ઈન્ડોનેશિયામાં ફૂટબોલ મેચ બાદ હિંસા ફાટી નીકળી હતી. ત્યારબાદ નાસભાગમાં મૃત્યુઆંક 129 થઈ ગયો છે જ્યારે ઘાયલોની સંખ્યા 180ને પાર થઈ ગઈ છે. ન્યૂઝ એજન્સી રોયટર્સે પોલીસને ટાંકીને જણાવ્યું હતું કે હારેલી ટીમના દર્શકો ગુસ્સે ભરાયા હતા અને પિચ પર હુમલો કર્યો હતો. પોલીસે બદમાશોને કાબૂમાં લેવા માટે ટીયર ગેસના શેલ છોડ્યા, ત્યારબાદ ભાગદોડ મચી ગઈ અને સેંકડો લોકો માર્યા ગયા.
પૂર્વ જાવાના મલંગ રીજન્સીના કાંજુરુહાન સ્ટેડિયમમાં ઇન્ડોનેશિયન લીગ BRI લીગા 1 ની ફૂટબોલ મેચ બાદ શનિવારે રાત્રે આ ઘટના બની હતી. પૂર્વ જાવા પ્રાંતમાં ઇન્ડોનેશિયાના પોલીસ વડા નિકો અફિન્ટાએ પત્રકારોને જણાવ્યું હતું કે અરેમા એફસી અને પર્સેબાયા સુરાબાયા વચ્ચેની મેચ બાદ હારેલી બાજુના સમર્થકો દ્વારા પિચ પર હુમલો કરવામાં આવ્યો હતો. જે બાદ અધિકારીઓએ હુમલાખોરોને શાંત કરવા માટે ટીયર ગેસ છોડવો પડ્યો હતો, જેના કારણે નાસભાગ મચી ગઈ હતી. જણાવવામાં આવી રહ્યું છે કે શ્વાસ રૂંધાવાથી ઘણા લોકોના મોત પણ થયા છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલા વીડિયો ફૂટેજમાં મલંગમાં સ્ટેડિયમની પીચ પર લોકો દોડતા જોઈ શકાય છે. આ ઘટનામાં 129 લોકોના મોત થયા હતા જ્યારે 180થી વધુ લોકો ઘાયલ થયા હતા.
ફૂટબોલ એસોસિએશન ઑફ ઈન્ડોનેશિયા (PSSI) એ આ ઘટના પર ખેદ વ્યક્ત કરતું નિવેદન બહાર પાડ્યું અને કહ્યું કે રમત પછી શું થયું તેની તપાસ શરૂ કરવા માટે એક ટીમ મલંગ જવા રવાના થઈ ગઈ છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “PSSI કાંજુરુહાન સ્ટેડિયમમાં અરેમા સમર્થકોની ક્રિયાઓ બદલ ખેદ વ્યક્ત કરે છે. અમે પીડિતોના પરિવારો અને ઘટનામાં સામેલ તમામ પક્ષો માટે દિલગીર છીએ અને માફી માંગીએ છીએ. આ માટે PSSIએ તરત જ એક તપાસ ટીમની રચના કરી અને તરત જ મલંગ જવા રવાના થઈ ગયા. ”
રમખાણોને પગલે લીગે એક અઠવાડિયા માટે રમતો સ્થગિત કરી દીધી છે. અરેમા એફસી ટીમને આ સીઝનની બાકીની સ્પર્ધા માટે હોસ્ટ કરવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. લીગના માલિક PT LIBના અધ્યક્ષ ડિરેક્ટર અખ્મદ હાદિયન લુકિતાએ જણાવ્યું હતું કે, PSSI ના પ્રમુખ તરફથી સૂચના મળ્યા બાદ અમે આ નિર્ણયની જાહેરાત કરી હતી. અમે બધા આ મામલે PSSI દ્વારા તપાસની રાહ જોઈ રહ્યા છીએ.
આ પણ વાંચો : એક જ ઝાટકે પેટ્રોલ 40 રૂપિયા સસ્તુ થયું, પાડોશી દેશે લોકોને આપી મોટી રાહત