ભાદરવી પૂનમ દરમિયાન અંબાજીથી પરત ફરવા યાત્રાળુઓ માટે વિશેષ આયોજનઃ જાણો વિગતો
ગાંધીનગર, 13 સપ્ટેમ્બર, 2024: ભારતમાં એક મહત્ત્વના શક્તિપીઠ ગુજરાતના અંબાજી ધામ ખાતે આ વર્ષના પરંપરાગત મેળાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ગઈકાલે ગુરુવારે બનાસકાંઠાના કલેક્ટરના હસ્તે રથ ખેંચીને તથા આરતી કરીને આ ભવ્ય મેળાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ મેળામાં સામેલ થવા સમગ્ર ગુજરાત ઉપરાંત દેશના અન્ય ભાગોમાંથી પણ માઈભક્તો ભાદરવી પૂનમે માતાના દરબારમાં પહોંચતા હોય છે. આ બાબતને ધ્યાનમાં રાખીને પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ ગુજરાત રાજ્ય પરિવહન નિગમ (GSRTC) દ્વારા ભક્તોની સુવિધા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. આ વર્ષે પણ માઇભક્તોને અંબાજીથી પરત પોતાના ગામ તેમજ શહેરમાં જવા માટે સરળતા રહે તે હેતુથી એસટી વિભાગ દ્વારા પાલનપુર, મહેસાણા, હિંમતનગર અને અમદાવાદ એસટી વિભાગની 850 બસો દોડાવાશે. આ માટે અંબાજીમાં નિયત કરેલા ત્રણ હંગામી સ્ટેન્ડ ઉપર રાત-દિવસ મુસાફરો માટે ઉપલબ્ધ રહેશે.
મા અંબાના ભાદરવી પૂનમના મેળાનો 12 સપ્ટેમ્બરને ગુરુવારથી વિધિવત પ્રારંભ થઇ ચૂક્યો છે. સાત દિવસના આ મહામેળામાં ગુજરાતના ખૂણે ખૂણેથી તેમજ અન્ય રાજ્યોમાંથી પણ ભક્તો પગપાળા યાત્રા કરીને આવતા હોય છે. આ વર્ષે ભાદરવી પૂનમે ત્રીસ લાખથી વધુ યાત્રીઓ મા અંબાના દર્શને પહોંચશે એવી ગણતરીને પગલે આ યાત્રીકો અંબાજીમાં માતાજીના દર્શન કર્યા બાદ પરત પોતાના ગામ પહોંચી શકે તે માટે એસટી વિભાગ દ્વારા અંબાજી મેળામાં 850 બસોના સંચાલનનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર પાલનપુર એસટી વિભાગના સાત ડેપોની 250, મહેસાણા, હિંમતનગર અને અમદાવાદ વિભાગની 200-200 મળી 600 એમ કુલ 850 બસો દોડાવવામાં આવશે.
યાત્રાધામમાં આ અંગે પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. તદઅનુસાર, બનાસકાંઠા રૂટની બસો માટે અંબાજીમાં આરટીઓ સર્કલ અને ગબ્બર તળેટી ખાતે સ્ટેન્ડ અપાયું છે. જ્યારે મેહસાણા, હિંમતનગર અને અમદાવાદ રૂટની બસો માટે અંબાજીમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે હંગામી સ્ટેન્ડ અપાયું છે. જ્યાંથી યાત્રીકો પોતાના રૂટની બસો મેળવી શકશે. સાથે યાત્રીકો માટે દાંતાથી અંબાજી અને અંબાજીથી ગબ્બર પર્વત જતા માટે મીની બસો અને ગુર્જરનગરી બસો મૂકાઇ છે. તેમજ અંબાજી તરફની એસટી બસોમાં રસ્તામાં ખામી સર્જાય તો તાત્કાલિક સમારકામ કરવા માટે મિકેનિકલ સ્ટાફના પણ વિવિધ સ્થળો ઉપર પોઇન્ટ આપવામાં આવ્યા છે.
આ ઉપરાંત ભાદરવી પૂનમના મેળાને લઇ અંબાજીમાં બનાસકાંઠા જિલ્લાના વિવિધ રૂટ આરટીઓ સર્કલ અને ગબ્બર તળેટી ખાતે એસટી પોઇન્ટ આપવામાં આવ્યા છે. જ્યારે મહેસાણા, હિંમતનગર અને અમદાવાદ રૂટ માટે જીએમડીસી ગ્રાઉન્ડમાં એસટી પોઇન્ટ અપાયો છે. મેળાને લઇ પાલનપુર અને ડીસાથી અંબાજી રૂટની બસો જતા વાયા વિરમપુરથી અંબાજી જશે અને એ બસ વળતાં વાયા આબુરોડથી પરત ફરશે.
આ પણ વાંચોઃ બનાસકાંઠા કલેક્ટરના હસ્તે અંબાજીમાં ભાદરવી પૂનમ મહામેળાનો શુભારંભ