ઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાત

સુરત: બસ ડ્રાઇવરની ભૂલને કારણે નવા નિર્માણ પામેલા બ્રિજ પર ST બસ ફસાઈ

Text To Speech

સુરત: મોટા વરાછાથી પુણા સુધીના નવનિર્મિત બ્રિજનું લોકાર્પણ કર્યાના ગણતરીના કલાકો બાદ ST બસ ફસાઈ ગઈ હતી. જોકે, બ્રિજના લોકાર્પણ થયાના વિવાદ બાદ બ્રિજની ડિઝાઈનને લઈ તંત્ર સામે સવાલો ઊભા થયા હતા. આ બ્રિજ પરથી નીચે ઉતરી રહેલી એસટી બસ વળાંક ન વળી શકી. જેથી બ્રિજમાં બસને રિવર્સ લઈ જવાની ફરજ પડી હતી. આ ઉપરાંત, બીજા વાહનો પણ અટવાઈ ગયા હતા.બાદમાં સોશિયલ મીડિયા પર વીડિયો વાઈરલ થયા સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે બ્રિજની ડિઝાઈનમાં ખામી છે. બીજી તરફ, બ્રિજના નિર્માણ પાછળ 168 કરોડ ખર્ચવામાં આવ્યા છે. જોકે, ત્યારબાદ સ્પષ્ટતા થઈ હતી કે આ બ્રિજ સાંકડો જ છે અને ત્યાં બસ જેવા મોટાં વાહનોને જવાની પરવાનગી નથી, છતાં એસટી ડ્રાઇવરે ત્યાંથી બસ લઈ જવાનો પ્રયાસ કરતાં આ સ્થિતિ સર્જાઈ હતી.

ચીકુવાડીથી મોટા વરાછાને જોડતા આ બ્રિજનું આજે કેન્દ્રીય રેલ રાજ્યમંત્રી દર્શના જરદોષના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ભાજપના નેતાઓએ વાજતે ગાજતે ઓપનિંગ કર્યું હતુ. આ બ્રીજમાં ખામી સર્જાતા મોટા વાહનો માટે વળાંક લેવો મુશ્કેલ બન્યો છે. નવનિર્મિત બ્રિજ પરથી એક નહિ પરંતુ બેથી વધુ એસ. ટી બસ પસાર થતા રિવર્સ લેવાની નોબત આવી હતી.  જો કે મળતી માહિતી મુજબ બ્રિજની બાજુમાં આવેલા રોડ પર ભારે વાહનોની મનાઈ છે. આ અંગેનું બોર્ડ બ્રિજ પર લગાવવામાં આવ્યું છે. 7.5 મીટરથી વધુની લંબાઈવાળા વાહનોની અવરજવર પર પ્રતિબંધ છે.

જોકે બસ ડ્રાઈવરે બેદરકારીમાં બોર્ડ જોયા વિના જ બસ અંદર હંકારી દેતા તે અટવાઈ પડ્યો હતો અને તે સમય દરમિયાનનો વીડિયો વાઈરલ થઈ ગયો હતો. જે બાદ કરોડોના ખર્ચે બનેલા બ્રિજમાં ડિઝાઈનની ખામી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: સુરત પોલીસે ઉધના વિસ્તારમાંથી એક નકલી IPS અધિકારીને ઝડપી લીધો

Back to top button