શ્રીલંકાના સીતા અમ્મા મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા માટે ભારતથી પવિત્ર સરયૂનું જળ મોકલાશે
- શ્રીલંકામાં સીતા અમ્માનું વિશાળ મંદિર બની રહ્યું છે. આ મંદિરમાં માતા જાનકીની 19 મેના રોજ પ્રાણ પ્રતિષ્ઠા થશે. જેના માટે અયોધ્યાની પવિત્ર સરયૂનું જળ શ્રીલંકા મોકલવામાં આવશે. ભારત સરકારે આ માટેની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.
29 એપ્રિલ, કોલંબોઃ આ વર્ષની શરૂઆતમાં અયોધ્યામાં રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાદ હવે શ્રીલંકામાં સીતા અમ્માનું વિશાળ મંદિર બની રહ્યું છે. આ મંદિરમાં માતા જાનકીની 19 મેના રોજ પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે. જેના માટે અયોધ્યાની પવિત્ર સરયૂનું જળ શ્રીલંકા મોકલવામાં આવશે. ભારત સરકારે આ માટેની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. પવિત્ર સરયૂ નદીથી જળ મંગાવવા માટે શ્રીલંકાના પ્રતિનિધિમંડળ તરફથી ઉત્તરપ્રદેશની યોગી આદિત્યનાથ સરકારને પત્ર લખવામાં આવ્યો છે અને માતા જાનકીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા માટે જળ મોકલવાનો અનુરોધ કર્યો છે. ઉત્તરપ્રદેશ સરકારને પત્ર મળ્યા બાદ સરકારે પર્યટન વિભાગને જળ મોકલવાની જવાબદારી સોંપી છે.
બંને દેશોના સંબંધ બનશે મજબૂત
શ્રીરામ મંદિર ટ્રસ્ટનું કહેવું છે કે આ પહેલથી બંને દેશોની વચ્ચે દ્વિપક્ષીય સંબંધો મજબૂત બનશે અને સાંસ્કૃતિક સંબંધોને પ્રોત્સાહન પણ મળશે. શ્રીલંકાએ આ પહેલા કરી તેની પણ પ્રશંસા કરવામાં આવી છે.
અયોધ્યા તીર્થ વિકાસ પરિષદના સીઈઓ સંતોષકુમાર શર્માનું કહેવું છે કે શ્રીલંકામાં સીતા અમ્મા મંદિરનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. મંદિરના પ્રતિનિધિએ યૂપી સરકાર પાસે સરયૂ નદીનું પાણી માંગ્યું છે. અમે કળશમાં પવિત્ર જળ મોકલાવીશું. આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા 19 મેના રોજ થશે. સીતા અમ્મા મંદિરમાં માતા જાનકીની પ્રાણ પ્રતિષ્ઠાનો ઉદ્દેશ બંને દેશોના દિલોને જોડવાનો છે.
આ પણ વાંચોઃ લોનની રિડ્યુસિંગ બેલેન્સ પદ્ધતિ શું છે, તમને કેવી રીતે લાભદાયી છે? જાણો