2002ના ગુજરાત રમખાણો સંબંધિત નરોડા ગામ કેસમાં આજનો દિવસ નિર્ણાયક છે. નરોડા ગામમાં મુસ્લિમ સમુદાયના 11 સભ્યોની હત્યા મામલે ગુજરાતની વિશેષ અદાલત ગુરુવારે પોતાનો ચુકાદો સંભળાવે તેવી શક્યતા છે. આ કેસમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય માયાબેન કોડનાની અને બજરંગ દળના નેતા બાબુ બજરંગીનો પણ સમાવેશ થાય છે. આ કેસમાં કુલ 86 લોકોને આરોપી બનાવવામાં આવ્યા હતા. જેમાંથી અત્યાર સુધીમાં 18 આરોપીઓ મૃત્યુ પામ્યા છે. સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (SIT) કેસની કોર્ટ સ્પેશિયલ જજ એસકે બક્ષી 68 આરોપીઓ વિરુદ્ધ ચુકાદો સંભળાવશે.
આ પણ વાંચો : રાહુલ ગાંધીની સજા યથાવત્ રહેશે કે માફ ? આજે સુરત કોર્ટમાં થશે સુનાવણી
વિશેષ ફરિયાદી સુરેશ શાહના જણાવ્યા અનુસાર, 2010માં શરૂ થયેલી ટ્રાયલ દરમિયાન ફરિયાદ પક્ષ અને બચાવ પક્ષે અનુક્રમે 187 અને 57 સાક્ષીઓની તપાસ કરી હતી. લગભગ 13 વર્ષ સુધી ચાલેલા આ કેસ દરમિયાન છ જજો બદલાયા હતા. સપ્ટેમ્બર 2017માં અમિત શાહ માયા કોડનાનીના બચાવ પક્ષના સાક્ષી તરીકે હાજર થયા હતા. કોડનાનીએ કોર્ટને વિનંતી કરી હતી કે અમિત શાહને તે સાબિત કરવા માટે સમન કરવામાં આવે કે તે ગુજરાત વિધાનસભામાં અને બાદમાં સોલા સિવિલ હોસ્પિટલમાં હાજર હતા. તમામ આરોપીઓ સામે કલમ 302 (હત્યા), 307 (હત્યાનો પ્રયાસ), 143 (ગેરકાયદેસર રીતે ભેગા થવું), 147 (હુલ્લડો), 148 (ઘાતક હથિયારોથી સજ્જ રમખાણો), 120 (બી) (ગુનાહિત કાવતરું) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ઇન્ડિયન પીનલ કોડ હેઠળ આ કેસ ચાલી રહ્યો છે.