મોંઘવારી વચ્ચે સૌ કોઈ સરકારી પરિવહનનો સૌથી વધુ અને સૌથી સારી રીતે ઉપયોગ કર્યો છે. તહેવારોની દ્રષ્ટિએ ઓગસ્ટની મહિનો સૌ કોઈ માટે લાભદાયી રહ્યો છે. જેમાં એસ.ટી નિગમ માટે આવકની દ્રષ્ટિએ છેલ્લા 20 દિવસોમાં 7.34 લાખથી વધુ ટિકિટોએ મુસાફરી માટે રિઝર્વેશન કરાવ્યું હતું. જેના કારણે એસટી નિગમને રૂ.14.21 કરોડથી વધુની આવક થઈ હતી. જે ગત વર્ષની સરખામણીમાં 5.95 કરોડથી વધુ થઈ છે.
ઓગસ્ટ મહિનામાં શ્રાવણ માસ સાથે તહેવારોનો મહિનો છે. જેમાં રક્ષાબંધન, સ્વાતંત્ર્ય દિન, નાગ પાંચમ, સાતમ, આઠમ, નોમ સહિતના તહેવારો ઉપરાછાપરી આવ્યા. જે દિવસોમાં લોકો ધાર્મિક પ્રવાસ કરતા હોય છે. સગા વહાલાને ઘરે , વતનમાં કુંટુંબ સાથે, તિર્થ સ્થાને તેમજ સહપરિવાર નજીકના પ્રવાસન સ્થળોએ ફરવા જવાનું આયોજન લગભગ તમામ પરિવારોનું હોય છે.
તહેવારોની આ સિઝનમાં એસ.ટી.નિગમે એકસ્ટ્રા સંચાલન કરીને સારી એવી આવક મેળવી છે. નિગમના અધિકારીઓના જણાવ્યા મુજબ કોરોનાકાળ પછી આ વર્ષે ખુબ જ મોટી સંખ્યામાં લોકો ઘરની બહાર નીકળ્યા છે. વિવિધ બસ સ્ટેન્ડો પર હજારોની સંખ્યામાં મુસાફરો જોવા મળ્યા હતા.
આટલી સીટ થઈ બુક
બસોના સંચાલન માટે વિશેષ સ્ટાફ તૈનાત કરવા, 24 કલાકનું સંચાલન ચાલુ રાખવાની ફરજ પડી હતી. લોકોએ બસમાં સીટ કન્ફર્મ કરવા માટે મુસાફરોએ આ વર્ષે એડવાન્સમાં ઓનલાઇન બુકિંગ કરાવ્યું હતું. ખાસ વાત એ છેકે 10 ઓગષ્ટથી 20 ઓગષ્ટ સુધીમાં 7,34,428 સીટોનું મુસાફરોએ રિઝર્વેશન કરાવ્યું હતું. જેના થકી નિગમને રૂ. 14,21,28,473 ની જંગી આવક થવા પામી હતી. અમદાવાદ અને સુરતથી સૌરાષ્ટ્ર જવા માટે વિશેષ ધસારો જોવા મળ્યો હતો. દાહોદ, ગોધરા, પંચમહાલ, વડોદરા, ઉત્તર ગુજરાત , મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં બસો દોવાડાઇ હતી.
મોબાઇલના જમાનામાં 3,25,080 ટિકિટોનું રિઝર્વેશન મુસાફરોએ મોબાઇલ થકી કરાવ્યું હતું. જેના થકી નિગમને રૂ. 5,97,30,237 ની આવક થઇ હતી. બીજી તરફ 1,70,797 લોકોએ જેતે બસ મથકે જઇને કાઉન્ટર પરથી તેમની ટિકિટ બુક કરાવી હતી. વિભાગવાર વાત કરીએ તો અમદાવાદ વિભાગમાંથી 1,00,642 સીટો બુક થવા પામી હતી. જ્યારે સૌરાષ્ટ્ર રાજકોટ વિભાગમાં તમામ કેન્દ્ર પર 3 લાખથી વધુ સીટો બુક થઈ, આ ઉપરાંત દ.ગુજરાતમાં સુરત અને તેના આસપાસના વિભાગો પરથી 2 લાખ આસપાસ ટિકિટ બુક થઈ હતી.