વ્રત ઉત્સવનો પ્રારંભઃ પવિત્ર પુરુષોત્તમ માસની ભવ્ય તૈયારી શરૂ
- 58 દિવસનો શ્રાવણ અને પાંચ મહિનાનો ચાતુર્માસ
- 147 દિવસમાં 97 વ્રત અને તહેવાર
- 18 જુલાઈથી 16 ઓગસ્ટ સુધી અધિક માસ રહેશે
વ્રત ઉત્સવનો પ્રારંભ થઇ ચુક્યો છે. પવિત્ર પુરુષોત્તમ માસ શરૂ થવાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પૂજાપાની દુકાનોમાં ભગવાનનાં વસ્ત્ર, પૂજા સામગ્રીનો સ્ટોક ભરાઈ ગયો છે. મંદિરોને શણગારવામાં આવી રહ્યાં છે. વ્રત કથાઓનાં આયોજનો થઇ ચુક્યાં છે. શ્રાવણ, ભાદ્રપદ, અશ્વિન અને કારતક, આ ચાર મહિના ચાતુર્માસમાં રહે છે, પરંતુ આ વખતે અધિક માસ હોવાથી તે પાંચ મહિનાનો રહેશે. 2023થી 19 વર્ષ પહેલાં 2004માં અધિક માસ હતો. શ્રાવણ 58 દિવસ સુધી ચાલશે. દેવપોઢી એકાદશીથી દેવઊઠી એકાદશી- 23 નવેમ્બર સુધી 147 દિવસ તહેવારનો સમય રહેશે. જેમાં 97 દિવસના ઉપવાસ અને તહેવારો ઊજવાશે. આ વર્ષે અધિક માસ હોવાથી વિષ્ણુજી ચાર નહીં પણ પાંચ મહિના આરામમાં રહેશે. 4 જુલાઈથી શિવ પૂજાનો મહિનો શરૂ થયો છે. જે 31 ઓગસ્ટ સુધી ચાલશે. 18 જુલાઈથી 16 ઓગસ્ટ સુધી અધિક માસ રહેશે.
ચાતુર્માસ 23 નવેમ્બર સુધી ચાલશે
ચાતુર્માસ 23 નવેમ્બર સુધી ચાલશે. હવે અધિક માસના 30 દિવસ, રક્ષાબંધન, ગણેશ ઉત્સવ -10 દિવસ, પિતૃ પક્ષ – શ્રાદ્ધ 15 દિવસ, નવરાત્રિ નવ દિવસ, દીપોત્સવ- દિવાળી પાંચ દિવસ સહિતના 97 વ્રત-ઉત્સવ ઊજવાશે
શ્રાવણ માસમાં બે-બે ચતુર્થી, એકાદશી, હરિયાળી અમાવસ્યા પછી, 30 દિવસીય અધિક માસ 18 જુલાઈથી શરૂ થશે. જે 16 ઓગસ્ટ સુધી ચાલશે. શ્રાવણનો શુક્લ પક્ષ 17 ઓગસ્ટથી શરૂ થશે. જેમાં નાગપંચમી 21 ઓગસ્ટ અને રક્ષાબંધન (30 ઓગસ્ટ) ઊજવવામાં આવશે. આ રીતે શ્રાવણના 39 દિવસ સુધી ઉપવાસ અને ઉત્સવો રહેશે. ભાદરવામાં ૩૧ ઓગસ્ટથી ૨૯ સપ્ટેમ્બર ગણેશ ઉત્સવના દસ દિવસની સાથે બે ત્રીજ, ચતુર્થી, એકાદશી હશે. અમાવાસ્યા અને પૂર્ણિમા સાથે 18 દિવસના ઉપવાસ અને તહેવારો હશે.
