હવે કોંગ્રેસના વરિષ્ઠ નેતા મનીષ તિવારી વિશે પણ અફવાનું બજાર ગરમ
નવી દિલ્હી, 18 ફેબ્રુઆરી: કોંગ્રેસના વરિષ્ઠ નેતા મનીષ તિવારી ભાજપમાં જોડાવાની અટકળોએ વેગ આપ્યો છે. આ પછી તેમના કાર્યાલયે સ્પષ્ટતા આપવી પડી હતી. કાર્યાલયે જણાવ્યું કે, કોંગ્રેસના સાંસદ મનીષ તિવારીના ભાજપમાં જોડાવાની અફવાઓ ‘પાયાવિહોણી છે. સૂત્રોએ અગાઉ જણાવ્યું હતું કે કોંગ્રેસના સાંસદ ભાજપના સંપર્કમાં છે અને પંજાબની લુધિયાણા લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાની યોજના બનાવી રહ્યા છે તે પછી આ સ્પષ્ટતા આવી છે. જો કે, હાલમાં કમલનાથ અને તેમના પુત્ર નકુલ નાથ ભાજપમાં જોડાઈ તેવી અટકળોએ જોર પકડ્યું છે.
મનીષ તિવારીના કાર્યાલયે નિવેદન બહાર પાડ્યું
આ મામલે આનંદપુર સાહિબના કોંગ્રેસના સાંસદ મનીષ તિવારીના કાર્યાલયે નિવેદન જારી કરીને આ અહેવાલોને રદિયો આપ્યો હતો. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, મનીષ તિવારીના ભાજપમાં જોડાવાના સમાચાર પાયાવિહોણા અને નિરાધાર છે. તેઓ તેમના મતવિસ્તારમાં છે અને તેમના વિસ્તારના વિકાસ કાર્યોની દેખરેખ રાખી રહ્યા છે. મનીષ તિવારી કોંગ્રેસના જૂના નેતા છે. તેઓ યુપીએ સરકાર દરમિયાન 2012 થી 2014 સુધી માહિતી અને પ્રસારણ મંત્રી પણ રહી ચૂક્યા છે. આ ઉપરાંત તેઓ કોંગ્રેસના પ્રવક્તા પણ રહી ચૂક્યા છે. વર્ષ 2014માં તેમણે સ્વાસ્થ્યના કારણોસર લોકસભાની ચૂંટણી લડી શક્યા ન હતા.
ઉલ્લેખનીય છે કે, લોકસભાની ચૂંટણીની તૈયારીઓમાં તમામ પક્ષોએ તાકાત લગાવી દીધી છે. ઉમેદવારોની નામની જાહેરાત કરાઈ રહી છે. બીજી તરફ, કમળમાં ભરતી મેળો લાગ્યો છે. વિપક્ષના નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે. તાજેતરમાં મહારાષ્ટ્રના દિગ્ગજ કોંગ્રેસી નેતા અશોક ચવ્હાણ પણ પાર્ટી છોડીને ભાજપનો હાથ પકડ્યો છે. મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષઠ નેતા કમલનાથ અને તેમના પુત્ર નકુલ નાથ ભાજપમાં જોડાઈ શકે છે તેવી પણ અટકળો ચાલી રહી છે. બીજી તરફ, પંજાબથી મનીષ તિવારીએ આ મુદ્દે પુર્ણવિરામ મૂક્યું છે. હવે જોવાનું એ રહેશે કે, કમલનાથ ‘કમળ’ના થશે કે પછી કોંગ્રેસ સાથે તેમની વફાદારી નિભાવશે.
આ પણ વાંચો: કમલનાથ માટે BJPના દરવાજા બંધ છે, ભાજપના શીખ નેતા બગ્ગાનો દાવો