ઉત્તર ગુજરાતગુજરાતચૂંટણી 2024ટોપ ન્યૂઝ

પ્રદેશ ભાજપ મંત્રી નૌકાબેન પ્રજાપતિએ ગેનીબેનને મમતા બેનર્જી સાથે સરખાવ્યા

બનાસકાંઠાઃ 23 એપ્રિલ 2024 પ્રદેશ ભાજપ મંત્રી નૌકાબેન પ્રજાપતિએ ભાભર ખાતેની ભાજપની સભામાં ગેનીબેનને મમતા બેનર્જી સાથે સરખાવ્યા હતા અને કોંગ્રેસના લોકોના લોહીની અંદર ભ્રષ્ટાચાર છે તેવું કહ્યું હતું. ત્યારે આજે ગેનીબેન ઠાકોર દાંતા તાલુકાના વિવિધ ગામોમાં પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. ત્યારે નૌકાબેનના નિવેદનને ટાંકીને જણાવ્યું હતું કે, મારા પર નિવેદન આપતાં પહેલાં પ્રજાપતિ સમાજની દીકરીઓ પર થયેલા અત્યાચાર મામલે રાજધર્મ નિભાવવાનો હતો. મારે કોઈને સર્ટિફિકેટ આપવાની જરૂરત નથી.

આપણા અહીંના કોંગ્રેસના ઉમેદવાર પણ એવા જ છે
વાવમાં બે દિવસ પહેલા યોજાયેલી સભામાં પ્રદેશ ભાજપ મંત્રી નૌકાબેન પ્રજાપતિએ ગેનીબેન ઠાકોરનું નામ લીધા વગર જણાવ્યું હતું કે, પશ્ચિમ બંગાળની જે ઘટના ઘટી એમાં ત્યાની સરકાર ચૂપ રહી, આપણા અહીંના કોંગ્રેસના ઉમેદવાર પણ એવા જ છે. શું આપણે આ વિસ્તારને પશ્ચિમ બંગાળ બનાવવો છે?. કોંગ્રેસના ઉમેદવાર એમ કહેતા હતા કે, હું એફિડેવિટ કરું તો મારે તો ખાલી તારીખ જ બદલવાની છે પણ એફિડેવિટ ચાર વખત બદલી છે. એનું કારણ પોતાની છુપાવેલી મિલકત છે. એફિડેવિટમાં લાખોની કિંમતની જમીનો, કરોડોની સંસ્થાઓ, એમના લાખોની કિંમતના બંગલાઓ દર્શાવ્યા છે છતાં એમ કહે છે કે હું ગરીબ છું. આમને ગરીબ કહેવાય? માત્ર ગરીબ હોવાનો ઢોંગ કરીને બનાસકાંઠાની જનતાને ગુમરાહ કરે છે.

નૌકાબેનનાં સર્ટીફીકેટની મારે કોઈ જરૂર નથી
આજરોજ દાંતાના પુંજપૂર ખાતે યોજાયેલી જાહેર સભામાં ગેનીબેન ઠાકોરે ભાગ લીધો હતો. જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ, હોદ્દેદારો સાથે દાંતા મત વિસ્તારના ધારાસભ્ય કાંતિભાઈ પણ હાજર રહ્યા હતા. જ્યાં પ્રદેશ ભાજપ મંત્રી નૌકાબેન પ્રજાપતિના નિવેદન સામે ગેનીબેન ઠાકોરે પલટવાર કરતા જણાવ્યું હતું કે, નૌકાબેનનાં સર્ટીફીકેટની મારે કોઈ જરૂર નથી. નૌકાબેને બનાસકાંઠાના કેટલાંક ગામમાં જે યૌન શોષણનો મામલો બન્યો હતો તે સમયે રાજધર્મ નિભાવ્યો હોત તો ના બનતા. પ્રજાપતિ સમાજની દીકરીઓ ઉપર જ્યારે અત્યાચાર થયા હતા ત્યારે નૌકાબેનને નિવેદન આપવું જોઇતું હતું.

ભાભર વિસ્તારના લોકોએ સાથ અને સહકાર આપ્યો
જો આવું કર્યું હોત તો હું ગેનીબેન પોતે તેમને મહિલા તરીકે અભિનંદન આપતી.વધુમાં તેમણે જણાવ્યું હતું કે, મે મારા બનાસકાંઠા જિલ્લાના લોકો માટે અનેકો કાર્યો કર્યા છે અને લોકોની વેદના સમજી છે. મારે નૌકાબેનના સર્ટિફિકેટની કોઈ જરૂરત નથી. નૌકાબેનના આકાઓ જે સ્ક્રિપ્ટ લખીને આપે છે તેમને પૂછો. અત્યારે જે પણ અત્યાચાર કરવાનું છે તે કરી લો, અમે ગાંધીજીના વારસદાર છીએ અમે જે પણ સહન કરવાનું હશે તે કરી લેશું પણ આવનાર સમયમાં બનાસકાંઠાની જનતા યોગ્ય નિર્ણય લેશે. નૌકાબેન પ્રજાપતિ બનાસકાંઠામાં 40 વર્ષ પહેલા રોજગારી મેળવવા આવ્યા હતા. એમને મારા બનાસકાંઠા જિલ્લાના અને ભાભર વિસ્તારના લોકોએ સાથ અને સહકાર આપ્યો છે.

આ પણ વાંચોઃસુરતઃ ફોર્મ રદ થયા બાદ નિલેશ કુંભાણી ભાજપમાં જોડાશે? કોંગ્રેસે ઘરે જઈને વિરોધ કર્યો

Back to top button