કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતચૂંટણી 2022

માંગરોળથી સાગર પરિક્રમા યાત્રાના બીજા ચરણનો પ્રારંભ

Text To Speech

ભારત સરકારના મત્સ્ય પાલન પશુપાલન અને ડેરી બાબતોના કેબિનેટ મંત્રી પરસોત્તમભાઈ રૂપાલાએ સાગર પરિક્રમા યાત્રા-૨૦૨૨ના બીજા ચરણનો દરિયાઈ માર્ગે માંગરોળથી પ્રારંભ કર્યો હતો. આ સાથે મંત્રી પરસોત્તમભાઈ રૂપાલા સહિતના મહાનુભાવોએ લાભાર્થીઓને કિસાન ક્રેડિટ કાર્ડ અને પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના હેઠળ OBM એન્જિન, GPS, વાયરલેસ ઈન્ફયુલેટેડ વ્હીકલના લાભોનું હાથોહાથ વિતરણ કરવામાં આવ્યું હતું.

વિવિધ યોજના હેઠળ સાગરખેડુઓ માટે રૂ.35 હજાર કરોડની ફાળવણી

સાગર પરિક્રમા યાત્રાના આરંભ પૂર્વે માંગરોળના રામલીલા મેદાનમાં વિશાળ જનસભા સંબોધતા મંત્રી પરસોત્તમભાઈ રૂપાલાએ જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ સાગરખેડુઓના ઉત્કર્ષ માટે PM મત્સ્ય સંપદા યોજના હેઠળ માતબર રૂ.૨૦,૦૦૦ કરોડનું જંગી અનુદાન ફાળવ્યું છે. આ સાથે જ મત્સ્ય ક્ષેત્રના આંતરમાળખાકીય વિકાસ માટે રૂ.૧૫,૦૦૦ કરોડના બજેટની જોગવાઈ કરી છે. એટલું જ નહીં માછીમારોના વિકાસ માટે અને આ ઉદ્યોગને વેગ આપવા માટે પ્રધાનમંત્રીએ એક અલાયદા મંત્રાલયની રચના કરી છે.

ઝીરો ટકા વ્યાજ વાળું ક્રેડિટ કાર્ડ સાગરખેડુઓ માટે પણ ઉપલબ્ધ

આ સાથે મંત્રી રૂપાલાએ કહ્યું કે, પ્રધાનમંત્રીએ ખેડૂતોને ઝીરો ટકા વ્યાજે ૩ લાખનું ધિરાણ ઉપલબ્ધ કરાવતું કિસાન ક્રેડિટ કાર્ડ માત્ર ખેડૂતો પૂરતું સીમિત ન રાખતા તેમાં સાગરખેડુઓનો પણ સમાવેશ કર્યો છે. જેથી માછીમારી સાથે જોડાયેલા લોકોને ત્રણ લાખનું ધિરાણ ઝીરો ટકા વ્યાજે ધિરાણ મળી રહ્યું છે. આ માટે કેન્દ્ર સરકાર ૩ અને રાજ્ય સરકાર ૪ ટકા વ્યાજ સહાય આપી રહી છે. જેથી સાગર ખેડુઓ દેવામાં ગરકાવ થવાથી બચી રહ્યા છે. આમ, ગ્રામીણ અર્થતંત્રને પણ વેગ મળી રહ્યો છે.

નવીન ટેકનોલોજી અપનાવી મત્સ્યઉદ્યોગને વેગ આપી શકાય

ગુજરાત રાજ્ય મત્સ્ય પેદાશોના ઉત્પાદનમાં દેશમાં અગ્રસ્થાને છે ત્યારે ગુજરાત મત્સ્ય પેદાશોના નિકાસ માટે વધુ યોગદાન આપે તેનાથી દેશની આવકમાં વૃદ્ધિ થવાની સાથે માછીમારોના આર્થિક વિકાસને વેગ મળશે. તેમ જણાવતા મંત્રી રૂપાલાએ કહ્યું કે, દેશ અને ગુજરાતમાં ડીપ ફિશિંગ વણખેડ્યું રહ્યું છે. ઉપરાંત મત્સ્યદ્યોગ ક્ષેત્રે પ્રોસેસિંગના વિકાસની અપાર સંભાવના રહેલી છે. ત્યારે આ દિશામાં નવીન ટેકનોલોજી અપનાવી મત્સ્યદ્યોગને વેગ આપી શકાશે. આ સાથે તેમણે કહ્યું કે, દરિયા કિનારા નજીક માછલીઓ મળતી નથી. જેથી ભારત સરકારે સ્ટોક રિન્ચિંગ માટે જુદા જુદા પગલાં લઈ રહી છે.

સાગર પરિક્રમા યાત્રાનો હેતુ સ્પષ્ટ કરતા રૂપાલા

કેન્દ્રીય મંત્રી રૂપાલાએ સાગર પરિક્રમા યાત્રાનો હેતુ સ્પષ્ટ કરતા જણાવ્યું કે, આ યાત્રા પ્રવાસ કે ટુરીઝમ માટે નથી પરંતુ માછીમાર સાગર ખેડુઓના જુદા-જુદા પ્રશ્નો સમસ્યાઓનો તાગ મેળવી શકાય, જળ સૃષ્ટિ જાણી શકાય, માછીમાર સમુદાયના આવાસ-નિવાસ અને સંસ્કૃતિની જાણકરી મળી રહે અને નવા બનેલા આ મંત્રાલય નીતિ ઘડતરમાં પણ ઇનપુટ્સ આપી શકાય. મંત્રી રૂપાલાએ સાગરખેડુને દરિયાઈ સીમાના સાચા સિપાહી ગણાવતા કહ્યું કે, માંગરોળના ખારવા સમાજનું ૧૯૭૧ના યુદ્ધમાં પણ મહત્વનું યોગદાન રહ્યું છે. માંગરોળના દરિયા કિનારે યુદ્ધ જહાજો પહોંચી શકતા ન હતા ત્યારે, આ સમુદાયે યુદ્ધ માટે દારૂગોળો અને સૈનિકોને ભોજન મધદરિયે પોતાની બોટ મારફત ભોજન પહોંચાડ્યું છે. આમ, મંત્રી રૂપાલાએ ખારવા સમાજની રાષ્ટ્રભાવનાને બિરદાવી હતી.

Back to top button