આસો મહિનામાં 30 સપ્ટેમ્બરથી 28 ઓક્ટોબર નવરાત્રિના નવ દિવસ, દશેરા, પાશાંકુશા એકાદશી, અમાવસ્યા, શરદ પૂર્ણિમા અને 29 દિવસના ઉપવાસ અને તહેવારો હશે. કારતક મહિનામાં 29 ઓક્ટોબરથી 27 નવેમ્બર 5 દિવસનો દીપોત્સવ, બે ચતુર્થી અને એકાદશીઓ, છઠ પૂજા સાથે 11 દિવસના ઉપવાસ અને તહેવારો હશે. આ રીતે 147 દિવસ તહેવારની સિઝનમાં કુલ 97 દિવસના ઉપવાસ અને તહેવારોની ઉજવણી કરવામાં આવશે.
ચાતુર્માસમાં યોગ-સંયોગો
આ વખતે સોમવતી અમાવસ્યાનો શુભ સંયોગ શ્રાવણના બીજા સોમવારે બની રહ્યો છે. સાતમા સોમવારે નાગપંચમી અને છેલ્લા સોમવારે પ્રદોષ વ્રત હશે. આ વર્ષે ભદ્રાના કારણે રાખડી બાંધવાના દિવસમાં કોઈ મુહૂર્ત નહીં હોય. રક્ષાબંધન રાત્રે નવ વાગે જ ઊજવી શકાશે. શરદ પૂર્ણિમા 28 ઓક્ટોબરના રોજ આંશિક ચંદ્રગ્રહણ થશે. જે ભારતમાં દેખાશે. દિવાળી પહેલાં ખરીદી માટે 5 નવેમ્બરે દુર્લભ રવિપુષ્ય યોગ બની રહ્યો છે. 15 જુલાઈ 2023 માસિક શિવરાત્રિ, 17 જુલાઈએ, સોમવતી અમાવસ્યા, શ્રાવણ મહિનાનો સોમવાર, 18 જુલાઈ અધિક માસ શરૂ, ત્રીજું મંગળા ગૌરી વ્રત, 21 જુલાઈ- વિનાયક ચતુર્થી, 25 જુલાઈએ – ચોથું મંગળા ગૌરી વ્રત, 31 જુલાઈ – શ્રાવણ મહિનાનો ચોથો સોમવાર
ચાતુર્માસની એકાદશીનું છે વિશેષ મહત્ત્વ
વર્ષ દરમ્યાન કુલ ચોવીસ એકાદશી આવે છે. જેમાં ચાતુર્માસમાં આવતી નવ એકાદશીનું સવિશેષ મહત્વ છે. તેમાં પણ ત્રણ એકાદશીનું સૌથી વધુ મહત્વ છે. દેવપોઢી એકાદશી, પાર્શ્વવર્તીની એકાદશી, કારતક સુદ એકાદશીએ ભગવાન જાગે છે તેથી તેને દેવઊઠી એકાદશી, સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ ચાતુર્માસ કરવાની પ્રણાલિકા છે.
દશામાનાં વ્રતની તૈયારી
આગામી દિવસોમાં પવિત્ર શ્રાવણ માસની સાથે અનેક તહેવારોની મોસમ શરૂ થઇ રહી છે. તેમાં દશામાનું વ્રત પણ આવશે. તેથી મૂર્તિકારોમાં ચહલપહલ જોવા મળી રહી છે. કોરોના કાળથી આ વ્યવસાયને રોક લાગી ગઈ હતી. ત્યારે છેલ્લા બે વર્ષથી ફરી મૂર્તિકારોએ મૂર્તિ બનાવવાના વ્યવસાયમાં રંગત પકડી છે. જેથી માતાજીની મૂર્તિ બનાવતા મૂર્તિકારો તૈયારીમાં લાગી ગયા છે અને તૈયારીને અંતિમ ઓપ આપી રહ્યા છે.
આ પણ વાંચોઃ આ ચાર નાની લાગતી આદતો વધારી શકે છે ડાયાબિટીસઃ તાત્કાલિક કરો બંધ