ગુજરાત ભાજપના પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાનું રાજીનામું
ગુજરાત ભાજપના મોટા નેતાએ રાજીનામુ ધરી દેતા રાજકીય ક્ષેત્રે ખટભળાટ મચી ગયો છે. ગુજરાત ભાજપના પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાએ રાજીનામું ધરી દેતા ભાજપમાં અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે. રાજીનામું આપ્યા બાદ પ્રદિપસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, હું અગ્નિ પરીક્ષામાંથી બહાર આવીશ, કમલમમાં પ્રવેશ પર પ્રતિબંધની વાત સદંતર ખોટી છે.
બોમ્બે હાઈકોર્ટ બેન્ચના જજે ચાલુ કોર્ટમાંથી રાજીનામું આપ્યું
બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેંચના જસ્ટિસ રોહિત બી દેવે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. શુક્રવારે હાઈકોર્ટની નાગપુર બેંચમાં બેઠેલા જજે ચાલુ અદાલતમાં રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. પોતાના રાજીનામાનો ઉલ્લેખ કરતા જજે કોર્ટમાં માફી પણ માગી હતી. તેમણે કહ્યું કે ‘મને કોઈના પ્રત્યે કઠોર લાગણી નથી અને જો કોઈને દુઃખ થયું હોય તો હું દિલગીર છું. રાજીનામું આપવાના નિર્ણયની જાહેરાત કરતાં તેમણે એમ પણ કહ્યું હતું કે તેઓ તેમના સ્વાભિમાન વિરુદ્ધ કામ કરી શકે નહીં.’
ચંદ્રયાન-3 એ લગભગ બે તૃતીયાંશ અંતર કાપ્યું
ચંદ્રયાન-3 એ લગભગ બે તૃતીયાંશ અંતર કાપ્યું છે. એટલે કે ચંદ્રની લગભગ 66% યાત્રા અવકાશયાન દ્વારા પૂર્ણ થઈ ગઈ છે. હવે તે 5 ઓગસ્ટે સાંજે 7 વાગ્યે ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશ કરશે. ઈસરોએ શુક્રવારે આ જાણકારી આપી. અને 23 ઓગસ્ટે વાહન ચંદ્ર પર ઉતરશે.વૈજ્ઞાનિકોએ 1 ઓગસ્ટના રોજ લગભગ 12 વાગે ચંદ્રયાન-3ને પૃથ્વીની કક્ષામાંથી ચંદ્ર તરફ મોકલ્યું હતું. આને ટ્રાન્સલ્યુનર ઈન્જેક્શન કહેવામાં આવે છે. અગાઉ, ચંદ્રયાન આવી લંબગોળ ભ્રમણકક્ષામાં આગળ વધી રહ્યું હતું, જેનું પૃથ્વીથી લઘુત્તમ અંતર 236 કિમી અને મહત્તમ અંતર 1,27,603 કિમી હતું.
ટાયર કિલર બમ્પનું એક દિવસમાં જ સુરસુરિયું
ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે છે. છતાં પણ વાહન ચાલકો દ્વારા નિયમોનું પાલન કરવામાં આવતું નથી. રોંગ સાઈડમાં જતા વાહન ચાલકોને રોકવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના ટ્રાફિક ઇજનેર વિભાગ દ્વારા પાયલોટ પ્રોજેક્ટ શરુ કરવામાં આવ્યો છે. જેમાં ચાણક્યપુરી બ્રિજ પાસેના સર્વિસ રોડ ઉપર ટાયર કિલર બમ્પ લગાવવામાં આવ્યા છે. એક દિવસમાં હજારો વાહનો આ ટાયર કિલર બમ્પ ઉપરથી પસાર થયા હતા. જેના પગલે આજે કેટલીક જગ્યાએ બમ્પને નુકસાન થયું હતું. AMC ટ્રાફિક ઇજનેર વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે આ બમ્પને રીપેરીંગ કરવામાં આવ્યા હતા.
લેપટોપ-કોમ્પ્યુટરને લઈને વધુ એક મોટો નિર્ણય
કેન્દ્ર સરકારે 1 નવેમ્બર, 2023 સુધી લેપટોપ-ટેબ્લેટ અને પર્સનલ કોમ્પ્યુટરની આયાત માટે લાયસન્સની આવશ્યકતાના અમલીકરણને સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. આ અપડેટ એક ન્યૂઝ એજન્સીના અહેવાલ પછી આવ્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, સરકારે ઓર્ડર ઓછામાં ઓછા એક મહિના સુધી લંબાવ્યો છે. નોંધનીય છે કે, ગુરુવારે સરકારે જાહેરાત કરી હતી કે, લેપટોપ-ટેબલેટ અને પર્સનલ કોમ્પ્યુટરની આયાત માટે તાત્કાલિક અસરથી લાયસન્સ જરૂરી રહેશે.
મણિપુરમાં ફરી ફાટી નીકળી હિંસા
મણિપુરમાં લગભગ ત્રણ મહિનાથી ચાલતી હિંસા હજુ પણ અટકવાનું નામ લેતી નથી. આ રાજ્યમાં 35 હજારથી વધુ સૈનિકો તૈનાત કરાયા હોવા છતાં ઘણા વિસ્તારોમાં સ્થિતિ બેકાબુ બની જાય છે અને નિયમિત અંતરે ગોળીબારના અવાજ સંભળાય છે. ત્યારે ફરી એકવાર મણિપુરના બિષ્ણુપુર જિલ્લામાં હિંસા ફાટી નીકળી છે. બિષ્ણુપુર જિલ્લામાં શુક્રવારે રાતે મૈતેઈ સમુદાયના 3 લોકોની હત્યા કરી નાખવામાં આવી છે. જ્યારે ઉપદ્રવીઓએ અનેક ઘરોમાં આગચંપી કરી છે. જે બાદ પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે તૈનાત કરાયો છે.
અલ્લુ અર્જુનના ફેન માટે ખરાબ સમાચાર
અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા’ની સિક્વલની ફેન્સ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં છે.આ વચ્ચે સમાચાર આવ્યા છે કે ફિલ્મનું શૂટિંગ થોડા દિવસો માટે રોકી દેવામાં આવ્યું હતું. રિપોર્ટ્સ અનુસાર, હવે અલ્લુ અર્જુને ફિલ્મની રિલીઝને લઈને નવી રણનીતિ તૈયાર કરવામાં આવી છે. તેમણે પ્રોડક્શન ટીમને ઉનાળાની સિઝનમાં ફિલ્મ રિલીઝ કરવાની સલાહ આપી છે.આ ફિલ્મ 2024ના એપ્રિલ મહિનામાં રિલીઝ થવાની વાત હાલ સાંભળવા મળી રહી છે.ફિલ્મના નિર્દેશક સુકુમારને તેમની પુત્રીના સંગીત પ્રશિક્ષણના એક કાર્યક્રમ માટે થોડા દિવસો માટે અમેરિકા જવાનું હતું. જેના કારણે ફિલ્મનું નિર્માણમાં સમય લાગી રહ્યો છે.રિપોર્ટ્સ અનુસાર, ફિલ્મનું 60% પ્રોડક્શન વર્ક હજુ બાકી છે.