અમદાવાદએજ્યુકેશનગુજરાતનેશનલસ્પોર્ટસ

સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ગુજરાત અને ભારતની સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમ અને સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવશે:અનુરાગ ઠાકુર

Text To Speech

અમદાવાદના નારણપુરા વિસ્તારમાં રૂપિયા ૬૩૨ કરોડના ખર્ચે બનવા જઇ રહેલા નારાલપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનો શિલાન્યાસ એ એક ઐતિહાસિક ક્ષણ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહની કલ્પનાશક્તિ અને દુરંદેશીપણાના ફળસ્વરૂપે આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ગુજરાત અને ભારતની સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમ અને સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને અનેકગણું મજબૂત બનાવશે, જેનો લાભ રાજ્યના લાખો રમતવીરોને થશે. એમ કેન્દ્રિય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષના ખાતમુહુર્ત પ્રસંગે જણાવ્યું હતુ. નવનિર્મિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે ખેલાડીઓ માટે વિશ્વસ્તરીય સુવિધાઓ ઉપલબ્ધ થશે. આ ઉપરાંત, જાહેર જનતા માટે પણ ફિટનેસ અને સ્પોર્ટ્સની તમામ સુવિધાઓ આ કોમ્પ્લેક્ષમાં ઉપલબ્ધ હશે.વિશ્વકક્ષાની સુવિધાઓથી સભર આ કોમ્પ્લેક્ષ ભવિષ્યમાં ઓલિમ્પિક કક્ષાની ઇવેન્ટ્સનું આયોજક અને સહભાગી બની શકે છે.

વધુમાં તેમણે કહ્યું હતું કે, ગુજરાતના કેટલાય ખેલાડીઓ ઓલમ્પિક અને પેરાલિમ્પિક ક્ષેત્રે પોતાનું ખમીર બતાવી ચુક્યા છે. ભાવીનીબેન પટેલ, સરિતા ગાયકવાડ, માના પટેલ, સોનલ પટેલ, પારુલ પરમાર, અંકિતા રૈના જેવા કેટલાય સફળ ખેલાડીઓ ગુજરાતએ આપ્યા છે અને આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ થકી આ ખેલાડીઓ તેમજ અન્ય પ્રતિભાશાળી ખેલાડીઓને રમતગમત ક્ષેત્રે એક વિશ્વસ્તરીય પ્લેટફોર્મ મળી રહેશે. PM મોદી અને કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા સ્પોર્ટ્સ ક્ષેત્રે “ખેલો ઇન્ડિયા” જેવું એક સફળ રમતગમત પ્લેટફોર્મ ઉભું કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે “ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ” અને “ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ” દેશભરના ખેલાડીઓની પ્રતિભાને આગવી ઓળખ આપે છે. આજે ભારતના રમતવીરો ટોક્યો ઓલિમ્પિક, પેરાલિમ્પિક , થોમસ કપ, વિમેન્સ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશીપ જેવી વૈશ્વિક સ્પર્ધાઓમાં ભારત માટે મેડલ જીતી રહ્યા છે જે સરકારની સમતગમત ક્ષેત્રેની ઉત્કૃષ્ટ પ્રતિબદ્ધતાને ઉજાગર કરે છે. નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પણ ગુજરાતી ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય સ્તરે ત્રિરંગાનું નામ રોશન કરવા માટે તૈયાર કરશે. કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા સ્પોર્ટસ બજેટ પેહલા જે ૧૨૦૦ કરોડ હતું તે હવે ૩૦૦૦ કરોડ કરવામાં આવ્યું છે. ખેલો ઇન્ડિયાનું ગતવર્ષનું બજેટ ૬૩૦ કરોડ હતું જે આ વર્ષે વધારીને ૯૭૦ કરોડ કર્યું છે.આમ, સરકારના ખેલ ક્ષેત્રેના આવા નિરંતર પ્રયાસો સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધુને વધુ મજબૂત કરશે અને ભારતને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ખેલ ક્ષેત્રે વધુને વધુ મજબૂત બનાવશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શું કહ્યું જાણો
આજે ગુજરાતના ખેલકૂદ પ્રેમીઓ માટે આનંદનો અવસર છે. કેમ કે ગુજરાતના સ્પોર્ટ્સ ઇકો સિસ્ટમમાં આજે એક નવું પીછું ઉમેરાઈ રહ્યું છે.ભૂપેન્દ્રભાઇ પટેલે જણાવ્યુ હતુ કે, અમદાવાદના નારણપુરા વિસ્તારમાં રૂપિયા 632 કરોડના ખર્ચે તૈયાર થનારા ઓલમ્પિક કક્ષાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષને કારણે દેશના અને રાજ્યના સ્પોર્ટ કલ્ચરને નવી દિશા મળવાની છે. ઓલમ્પિક કક્ષાની ગેમનું આયોજન થઇ શકે એ પ્રકારનું આ સ્પોર્ટસ સેન્ટર તૈયાર થવા જઈ રહ્યું છે.આ આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં એક્વાટિક કોમ્પ્લેક્ષ, કોમ્યુનિટી સ્પોર્ટ્સ સેન્ટર, સેન્ટર ફોર સ્પોર્ટ્સ એક્સલન્સ, ફિટ ઇન્ડિયા ઝોન તેમજ આઉડ ડોર સ્પોર્ટ્સ જેવી તમામ પ્રકારની સુવિધાઓ ખેલાડીઓને મળવાની છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.મુખ્યમંત્રીએ ખેલ મહાકુંભ અંગે વાત કરતાં કહ્યું કે, શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં વર્ષ ૨૦૧૦માં પ્રારંભ કરેલો ખેલ મહાકુંભ આજે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પહોંચી ગયો છે. આજે ખેલ મહાકુંભ એ ખેલો ઇન્ડિયા બની ગયું છે.તેમણે ઉમેર્યું કે રાજ્ય સરકાર દ્વારા ખેલાડીઓને રમતગમતની વિવિધ યોજનાઓ થકી પણ સહાય આપવામાં આવી રહી છે.

ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ શું કહ્યું જાણો
આ અવસરે હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં 2002 પહેલા રમતગમત ક્ષેત્રનું બજેટ માત્ર રૂપિયા 2.50 કરોડ હતું. જ્યારે આજે ગુજરાતની ગણના દેશના રમતગમત ક્ષેત્રવાળા 10 મહત્વના રાજ્યોમાં થવા લાગી છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, PM મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે સૌ પ્રથમ યુવાનો માટે ખેલમહાકુંભ શરૂ કર્યો હતો. આ વર્ષે ૨૦૨૨માં રાજ્યના 56 લાખ જેટલા યુવાનોએ ખેલ મહાકુંભમાં ભાગ લીધો.
રાજ્ય સરકાર દ્વારા યુવાનો રમતગમત ક્ષેત્રમાં આગળ વધે તે હેતુથી નવી સ્પોર્ટ્સ પોલીસી લાવવામાં આવી છે એને તેમણે વધુના ઉમેર્યું હતું.તેમણે વધુમાં કહ્યું કે, અમિતભાઇ શાહના પ્રયાસોથી ગુજરાતના રમતવીરો માટે અહીં વૈશ્વિક કક્ષાનું આધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ અમદાવાદના નારણપુરા વિસ્તારમાં બનવા જઈ રહ્યું છે ત્યારે હું રાજ્યના યુવાનો વતી તેમનો આભાર વ્યક્ત કરી રહ્યો છું. આ સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ નારણપુરા, ઘાટલોડિયા, વેજલપુર, એલિસબ્રિજ સહિતના વિસ્તારોની મેદાન વિનાની સ્કૂલોના બાળકો માટે વરદાનરૂપ બનશે આવનારા દિવસોમાં આ સંકુલમાં બાળકો આવીને રમતો રમી શકશે એટલું જ નહિં ઓલિમ્પિક રમતોમાં ભાગ લઈ શકે તેવા પ્રતિભા કૌશલ્ય વાન ખેલાડીઓ પણ અહીં તૈયાર થશે.

આ અવસરે કેન્દ્રીય રાજ્યમંત્રી રમતગમત નિશિથ પ્રમાણિક, સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા, સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી પ્રદીપભાઈ પરમાર તથા ભાજપાના આગેવાનો સહિતના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button