સ્પીકરે મોદી સરકાર વિરુદ્ધ કોંગ્રેસના અવિશ્વાસ પ્રસ્તાવને આપી મંજૂરી
નવી દિલ્હી: કોંગ્રેસે બુધવારે મણિપુર હિંસા મુદ્દે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ આપી છે.
લોકસભા સ્પીકરે આ નોટિસ લાવવાની મંજૂરી આપી દીધી છે.
સ્પીકરે કહ્યું- “આ પ્રસ્તાવને મંજૂરી છે, તમામ પક્ષોના નેતાઓ સાથે ચર્ચા કર્યા પછી, હું તમને નિયમો હેઠળ ચર્ચાની તારીખ વિશે જણાવીશ.”
ન્યૂઝ એજન્સી પીટીઆઈએ કોંગ્રેસના વ્હીપ મણિકમ ટાગોરને ટાંકીને કહ્યું કે ગૌરવ ગોગોઈ લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરશે.
તેમણે કહ્યું કે અવિશ્વાસ પ્રસ્તાવ વિપક્ષનો સંયુક્ત નિર્ણય છે પરંતુ આસામના સાંસદ ગોગોઈ તેને રજૂ કરશે.
તેમણે કહ્યું, “INDIA ગઠબંધન એક સાથે છે અને આ ઇન્ડિયા ગઠબંધનનો વિચાર છે.”
ટાગોરે કહ્યું, “કોંગ્રેસ પક્ષના નેતાઓ ઠરાવ આગળ વધારશે. અમે માનીએ છીએ કે સરકારના ઘમંડને તોડવા માટે આને છેલ્લા હથિયાર તરીકે વાપરવું એ અમારી ફરજ છે જેથી તે મણિપુર પર બોલે.”
તેમણે જણાવ્યું કે બુધવારે સવારે 9.20 વાગ્યે સ્પીકરની ઓફિસમાં નોટિસ આપવામાં આવી હતી.
મણિપુરને લઈને આજે પણ લોકસભામાં હોબાળો થયો હતો. આ પછી લોકસભાની કાર્યવાહી 12 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી.
લોકસભામાં વિપક્ષના સાંસદો મણિપુર મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદનની માંગ કરી રહ્યા છે. આને લઈને સંસદની કાર્યવાહી સતત ખોરવાઈ રહી છે.
ગૃહમંત્રી અમિત શાહે સોમવારે કહ્યું હતું કે તેઓ મણિપુરના મુદ્દા પર ચર્ચા કરવા તૈયાર છે, પરંતુ વિપક્ષી સાંસદો પીએમ મોદીના નિવેદનની માંગ કરી રહ્યા છે.
આ પહેલા સોમવારે કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીએ આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહ સાથે મુલાકાત કરી હતી. સંજય સિંહને સોમવારે સમગ્ર ચોમાસુ સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો-આજે કારગિલ વિજય દિવસઃ દરેક ભારતીય માટે ગર્વનો દિવસ, જાણો ઈતિહાસ