શ્રીલંકાએ ભારત સહિત સાત દેશોના પ્રવાસીઓ માટે વિઝા મુક્ત પ્રવેશને આપી મંજૂરી
- પાયલોટ પ્રોજેક્ટના ભાગરૂપે પ્રસ્તાવને કેબિનેટે સ્વીકાર્યો
- 31 માર્ચ સુધી સાત દેશોના પ્રવાસીઓને વિઝા વગર મેળવી શકશે પ્રવેશ
શ્રીલંકાની કેબિનેટ દ્વારા મંગળવારે મહત્વનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. કેબિનેટે 31 માર્ચ 2024 સુધી પાયલોટ પ્રોજેક્ટના ભાગરૂપે તાત્કાલિક અસરથી સાત દેશો – ચીન, રશિયા, ભારત, થાઈલેન્ડ, મલેશિયા, જાપાન અને ઈન્ડોનેશિયાના પ્રવાસીઓને મફત વિઝા આપવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. જેથી હવે આ સાત દેશોના પ્રવાસીઓ વિઝા વગર શ્રીલંકામાં પ્રવેશ મેળવી શકશે.
વિદેશ પ્રધાન અલી સબરીએ ટ્વિટ કરીને આપી માહિતી
શ્રીલંકાના વિદેશ પ્રધાન અલી સબરીએ મહત્વની માહિતી આપતા ટ્વિટર પર પોસ્ટ મૂકીને જણાવ્યું હતું કે, “કેબિનેટે ભારત, ચીન, રશિયા, મલેશિયા, જાપાન, ઇન્ડોનેશિયા અને થાઇલેન્ડને 31 માર્ચ સુધી પાયલોટ પ્રોજેક્ટ તરીકે તાત્કાલિક અસરથી મફત વિઝા આપવાની મંજૂરી આપી છે.”
Cabinet approves issuing of free visas to India, China, Russia, Malaysia, Japan, Indonesia & Thailand with immediate effect as a pilot project till 31 March –
— M U M Ali Sabry (@alisabrypc) October 24, 2023
ગયા અઠવાડિયે, શ્રીલંકા પ્રવાસન મંત્રાલયે જાહેરાત કરી હતી કે અગાઉની કેબિનેટ બેઠક દરમિયાન કેબિનેટ પેપર રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં પ્રવાસીઓ તરીકે શ્રીલંકાની મુલાકાત લેવા ઇચ્છતા પાંચ દેશોના વિદેશીઓને મફત પ્રવાસી વિઝા આપવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. જેમાં મફત વિઝા આપવાથી આવનારા વર્ષોમાં પ્રવાસીઓની સંખ્યા વધીને 50 લાખ થવાની ધારણા છે.
શ્રીલંકા માટે ભારતએ સૌથી મોટું બજાર
ભારતએ શ્રીલંકા માટેનું સૌથી મોટું સ્ત્રોત બજાર છે અને શ્રીલંકાના પ્રવાસન મંત્રાલયની માર્કેટિંગ અને સંદેશાવ્યવહાર વ્યૂહરચનાનું મુખ્ય કેન્દ્ર રહ્યું છે, જેમાં ભારતમાં અનેક રોડ શો અને ઇવેન્ટ યોજવામાં આવી છે. શ્રીલંકાના પ્રવાસન અધિકારીઓનું કહેવું છે કે, “શ્રીલંકામાં પ્રવાસીઓના આગમનમાં વધુ એક પ્રોત્સાહન ચીનથી આવી શકે છે કારણ કે શ્રીલંકાએ 20 દેશોમાંનો એક છે જ્યાં ચીને ચીની પ્રવાસીઓની મુલાકાતને મંજૂરી આપી છે.” શ્રીલંકાની સરકાર દેશના મોટા ભાગના પર્યટન સ્થળો માટે ઈ-ટિકિટીંગ સિસ્ટમ શરૂ કરવા માટે પણ સક્રિયપણે વિચારણા કરી રહી છે.
આ પણ જાણો :વિદેશ મંત્રી એસ.જયશંકરે કેનેડા માટે વિઝા સેવા શરૂ કરવા મૂકી શરત, જાણો શું છે ?