કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝ

રાજકોટથી તિરંગા યાત્રાનો પ્રારંભ, જે.પી નડ્ડાએ કહ્યું, કોંગ્રેસને સરદાર પટેલ યાદ નથી રહેતા

રાજકોટ, 10 ઓગસ્ટ 2024 – કેન્દ્રીય આરોગ્યમંત્રી જે.પી નડ્ડા તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે રાજકોટના રેસકોર્સથી તિરંગા યાત્રાનો શુભારંભ કરાવ્યો હતો. રેસકોર્સ પાસે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી હતી. ત્યારબાદ જનસભાને સંબોધી હતી. તિરંગા યાત્રાના આરંભ પૂર્વે બહુમાળી ભવન ખાતે મુખ્ય સ્ટેજ ખાતે ભાતીગળ સાંસ્કૃતિક કાર્યક્રમોએ આકર્ષણ જમાવ્યું હતું.

દેશને વર્ષ 2047 સુધીમાં વિકસિત બનાવવાનું સપનું જોયું
કેન્દ્રીય આરોગ્યમંત્રી જગત પ્રકાશ નડ્ડાએ કહ્યું હતું કે, ગુજરાત તપસ્વી સંતો-મહંતો, સમાજ સુધારકો, સ્વાતંત્ર સેનાનીઓ, વીરોની ભૂમિ છે, જેની માટીમાંથી આપણને પ્રેરણા મળે છે.આજે અહીં ચોમેર તિરંગો લહેરાઈ રહ્યો છે ત્યારે એ જોઈને આપણને આઝાદીના કાળખંડની યાદ આવે છે. આઝાદીની લડાઈમાં ગુજરાતનું મોટું યોગદાન રહ્યું છે. ગુજરાતના મહાત્મા ગાંધી તેમજ સરદાર વલ્લભભાઈ પટેલના યોગદાનને ક્યારેય ના ભુલાવી શકાય. સરદાર વલ્લભભાઈ પટેલને પણ ન ભૂલી શકાય. કોંગ્રેસના મિત્રો તમને એક જ પરિવાર યાદ રહે છે, આઝાદીની લડાઈમાં યોગદાન આપનાર સરદાર પટેલ યાદ રહેતા નથી. દેશના વડાપ્રધાન મોદીએ આઝાદીના અમૃતકાળમાં દેશને વર્ષ 2047 સુધીમાં વિકસિત બનાવવાનું સપનું જોયું છે અને તેને સાકાર કરવાની નેમ લીધી છે.

દેશ વિશ્વની પાંચમી મોટી અર્થવ્યવસ્થા બની ગયો
તેમણે કહ્યું હતું કે, જ્યારે વિશ્વના મોટા દેશોની આર્થિક વ્યવસ્થાઓ કથળી રહી હતી ત્યારે, વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ભારત દેશ હરણફાળ ભરીને વિશ્વની પાંચમી મોટી અર્થવ્યવસ્થા બની ગયો છે. તિરંગા યાત્રામાં આપણે સૌ સંકલ્પ લઈએ કે દેશને આગામી ૩૦ વર્ષમાં વિશ્વની ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનાવીશું.ઓટો-મોબાઈલના ક્ષેત્રમાં ભારત જાપાનને પાછળ છોડીને ત્રીજા ક્રમનો અગ્રણી દેશ બની ગયો છે. તો આજે મેઇક ઇન ઇન્ડિયા અંતર્ગત ૯૭ ટકા મોબાઈલનું ઉત્પાદન ભારતમાં થાય છે. એક સમયે સંરક્ષણ સંસાધનો વિદેશથી આયાત કરવા પડતા હતા પરંતુ આજે ભારત દેશ બુલેટ પ્રુફ જેકેટ સહિતના સાધનોનો વિદેશમાં નિકાસ કરતો થઈ ગયો છે.

સાંસ્કૃતિક કાર્યક્રમથી સ્વાગત કરવામાં આવ્યું
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આપણો તિરંગો સૌ દેશવાસીઓને એકસૂત્રતામાં બાંધે છે. આ પાવન અવસરે સ્વરાજ મેળવવા માટે અગ્રીમ ભૂમિકા ભજવનારા આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓને હૃદયપૂર્વક વંદન કરતા ઉમેર્યું હતું કે, મુખ્યમંત્રીએ આ યાદગાર પર્વમાં તમામ નાગરિકો રાષ્ટ્રભક્તિ સાથે સહયોગી બને તેવી શુભેચ્છાઓ આ તકે પાઠવી હતી. જનસભા બાદ સૌ મહાનુભાવોએ તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. તમામ મહાનુભાવો હાથમાં તિરંગો લઈને રેસકોર્સથી જયુબિલી ગાર્ડન સુધી જોડાયા હતા. જ્યાં મહાત્મા ગાંધીજીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ યાત્રાનું ઠેર ઠેર સંગીતની સુરાવલીઓ, પરંપરાગત નૃત્યો તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમથી સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઃમુખ્યમંત્રીએ પોતાના નિવાસ સ્થાને તિરંગો લહેરાવી હર ઘર તિરંગા અભિયાનનો પ્રારંભ કરાવ્યો

Back to top button