શ્રીલંકાના નૌકાદળે તમિલનાડુના 37 માછીમારોની ધરપકડ કરી છે અને તેઓ શ્રીલંકાના જળસીમામાં કથિત રીતે ભટકી ગયા બાદ તેમની પાંચ માછીમારી બોટ જપ્ત કરી છે. મત્સ્ય ઉદ્યોગના એક અધિકારીએ રવિવારે આ માહિતી આપી હતી. શનિવારે રાત્રે શ્રીલંકન નૌકાદળના ઓપરેશન દરમિયાન આ લોકોને પકડવામાં આવ્યા હતા. આ મહિનામાં જ શ્રીલંકાની નૌકાદળે દસ માછીમારી બોટમાંથી 64 માછીમારોની ધરપકડ કરી છે. આ અંગે મુખ્યમંત્રી એમકે સ્ટાલિને આ મુદ્દો કેન્દ્ર સમક્ષ ઉઠાવ્યો છે અને તમામ માછીમારો અને તેમની બોટોની મુક્તિ સુનિશ્ચિત કરવા માટે જરૂરી પગલાં લેવા વિદેશ મંત્રી એસ જયશંકરને વિનંતી કરી છે.
શું લખ્યું મુખ્યમંત્રી સ્ટાલિને ?
શનિવારે શ્રીલંકાના નૌકાદળ દ્વારા 37 ભારતીય માછીમારોને તેમની બોટ સાથે પકડવા અંગે કેન્દ્રીય મંત્રીનું ધ્યાન દોરતા મુખ્યમંત્રીએ કહ્યું કે, જેમ તમે જાણો છો કે અમારા માછીમારો આજીવિકા માટે માછીમારીની પ્રવૃત્તિ પર સંપૂર્ણપણે નિર્ભર છે અને આ સતત ધરપકડ માછીમારી સમુદાય માટે મુશ્કેલી અને પીડાસભર છે.
માછીમારોમાં ગભરાહટ
રવિવારે જયશંકરને લખેલા પત્રમાં સ્ટાલિને કહ્યું કે શ્રીલંકાની નૌકાદળની આવી કાર્યવાહીથી રાજ્યના માછીમારી સમુદાયો પર દબાણ આવ્યું છે અને તેમના મનમાં ગભરાટ ફેલાયો છે. તેમણે કહ્યું, “હું જણાવવા માંગુ છું કે તમિલનાડુના માછીમારોને લાગે છે કે તેમનો અવાજ ઓછો થઈ રહ્યો છે અને મને લાગે છે કે ભારત સરકારે અમારા માછીમારોના અધિકારો માટે વધુ અવાજ ઉઠાવવો જોઈએ અને તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવી જોઈએ. આપણે તેના માટે બોલવું જોઈએ.
અનેક વખત શ્રીલંકા સામે કરાઈ માંગ
મુખ્ય પ્રધાને પાલ્ક ખાડી વિસ્તારમાં ભારતીય માછીમારોના પરંપરાગત માછીમારીના અધિકારોનું રક્ષણ કરવાની માંગનો પુનરોચ્ચાર કર્યો હતો. તેમણે પત્રમાં જણાવ્યું હતું કે ધરપકડ અને બોટ જપ્ત કરવાની વારંવારની માંગણી છતાં શ્રીલંકન નૌકાદળે ભારતીય માછીમારોની ધરપકડ કરવાનું ચાલુ રાખ્યું છે.