રાજકોટના મેટોડાની ફેક્ટરીમાં બોઇલર બ્લાસ્ટ : એક શ્રમિકનું મોત, 4ને ઇજા


રાજકોટની મેટોડા GIDCમાં આવેલ પર્વ મેટલ નામની ફેક્ટરીમાં આજે રવિવારે સવારે ધડાકાભેર બોઇલર ફાટતા આખો શેડ કાટમાળમાં ફેરવાયો હતો. આ બ્લાસ્ટ વખતે જ ફેક્ટરીમાં કામ કરતા 5 શ્રમિક ગંભીર રીતે દાઝી જતા તુરંત જ તેઓને 108 મારફત સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી અરવિંદ જયરામભાઈ ચૌહાણ (ઉં.વ.30) નામના શ્રમિકનું સારવારમાં મોત થયું છે. જ્યારે અન્ય 4 શ્રમિકની સારવાર થઈ રહી છે.
ફાયર વિભાગે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો
આ અંગે જાણવા મળતી વિગત મુજબ બોઇલર ફાટતા ફેક્ટરીમાં આગ પણ લાગી હતી. આથી ફાયર બ્રિગેડને જાણ કરાતા ફાયર ફાઈટરો દોડી ગયા હતા. ફાયર બ્રિગેડના જવાનોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. બનાવની જાણ થતાં લોધિકા પોલીસનો સ્ટાફ, તેમજ મામલતદાર સહિતના અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી ગયા હતા.
આસપાસની ફેકટરીમાં પણ નુકશાન
બનાવથી ફેક્ટરીમાં કામ કરતા શ્રમિકોમાં નાસભાગ મચી હતી. પ્રચંડ બ્લાસ્ટથી શેડનાં પતરાં તૂટી ગયાં હતાં અને મોટાભાગનાં પતરાં જમીન પર પડ્યાં હતાં. તેમજ કેટલાંક પતરાં ઊડીને આસપાસના વિસ્તારોમાં પણ પડ્યાં હતા. જેના કારણે આસપાસની ફેકટરીમાં પણ નુકશાન થયું હતું. બનાવમાં ઇજાગ્રસ્ત શ્રમિકોને હોસ્પિટલમાં ખસેડવા 108ની ચાર-પાંચ ટિમો દોડી ગઈ હતી. પોલીસે મૃતક શ્રમિકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.