ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

હેમંત સોરેન ફરી ઝારખંડના CM બનવાની અટકળોએ જોર પકડયું, પાર્ટી બેઠકમાં ચર્ચા

  • લેજિસ્લેટિવ પાર્ટી ઓફ ઈન્ડિયા એલાયન્સની બેઠકમાં હેમંત સોરેનને ફરીથી મુખ્યમંત્રી બનાવવા પર સહમતિ સધાઈ

રાંચી, 3 જુલાઇ: ઝારખંડમાં લેજિસ્લેટિવ પાર્ટી ઓફ ઈન્ડિયા એલાયન્સની આજે બુધવારે બેઠક યોજાઈ હતી, જેમાં હેમંત સોરેનને ફરીથી રાજ્યના મુખ્યમંત્રી બનાવવા પર સહમતિ બંધાઈ હતી. હેમંત સોરેન ફરી મુખ્યમંત્રી બનવાની અટકળોએ જોર પકડયું છે છે. શાસક પક્ષ એવા ઝારખંડ મુક્તિ મોરચા (JMM)ના કાર્યકારી અધ્યક્ષ જ્યારથી જેલમાંથી બહાર આવ્યા છે, ત્યારથી સતત એવી અટકળો ચાલી રહી છે કે, તેમને રાજ્યના મુખ્યમંત્રી બનાવવામાં આવી શકે છે. હવે આ રહસ્ય લગભગ ખુલી ગયું છે.

મુખ્યમંત્રી ચંપઈ સોરેન આપી શકે છે રાજીનામું 

હાલમાં ઝારખંડના રાજ્યપાલ રાજ્યની બહાર છે, તેથી રાજ્યપાલ રાંચી પહોંચે ત્યાં સુધી તમામ ધારાસભ્યો CM આવાસમાં રહેશે. મળતી માહિતી મુજબ, રાજ્યપાલ મોડી સાંજ સુધીમાં રાંચી પહોંચી જશે, ત્યારબાદ મુખ્યમંત્રી ચંપઈ સોરેન પોતાના પદ પરથી રાજીનામું આપી શકે છે અને સાથે જ મુખ્યમંત્રી ચંપઈ સોરેનને નવી જવાબદારી સોંપવામાં આવી શકે છે. તેમને સંકલન સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવી શકે છે.

CM ચંપઈ સોરેને છેલ્લી ક્ષણે તમામ કાર્યક્રમો રદ્દ કરીને બેઠકમાં હાજરી આપી

હેમંત સોરેન મુખ્યપ્રધાન બનવાની અટકળોને પણ મજબૂતી મળી જ્યારે CM ચંપઈ સોરેને છેલ્લી ક્ષણે કાર્યક્રમો રદ્દ કરીને બેઠકમાં હાજરી આપી. આજે તેમણે પસંદ કરેલા 1,500 શિક્ષકોના નિમણૂક પત્રોનું વિતરણ કરવાનું હતું. હેમંત સોરેનની ધરપકડ બાદ, ચંપઈ સોરેને 2 ફેબ્રુઆરી 2024ના રોજ ઝારખંડના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા.

JMMના કાર્યકારી પ્રમુખ હેમંત સોરેનની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા મની લોન્ડરિંગ કેસમાં 31 જાન્યુઆરીએ ધરપકડ કરવામાં આવી હતી. હાઈકોર્ટે તેમને 28 જૂનના રોજ જામીન આપ્યા હતા, ત્યાર બાદ તેઓ જેલમાંથી મુક્ત થયા હતા.

ઝારખંડ વિધાનસભાની ચૂંટણી જલ્દી થઈ શકે છે જાહેર

ઝારખંડ હાઈકોર્ટે હેમંત સોરેનને જામીન આપતાં કહ્યું હતું કે, “રાંચીમાં એક પ્લોટને લઈને તેમની સામે નોંધાયેલા મની લોન્ડરિંગ કેસમાં તે દોષિત નથી એવું માનવાનાં કારણો છે.” મુક્ત થયા બાદ હેમંત સોરેને પાર્ટી કાર્યકર્તાઓને કહ્યું કે, તેમને કહેવામાં આવ્યું છે કે ઝારખંડ વિધાનસભાની ચૂંટણી જલ્દી જાહેર થઈ શકે છે અને તે તેના માટે તૈયાર છે.

આ પણ જુઓ: ઝિકા વાયરસને લઈ એલર્ટ, કેન્દ્ર સરકારે તમામ રાજ્યો માટે એડવાઈઝરી જારી કરી

Back to top button