કૂલ 164 કામો માટે 56.70 કરોડની ફાળવણીની મંજૂરી આપી છે.

આ પણ વાંચોઃ ગાંધીનગરના કુડાસણ ખાતે કૃષિ મંત્રી રાઘવજી પટેલે ‘ટાઈમ ફોર ઓર્ગેનિક્સ’ સ્ટોરનો પ્રારંભ કરાવ્યો

Back to top button