ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડવર્લ્ડ કપસ્પોર્ટસ

શ્રીલંકાની સરકારે BCCI સેક્રેટરી જય શાહની માંગી માફી, જાણો શું છે કારણ ?

  • અર્જુન રણતુંગાના નિવેદન પર શ્રીલંકાની સરકારે જય શાહની ઔપચારિક માફી માંગી
  • ક્રિકેટની બરબાદી આપણી પોતાની અયોગ્યતાને કારણે છે : શ્રીલંકન સરકાર

નવી દિલ્હી : શ્રીલંકાની સરકારે એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ના પ્રમુખ અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સેક્રેટરી જય શાહની ભૂતપૂર્વ કેપ્ટન અર્જુન રણતુંગાની ટિપ્પણી પર શુક્રવારે ઔપચારિક રીતે માફી માંગી છે. ઉલ્લેખનીય છે કે, શ્રીલંકાના પૂર્વ કેપ્ટન અર્જુન રણતુંગાએ એક વિચિત્ર નિવેદન આપ્યું હતું અને શ્રીલંકન ક્રિકેટની બરબાદી માટે BCCI સેક્રેટરી જય શાહને જવાબદાર ગણાવ્યા હતા.

ક્રિકેટ વર્લ્ડ કપમાં ટીમના ખરાબ પ્રદર્શનને લઈને શ્રીલંકામાં હોબાળો ચાલી રહ્યો છે. શ્રીલંકાની સરકારે વિશ્વ કપની વચ્ચે શ્રીલંકન ક્રિકેટ બોર્ડને બરતરફ કરી દીધું હતું અને ત્યારબાદ રાજકીય હસ્તક્ષેપને કારણે ICCએ શ્રીલંકન ક્રિકેટને સસ્પેન્ડ કરી દીધું છે. આ સાથે જ શ્રીલંકાના પૂર્વ કેપ્ટન અર્જુન રણતુંગાએ શ્રીલંકન ક્રિકેટની ખરાબ હાલત માટે BCCI સેક્રેટરી જય શાહને જવાબદાર ગણાવ્યા છે. પરંતુ હવે શ્રીલંકાની સરકારે એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ના પ્રમુખ અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સેક્રેટરી જય શાહની ભૂતપૂર્વ કેપ્ટન અર્જુન રણતુંગા દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓ પર ઔપચારિક રીતે માફી માંગી છે.

શ્રીલંકન સરકારના મંત્રીઓએ સંસદીય સત્ર દરમિયાન શું કહ્યું ?

અહેવાલો અનુસાર, શુક્રવારે શ્રીલંકાના સંસદીય સત્ર દરમિયાન શ્રીલંકાની સરકારના બંને મંત્રી હરિન ફર્નાન્ડો અને કંચના વિજેસેકેરાએ આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે સ્પષ્ટ કર્યું કે જવાબદારી બહારની સંસ્થાઓને બદલે શ્રીલંકાના પ્રશાસકોની છે. મંત્રી કંચના વિજેસેકેરાએ કહ્યું કે, ‘સરકાર તરીકે અમે એશિયન ક્રિકેટ કાઉન્સિલના વડા જય શાહ પ્રત્યે અમારી દિલગીરી વ્યક્ત કરીએ છીએ. અમે અમારી સંસ્થાઓની ખામીઓ માટે એશિયન ક્રિકેટ કાઉન્સિલ સેક્રેટરી અથવા અન્ય દેશો સામે આંગળી ચીંધી શકીએ નહીં. આ એક ગેરસમજ છે.’ આ દરમિયાન પ્રવાસન મંત્રી હરિન ફર્નાન્ડોએ કહ્યું કે, “પ્રમુખ રાનિલ વિક્રમસિંઘેએ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સચિવ જય શાહ સાથે શ્રીલંકન ક્રિકેટ પર ICC દ્વારા લાદવામાં આવેલ પ્રતિબંધ હટાવવા માટે વાતચીત શરૂ કરી છે.

અહેવાલો અનુસાર, શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેએ 16 નવેમ્બરે એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ના પ્રમુખ જય શાહને ફોન કર્યો અને અર્જુનની ટિપ્પણી પર ખેદ વ્યક્ત કર્યો. ધ હિન્દુએ પ્રવાસન મંત્રી હરિન ફર્નાન્ડોને ટાંકીને જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિએ ગુરુવારે સવારે જય શાહ સાથે વાત કરી હતી. રાષ્ટ્રપતિએ કહ્યું કે, “આજે એટલે કે શુક્રવારે, મેં અને મારા કેબિનેટ સાથીદાર (વીજળી અને ઉર્જા મંત્રી કંચના વિજેસેકરા)એ રણતુંગાની ટિપ્પણી માટે સંસદમાં જય શાહની માફી માંગી હતી.” ઉલ્લેખનીય છે કે, અર્જુન રણતુંગાએ શ્રીલંકન ક્રિકેટના પતન માટે જય શાહને જવાબદાર ઠેરવ્યા છે. ભૂતપૂર્વ વર્લ્ડ કપ વિજેતા શ્રીલંકાના કેપ્ટન અર્જુન રણતુંગાએ જય શાહ પર શ્રીલંકન ક્રિકેટને ચલાવવા અને ‘બરબાદ’ કરવાનો આરોપ લગાવ્યો હતો.

શ્રીલંકાના ભૂતપૂર્વ કેપ્ટન રણતુંગાએ શું ટિપ્પણી કરી હતી ?

અર્જુન રણતુંગાએ કહ્યું હતું કે, “શ્રીલંકા ક્રિકેટ (SLC)ના અધિકારીઓ અને જય શાહ વચ્ચેના સંબંધોને કારણે શ્રીલંકા ક્રિકેટ (SLC)ને નુકસાન થઈ રહ્યું છે. BCCI વિચારે છે કે તેઓ SLCને કચડી શકે છે અને તેને નિયંત્રિત કરી શકે છે. જય શાહ શ્રીલંકા ક્રિકેટ ચલાવે છે. જય શાહ તરફથી દબાણને કારણે SLC બરબાદ થઈ રહ્યું છે. ભારતનો એક વ્યક્તિ શ્રીલંકાના ક્રિકેટને બરબાદ કરી રહ્યો છે. તે માત્ર તેના પિતાના કારણે શક્તિશાળી છે, જે ભારતના ગૃહમંત્રી છે.”

આ પણ વાંચો :શ્રીલંકા ક્રિકેટ બોર્ડને સસ્પેન્ડ કરતું ICC

Back to top button