પૂંછમાં ફારુક અબ્દુલ્લાની રેલીમાં થઈ છરાબાજી: નેશનલ કોન્ફરન્સના ત્રણ કાર્યકરો ઘાયલ

19 મે 2024, જમ્મુ-કાશ્મીરના પૂંછમાં નેશનલ કોન્ફરન્સના વડા ફારૂક અબ્દુલ્લાની રેલીમાં છરી વડે હુમલો થયો હતો. હુમલામાં પાર્ટીના ત્રણ કાર્યકરો ઘાયલ થયા હતા. જેમાંથી બેની હાલત ગંભીર છે અને તેમને રાજૌરીની જીએમસી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે. આ ઘટના ત્યારે બની જ્યારે એનસી ચીફ અને જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લા પાર્ટીના ઉમેદવાર સાથે સ્થળ પર હાજર હતા. પોલીસે આ મામલે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.
આજે મેંઢરમાં નેશનલ કોન્ફરન્સની એક મોટી રેલી હતી, જેમાં ફારૂક અબ્દુલ્લા મિયાં અલ્તાફ રાજૌરી સાથે રેલીને સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન રેલીમાં અજાણ્યા વ્યક્તિઓએ છરી વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં નેશનલ કોન્ફરન્સના ત્રણ કાર્યકરો ઘાયલ થયા હતા. જેમાંથી બેની હાલત ગંભીર છે આ દરમિયાન છરી વડે હુમલો થતાં સ્થળ પર અફડાતફડી મચી ગઈ હતી. એનસી પ્રમુખ ફારુક અબ્દુલ્લા મેંધરમાં અનંતનાગ-રાજૌરી લોકસભા સીટના ઉમેદવાર મિયાં અલ્તાફના સમર્થનમાં પાર્ટી દ્વારા આયોજિત રેલીમાં હાજર હતા. રેલી કોઈપણ વિક્ષેપ વિના ચાલુ રહી.
કોઈ મુદ્દે બે જૂથો વચ્ચે અથડામણ
અધિકારીઓએ જણાવ્યું કે રેલી દરમિયાન કોઈ મુદ્દે બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી. આ ઝપાઝપીનો લાભ લઈને હુમલાખોરો નાસી છૂટવામાં સફળ થયા હતા. પોલીસે આ ઘટનાના સંબંધમાં કેસ નોંધ્યો છે અને ગુનેગારોને પકડવાનો પ્રયાસ કરી રહી છે. હરનીના રહેવાસી સોહેલ અહેમદ અને યાસિર અહેમદ અને કસ્બાલારી ગામના મોહમ્મદ ઈમરાનને છરીથી ઈજા થઈ હતી અને તેમને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
અહેમદ રાણાએ સુરક્ષામાં મોટી ભૂલ ગણાવી
નેશનલ કોન્ફરન્સના પૂર્વ ધારાસભ્ય જાવેદ રાણાએ આ ઘટનાને સુરક્ષામાં મોટી ભૂલ ગણાવી છે. તેમણે કહ્યું, “આટલી સુરક્ષા વચ્ચે અમારા યુવાનો પર હુમલો થયો. હું પોલીસ પાસેથી માંગ કરું છું કે હુમલાખોરોને પકડવામાં આવે અને તેમની સામે કાર્યવાહી કરવામાં આવે.” ફારુક અબ્દુલ્લાએ અહીં એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, “દિલ્હીમાં બેસીને તેઓ (ભાજપ) કહેતા હતા કે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ માટે કલમ 370 જવાબદાર છે. કલમ 370 હટાવ્યાને પાંચ વર્ષ થઈ ગયા, શું આ હુમલાઓ બંધ થઈ ગયા? આ હુમલાઓમાં નિર્દોષ લોકો મરી રહ્યા છે.” રાણાએ કહ્યું કે આ ગંભીર ઘટના છે અને તેની તપાસ થવી જોઈએ. થોડા દિવસો પહેલા, ઘાયલ યુવકના એક ભાઈ પર આ જ જૂથ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને આરોપીઓ સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી, એમ એનસી નેતાએ જણાવ્યું હતું, જેઓ ઘાયલોની સ્થિતિ વિશે જાણવા માટે હોસ્પિટલ પહોંચ્યા હતા.
આ પણ વાંચો..અધીર રંજનને ખડગેની ચેતવણીથી બંગાળના કાર્યકરો નારાજ! કોંગ્રેસ અધ્યક્ષના ફોટા પર ફેરવ્યો કાળો કૂચડો