ધો. 10 અને 12ની બોર્ડની પરીક્ષાને ગણતરીના દિવસો બાકી, ઋષિકેશ પટેલે આપી શુભેચ્છાઓ


ગુજરાતમાં બોર્ડની પરીક્ષાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ધીરે ધીરે હવે પરીક્ષાનો માહોલ સર્જાઈ રહ્યો છે. ગુજરાતમાં આગામી તારીખ 14 માર્ચથી ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. ગુજરાત પરીક્ષા બોર્ડ દ્વારા આગમી 14 માર્ચથી ધોરણ 10 અને 12ની પરીક્ષા યોજાવાની છે. જેમાં ધોરણ10 માં 9.56 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1.10 લાખ વિદ્યાર્થીઓ તેમજ સામાન્ય પ્રવાહમાં 5.65 લાખ વિદ્યાર્થીઓ પ્રથમ વખત પરીક્ષા આપવાના છે. ત્યારે આ પરીક્ષાને લઈને ઋષિકેશ પટેલે વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી છે.
બોર્ડની પરીક્ષા નજીક આવતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ઉત્સાહ વધી રહ્યો છે. હાલ વિદ્યાર્થીઓ પરીક્ષાને લઈને તૈયારીમાં લાગી ગયા છે. આગામી માર્ચ મહીનામાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની બોર્ડ પરીક્ષા લેવાશે. મળતી માહિતી મુજબ ધો. 10ની પરીક્ષા માટે 958 કેન્દ્રો જયારે ધો. 12ના સામાન્ય પ્રવાહ માટે 525 જ્યારે વિજ્ઞાન પ્રવાહ માટે 140 કેન્દ્રો પર આ પરીક્ષા લેવામાં આવશે.

ગત વર્ષ દરમિયાન પણ કોરોનાની અસર વચ્ચે શાળામાં પ્રત્યક્ષ શિક્ષણ પુરતા સમય સુધી કાર્યરત ન હતુ જયારે વર્ષ 2020માં બોર્ડની પરીક્ષા રદ કરવામાં આવી હતી. જયારે આ વર્ષે લાંબા સમયના અંતે સમગ્ર વર્ષ શાળામાં પ્રત્યક્ષ શિક્ષણ કાર્ય પણ થયું છે. એટલે રાબેતા મુજબ જ પરીક્ષાઓ સંપન્ન થશે. ત્યારે આગામી બોર્ડ પરીક્ષાના યોગ્ય આયોજના માટે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ તેમજ શિક્ષણતંત્ર પણ તૈયારીમાં લાગી ગયુ છે.
આ પણ વાંચો : ગુજરાતમાં GST વિભાગમાં મોટાપાયે ફેરફાર, 76 અધીકારીઓની બદલી