રાજ્યના શિક્ષણ વિભાગે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા મોટો નિર્ણય લીધો છે. રાજ્યમાં હવે ધોરણ-9ના અભ્યાસક્રમમાં પ્રાકૃતિક ખેતીનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ જાહેરાત રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ કરી છે. તેમણે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે રાજ્ય સરકાર દ્વારા શૈક્ષણિક વર્ષ 2022-23થી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની શાળાઓમાં ધોરણ-9ના અભ્યાસક્રમમાં પ્રાકૃતિક ખેતીનો સમાવેશ કરવામાં આવ્યો છે અને હવે પછી ક્રમશ: ધોરણ-10 થી 12ના અભ્યાસક્રમમાં સમાવેશ કરવામાં આવશે.
રાજ્ય સરકારના આ નિર્ણયથી ગુજરાતના વિદ્યાર્થીઓને શાળાકીય શિક્ષણ દરમ્યાન પ્રાકૃતિક ખેતીને લગતી જાણકારી મળી રહેશે અને તેનાથી થનાર લાભ અંગે વિદ્યાર્થીઓ માહિતગાર થશે. જેથી ભવિષ્યના નાગરિકો એવા આ વિદ્યાર્થીઓ પ્રાકૃતિક ખેતીના મહત્વને સમજીને ભવિષ્યમાં પ્રાકૃતિક ખેતી તરફ વળશે.
રાજ્ય સરકાર દ્વારા શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ થી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની શાળાઓમાં ધોરણ-૯ના અભ્યાસક્રમમાં પ્રાકૃતિક ખેતીનો સમાવેશ કરવામાં આવેલ છે અને હવે પછી ક્રમશ: ધોરણ-૧૦ થી ૧૨ના અભ્યાસક્રમમાં સમાવેશ કરવામાં આવશે.
— Jitu Vaghani (@jitu_vaghani) June 9, 2022
રાજ્ય સરકારના આ નિર્ણયથી ગુજરાતના વિદ્યાર્થીઓને શાળાકીય શિક્ષણ દરમ્યાન પ્રાકૃતિક ખેતીને લગતી જાણકારી મળી રહેશે અને તેનાથી થનાર લાભ અંગે વિદ્યાર્થીઓ માહિતગાર થશે. જેથી ભવિષ્યના નાગરિકો એવા આ વિદ્યાર્થીઓ પ્રાકૃતિક ખેતીના મહત્વને સમજીને ભવિષ્યમાં પ્રાકૃતિક ખેતી તરફ વળશે.
રાજ્યપાલે પ્રાકૃતિક કૃષિના મિશનને રાજ્યવ્યાપી બનાવવા રાજ્ય સરકારને અભિનંદન આપ્યા હતા
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં 6 જૂને વીડિયો કોન્ફરન્સનાથી યોજાયેલી બેઠકમાં જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, ગુજરાતની ભૂમિને રાસાયણિક કૃષિના ઝેરથી મુક્ત કરી પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે ગુજરાતને દેશનો રોલમોડેલ બનાવવા વહીવટી તંત્રના સૌ અધિકારીઓ સંકલ્પબદ્ધ બને.
રાજ્યપાલે આ વર્ચ્યુઅલ બેઠકમાં જણાવ્યું હતું કે, ગુજરાત સરકારના પરિણામલક્ષી પ્રયાસો અને ખેડૂતોના પુરુષાર્થથી પ્રાકૃતિક કૃષિનું જનઅભિયાન ગ્રામીણ સ્તર સુધી પહોંચ્યું છે, ત્યારે જિલ્લા પ્રશાસનના સહયોગથી ગુજરાત રાજ્ય પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે દેશભરને પ્રેરણા પૂરી પાડી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રાકૃતિક કૃષિના જનઅભિયાનને રાષ્ટ્રવ્યાપી બનાવવાના સંકલ્પને સાકાર કરી શકાશે.રાજ્યપાલે પ્રાકૃતિક કૃષિના મિશનને રાજ્યવ્યાપી બનાવવા રાજ્ય સરકાર દ્વારા થઈ રહેલા ઘનિષ્ઠ પ્રયાસો બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને અભિનંદન પાઠવ્યા હતા.
તેમણે જણાવ્યું હતું કે, રાસાયણિક કૃષિને કારણે જળ, જમીન અને પર્યાવરણ દૂષિત થાય છે. ગ્લોબલ વોર્મિંગની સમસ્યામાં ૨૪ ટકા હિસ્સો રાસાયણિક કૃષિનો છે. રસાયણોથી દૂષિત આહાર આરોગવાથી લોકો અસાધ્ય રોગનો ભોગ બની રહ્યા છે. કેન્દ્ર સરકાર રાસાયણિક ખાતરો પાછળની સબસિડીને કારણે 1,60,000 કરોડનો આર્થિક બોજ ઊઠાવે છે. રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના બેફામ ઉપયોગથી જમીનનો ઓર્ગેનિક કાર્બન દિન પ્રતિદિન ઘટતો જાય છે અને જમીન બંજર બની રહી છે. કૃષિ ખર્ચ સતત વધતો જાય છે અને ઉત્પાદન ઘટતું જાય છે, સરવાળે ખેડૂતોની આર્થિક સ્થિતિ કથળે છે.