શ્રીકાંત રિવ્યુ: નેત્રહીન વ્યક્તિઓની લાગણીઓ સામાન્ય વ્યક્તિઓ જેવી જ હોય છે
10 મે, અમદાવાદ: નેત્રહીન વ્યક્તિઓને આપણે દયાભાવથી જોતાં હોઈએ છીએ, પરંતુ ખરેખર એવું ન હોવું જોઈએ. શ્રીકાંત ફિલ્મ આ જ સંદેશ આપે છે કે નેત્રહીન વ્યક્તિઓ આપણા જેવા જ છે ફક્ત તેમની આંખો નથી એટલું જ.
કલાકારો: રાજકુમાર રાવ, જયોતિકા, અલાયા એફ, જમીલ ખાન અને શરદ કેળકર
નિર્દેશક: તુષાર હિરાનંદાની
રન ટાઈમ: 134 મિનિટ્સ
કથા: શ્રીકાંત બોલા એ સમયના આંધ્રપ્રદેશના મછલીપટ્ટનમના એક ગામડામાં એક ગરીબ ખેડૂત પરિવારમાં જન્મે છે. તેના જન્મની સાથે તેના પિતા અત્યંત ખુશ થાય છે, પરંતુ જ્યારે તેમને ખબર પડે છે કે તેમનો પુત્ર જન્મથી જ અંધ છે તેઓ નિરાશ થઇ જાય છે. આટલું ઓછું હોય તેમ તેઓ એક અંતિમ નિર્ણય પણ લઇ લે છે, પરંતુ શ્રીકાંતના માતાની વિનંતીથી તેઓ પોતાનો નિર્ણય પડતો મુકે છે.
શ્રીકાંતને સામાન્ય બાળકો સાથે જ ગામની સ્કુલમાં ભણવા મૂકે છે. પરંતુ ગામનો એક ડાહ્યો વ્યક્તિ સલાહ આપે છે કે શ્રીકાંત અન્ય બાળકોથી અલગ છે તેને હૈદરાબાદ અંધ બાળકોની શાળામાં મુકવો જોઈએ. આમ શ્રીકાંત હૈદરાબાદ જાય છે. અહીં તેને એક એવા ટીચર મળે છે જે તેની માતાની જેમ કાળજી લે છે.
આ જ ટીચર તેને ભણાવીને મોટો કરે છે અને અમેરિકા MIT બોસ્ટનમાં ભણવા પણ મોકલે છે. અમેરિકાથી પરત આવીને શ્રીકાંત પોતાનો બિઝનેસ શરુ કરે છે. પરંતુ આ બિઝનેસમાં થોડીઘણી સફળતા મેળવ્યા પછી…
શ્રીકાંત રિવ્યુ: ઉપરના પોઈન્ટ પછી આગળ કથા વધારવાનો કોઈ અર્થ નથી કારણકે તેનાથી ફિલ્મ જોવાની મજા મરી જશે. એટલે આપણે સીધા રિવ્યુ પર જ આવીએ.
ફિલ્મ અત્યંત પ્રેરણાદાયક છે. તે શ્રીકાંત બોલા જે ભારતના સર્વપ્રથમ નેત્રહીન CEO છે તેમના જીવન પર આધારિત છે. ફિલ્મનો સંદેશ એક જ છે કે નેત્રહીન વ્યક્તિઓ સામાન્ય વ્યક્તિઓની જેમ જ વિચારે છે. તેમનામાં પ્રેમ, દુઃખ, શોક, અભિમાન વગેરે લાગણીઓ સામાન્ય વ્યક્તિઓની જેમ જ હોય છે.
જ્યારે પણ કોઈ નેત્રહીન વ્યક્તિઓને આપણે જોઈએ તો આપણે એમના માટે ફક્ત દયાભાવ રાખવો ન જોઈએ. એવું ન વિચારવું જોઈએ કે આ તો ફક્ત ભીખ જ માંગી શકે કે પછી અગરબત્તી,સાબુ કે અગરબત્તી બનાવવા માટે જ લાયક છે.
