અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રાવેલટ્રેન્ડિંગનવરાત્રિ-2024

ખેલૈયાઓ આનંદો… અમદાવાદમાં રાત્રે 2 વાગ્યા સુધી મેટ્રો ટ્રેન દોડતી રહેશે

Text To Speech
  • નવરાત્રીમાં ગરબા જોવા કે રમવા ગયેલા પરિવારના સભ્યોને રાહત
  • મોડી રાત્રે પરત ફરતી વખતે દોઢું ભાડું નહીં ચૂકવવું પડે
  • ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ (GMRC)ની જાહેરાત

અમદાવાદ, 5 ઓક્ટોબર : અમદાવાદવાસીઓ માટે નવરાત્રી ઉપર મોટા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદના ફેઝ 1માં દોડતી મેટ્રો ટ્રેન રાત્રે 10 વાગ્યાના બદલે હવે રાત્રે 2 વાગ્યા સુધી દોડતી રહેશે તેમ ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ (GMRC)એ જાહેરાત કરી છે. જેના કારણે નવરાત્રીમાં ગરબા જોવા કે રમવા ગયેલા પરિવારના સભ્યોને રાહત મળશે અને મોડી રાત્રે પરત ફરતી વખતે દોઢું ભાડું નહીં ચૂકવવું પડે.

મળતી માહિતી મુજબ, ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ (GMRC)એ શુક્રવારે જાહેરાત કરી હતી કે તેણે ચાલુ નવરાત્રી તહેવાર દરમિયાન તેના ઓપરેશનલ કલાકો લંબાવ્યા છે, છેલ્લી મેટ્રો ટ્રેન રાત્રે 10 વાગ્યાને બદલે 2 વાગ્યા સુધી ચાલશે. હાલમાં, અમદાવાદ મેટ્રો સેવાઓ ફેઝ 1માં સવારે 6:20 થી રાત્રે 10 વાગ્યા સુધી ચાલે છે.

દરમિયાન શુક્રવારે જારી કરાયેલા એક નિવેદનમાં, GMRCએ જાહેરાત કરી કે, નવરાત્રી માટે તા.5 થી 11 ઓક્ટોબર સુધી ટ્રેનો ફેઝ-1 કોરિડોર (પૂર્વ-પશ્ચિમ અને ઉત્તર-દક્ષિણ રૂટ), ખાસ કરીને થલતેજ અને વસ્ત્રાલ ગામ અને મોટેરા સ્ટેડિયમ અને APMC વચ્ચે સવારે 6:20 થી મોડી રાત્રે 2 વાગ્યા સુધી દોડશે.

ઉલ્લેખનીય છે કે, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા સવાર સુધી ગરબા રમવાની પરવાનગી આપવામાં આવી છે. પરંતુ, મોડી રાત્રે મહિલાઓ અને પરિવારને લઈને ગરબા રમવા નીકળેલા લોકોને વાહન ન મળવાના કારણે ઘણીવાર ઘરે પહોંચવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ સિવાય 11 વાગ્યા પછી દરેક ખાનગી વાહનો દોઢું ભાડું લેતા હોય છે, જેના કારણે ઘરે પહોંચવું ખૂબ મોંઘુ પડી જાય છે. એવામાં આવી મુશ્કેલીનો સામનો કરનાર લોકો માટે રાજ્ય સરકારે મહત્ત્વની જાહેરાત કરી છે. હવે ગરબા રમીને પાછું ઘરે જવામાં ખિસ્સા ખાલી ન થઈ જાય તે માટે અમદાવાદમાં રાત્રે 2 વાગ્યા સુધી મેટ્રોની સુવિધા ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો :- તિરુપતિના દર્શને આવેલા સીએમ ચંદ્રબાબુ નાયડુનું લાડુની ગુણવત્તા અંગે મોટું નિવેદન, જાણો શું કહ્યું

Back to top button