શ્રીલંકન નેવીની ફરી કાર્યવાહી: 21 ભારતીય માછીમારોની ધરપકડ સાથે 2 બોટ જપ્ત કરી
- ભારતીય માછીમારો શ્રીલંકાની પ્રાદેશિક જળસીમામાં ઘૂસી ગયા, જેથી કાર્યવાહી કરવામાં આવી હોવાનો શ્રીલંકાનો આરોપ
નવી દિલ્હી, 17 માર્ચ: શ્રીલંકન નેવીએ ફરી એકવાર ભારતીય માછીમારો વિરુદ્ધ કાર્યવાહી કરી છે. રામેશ્વરમ માછીમાર સંઘે આપેલી માહિતી મુજબ, શ્રીલંકાની નૌસેનાએ 21 માછીમારોની ધરપકડ કરી છે અને તેમની બે બોટ જપ્ત કરી છે. શ્રીલંકાના નૌકાદળનો આરોપ છે કે ભારતીય માછીમારો ટાપુ રાષ્ટ્રની પ્રાદેશિક જળસીમામાં ઘૂસી ગયા હતા અને તેથી કાર્યવાહી કરવામાં આવી હતી. નેવીએ આ સમગ્ર મામલાને પોતાના કંટ્રોલમાં લીધો અને તેને મત્સ્યોદ્યોગ નિયામકને મોકલી આપ્યો. ઉલ્લેખનીય છે કે ભારત અને શ્રીલંકા વચ્ચે માછીમારોનો મુદ્દો અવારનવાર વિવાદ તરીકે સામે આવે છે.
Rameswaram: 21 fishermen were apprehended and two of their boats were seized by the Sri Lankan Navy.
Source: Rameswaram Fishermen Association
— ANI (@ANI) March 17, 2024
તાજેતરમાં જ 15 માછીમારોની ધરપકડ કરવામાં આવી હતી
શુક્રવારે, એવા અહેવાલ હતા કે, શ્રીલંકન નૌકાદળે ઉત્તરી જાફના દ્વીપકલ્પમાં કરાઇનગરના દરિયાકિનારે ઓછામાં ઓછા 15 ભારતીય માછીમારોની અટકાયત કરી હતી. આ કાર્યવાહી ટાપુ રાષ્ટ્રની જળસીમામાં માછીમારીના આરોપો પર કરવામાં આવી હતી. શ્રીલંકાની નૌકાદળે માછીમારોની બોટ જપ્ત કરી હતી અને મામલો તપાસ માટે ફિશરીઝ ડિરેક્ટોરેટને મોકલી આપ્યો હતો.
ભારત અને શ્રીલંકા વચ્ચે વિવાદનું મુખ્ય કારણ માછીમારો
ઉલ્લેખનીય છે કે, ભારત અને શ્રીલંકા વચ્ચે માછીમારોનો મુદ્દો અવારનવાર વિવાદ તરીકે સામે આવે છે. શ્રીલંકન નેવીએ પણ પાલ્ક સ્ટ્રેટમાં ભારતીય માછીમારો પર ગોળીબાર કર્યો છે. શ્રીલંકા દ્વારા ઘણી વખત બોટ જપ્ત કરવામાં આવી છે. ગયા વર્ષે શ્રીલંકન નેવીએ 240 ભારતીય માછીમારોની ધરપકડ કરી હતી અને તેમની 35 બોટ જપ્ત કરી હતી.
આ પણ જુઓ: હરિયાણાના રેવાડીમાં મોટી દુર્ઘટના, ફેક્ટરીના બોઈલર વિસ્ફોટથી 40 લોકો દાઝી ગયા