શ્રીકાંત બોલા નેત્રહીન હોવા છતાં આપબળે આગળ આવ્યા અને સફળ ઉદ્યોગપતિ તો બન્યા જ પરંતુ તેમણે ભારતીય શિક્ષણ વ્યવસ્થામાં પણ આમૂલ પરિવર્તન લાવ્યું છે. આમ આ રીતે આ ફિલ્મ ઘણો મોટો અને ગૂઢ સંદેશ આપે છે.
વાત કરીએ ફિલ્મની કથા, પટકથા અને ઓવરઓલ ટ્રીટમેન્ટ વિશે. તો વાર્તા સરળ છે. સામાન્ય રીતે બાયોપિક કોઈના જીવન ઉપર જ આધારિત હોય છે. દરેકના જીવનમાં બહુ બધા ટ્વિસ્ટ ન પણ હોય એવી જ રીતે શ્રીકાંત બોલાના જીવનમાં પણ શરૂઆતની તકલીફો બાદ જે ટ્વિસ્ટ આવ્યા છે એ એટલા બધા અપીલિંગ ન હતા એટલે ઈન્ટરવલ પછી ફિલ્મમાં એકધારાપણું આવી જાય છે.
તેમ છતાં પ્રેરણાદાયક ફિલ્મ હોવાને નાતે ઘણા બધાને આ ફિલ્મ જરૂર ગમશે.
અદાકારીની વાત કરીએ તો રાજકુમાર રાવ અદ્ભુત. જેરીતે તેમણે નેત્રહીન શ્રીકાંત બોલાનો અભિનય કર્યો છે એવું લાગે છે કે તેમણે આ રોલ અભિનીત કરતા અગાઉ ઘણો સમય શ્રીકાંત બોલા સાથે ગાળ્યો હશે અને આથી જ તેમનામાં અભિનયના ઊંડાણ જોવા મળે છે. એક સેકન્ડ પણ એવું નથી લાગતું કે રાજકુમાર રાવ એક્ટિંગ કરી રહ્યા છે.
શ્રીકાંતના ટીચર તરીકે જ્યોતિકા અને તેમના લવ ઇન્ટરેસ્ટ તરીકે અલાયા એફને ખાસ કશું કરવાનું આવ્યું નથી પરંતુ તેમને જે જવાબદારી આપવામાં આવી છે તેને તેઓ સુપેરે નિભાવે છે. એપીજે અબ્દુલ કલામ તરીકે જમીલ ખાન જામે છે. તેમનો ગેટઅપ અને મેકઅપ એટલો તો પરફેક્ટ છે કે પહેલી નજરે તમને એ અબ્દુલ કલામ જ લાગે.
શ્રીકાંતના પાર્ટનર તરીકે શરદ કેળકર મોડા આવે છે પણ છવાઈ જાય છે. આમતો તેઓ એક સારા અદાકાર છે જ પરંતુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેઓ પોતાના અવાજથી છવાયા છે. અહીં પણ તેઓ અભિનય ઉપરાંત પોતાના અવાજના ‘બેઝ’ને કારણે એકદમ સ્વિટ લાગે છે અને એમનું પાત્ર પણ બધાને ગમી જાય એવું છે.
ઓવરઓલ, શ્રીકાંત અન્ય બાયોપિક જેવી એક અન્ય બાયોપિક છે. એક નેત્રહીન વ્યક્તિની તકલીફો અને તેમાંથી તેણે મેળવી સફળતામાંથી પ્રેરણા જરૂર મેળવી શકાય છે. જો ફિલ્મની દ્રષ્ટિએ જોઈએ તો તે બહેતર બની શકતી હતી કારણકે પટકથા નબળી છે એટલે ઘણીવાર આગળ જણાવ્યું તેમ એકધારી લાગે છે. બોક્સઓફીસ પર શ્રીકાંતને સફળતા મળે તેની શક્યતા ઓછી છે.
આ પણ વાંચોઃ ગર્વની ક્ષણઃ 77મા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ઉજવાશે ‘ભારત પર્વ’