નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન પ્રસંગે ₹75નો સિક્કો લોન્ચ થશે, જાણો તેની ખાસિયત
નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટનની યાદમાં ₹75નો સિક્કો બહાર પાડવાની કેન્દ્રીય નાણા મંત્રાલયે જાહેરાત કરી છે. આ સિક્કા પર નવા સંસદ ભવનના ચિત્ર સાથે ‘સંસદ સંકુલ’ લખેલું હશે. નવી સંસદનો ઉદ્ઘાટન સમારોહ 28 મેના રોજ યોજાવા જઈ રહ્યો છે, પીએમ મોદી તેનું ઉદ્ઘાટન કરશે.
આ ધાતુઓમાંથી સિક્કા બનાવવામાં આવશે
નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન પ્રસંગે 75 રૂપિયાનો સિક્કો લોન્ચ કરવામાં આવશે તે સિક્કાનું વજન 35 ગ્રામ હશે. તેમાં 50 ટકા ચાંદી અને 40 ટકા તાંબાનું મિશ્રણ હશે. 5-5 ટકા નિકલ અને ઝીંક મેટલ્સ હશે.
75 રૂપિયાના સિક્કાની ડિઝાઈન
સિક્કા પર ‘સત્યમેવ જયતે’ લખેલું હશે અને સિક્કા પર અશોક સ્તંભ પણ કોતરવામાં આવશે. સિક્કાની ડાબી બાજુએ દેવનાગરી ભાષામાં ભારત અને અંગ્રેજીમાં ભારત લખેલું હશે. એ જ રીતે સિક્કાની ઉપરની બાજુએ દેવનાગરી ભાષામાં સંસદ ભવન લખેલું હશે અને તેની નીચે સંસદ ભવન સંકુલનું ચિત્ર પણ છાપવામાં આવશે. સિક્કાની ડિઝાઈન બંધારણની પ્રથમ સૂચિ મુજબ કરવામાં આવી છે.
કોલકાતા ટંકશાળમાં તૈયાર થશે સિક્કો
આ સિક્કો ભારત સરકારની કોલકાતા ટંકશાળમાં બનાવવામાં આવી રહ્યો છે. નવા સંસદભવનના ઉદ્ઘાટન સમારોહ દરમિયાન પીએમ મોદી દ્વારા તેનું લોકાર્પણ કરવામાં આવશે. નાણા મંત્રાલયે કહ્યું છે કે, આ સિક્કાને ફર્સ્ટ શેડ્યૂલના નિયમોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવશે.