રાજ્યની સરહદો કરાશે વધુ સુરક્ષિત : 79 એન્ટ્રી-એક્ઝિટ સ્થળોએ લગાવાશે સીસીટીવી કેમેરા


ગાંધીનગર, 20 ફેબ્રુઆરી : રાજ્યમાં VISWAS પ્રોજેક્ટ સંદર્ભે વિધાનસભા ગૃહમાં પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, હાઈ ટેક્નોલોજી સાથેના સીસીટીવી કેમેરા થકી રિયલ ટાઈમ મોનીટરીંગને પરિણામે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાને સુદ્રઢ બનાવવા તથા ક્રાઈમ પ્રિવેન્શન અને ડિટેક્શન કામગીરીમાં VISWAS પ્રોજેક્ટ મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યો છે. હવે વિશ્વાસ પ્રોજેક્ટ ફેઝ ૨ અંતર્ગત રાજ્યની સરહદોના કુલ-૭૯ એન્ટ્રી એક્ઝિટ સ્થળો ખાતે ૪૧૧ સીસીટીવી કેમેરા લગાવવાનું આયોજન છે.
વધુમાં હર્ષ સંઘવીએ કહ્યું કે, વિશ્વાસ પ્રોજેક્ટ ફેઝ-૧ અંતર્ગત રાજ્યના ૪૧ શહેરોમા કુલ ૭૦૦૦થી વધુ કેમેરાઓ લગાવવામા આવ્યા છે અને ૩૫ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર કાર્યરત કરવામા આવ્યા છે. આ વ્યવસ્થાના માધ્યમથી કુલ ૧૨ હજારથી વધુ ધાડ, લુંટ, ચોરી અને અન્ય ગુનાઓ શોધવામા ગુજરાત પોલીસને સફળતા મળી છે.
વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત હવે આંતરારાજ્ય સરહદોના એન્ટ્રી એક્ઝિટ પોઇન્ટ પર સીસીટીવી લગાવવા અંગે પૂછાયેલા પ્રશ્નનો પ્રત્યુતર આપતા મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, આ પ્રોજેક્ટના ફેઝ ૨ અંતર્ગત રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, દમણ, દીવ, દાદરા અને નગર હવેલી સાથેની રાજ્યની સરહદોના કુલ-૭૯ પ્રવેશ-નિર્ગમન સ્થળો ખાતે ૪૧૧ સીસીટીવી કેમેરા લગાવવાનું આયોજન છે.
આ તમામ કેમેરાઓ સબંધિત જિલ્લાના ‘નેત્રમ’ અને ‘ત્રિનેત્ર’ સાથે કનેક્ટેડ રહેશે અને Video Analyticsના માધ્યમથી તમામ કેમેરાઓમાં ડિટેક્શન કરવાની ક્ષમતા છે. તેમણે વધુમાં કહ્યું કે, આ હાઇટેક સીસીટીવી નેટવર્કની મદદથી ચોરીના વાહન કે ગુન્હામાં સંડોવાયેલા વાહન જો આંતરરાજ્ય સરહદ ઉપરથી પસાર થાય તો તેનું Real Time alert સંબંધિત જિલ્લાના ‘નેત્રમ’ માં મળશે. સમગ્ર રાજ્યના શહેરોની અંદર અને રાજ્યની સરહદો પર સી.સી.ટી.વી. કેમેરા લાગી જશે ત્યારે વિશ્વાસ સીસ્ટમ રાજ્યની સુરક્ષા માટે સુદર્શન ચક્ર બની જશે.
આ પણ વાંચો :- ઇકોસેન્સિટીવ ઝોનમાં આવેલ ગામોમાં માળખાકીય સુવિધાઓ વિકસાવવા ₹૩૫ કરોડની જોગવાઇ