ટ્રેન્ડિંગમનોરંજન

સમજી વિચારીને બોલો, અરશદના જોકર વાળા નિવેદન પર કલ્કિના ડિરેક્ટરે આપ્યો જવાબ

  • અરશદ વારસીએ કલ્કિમાં પ્રભાસના પાત્રની તુલના જોકર સાથે કરી છે. હવે કલ્કિના ડિરેક્ટર નાગ અશ્વિને પણ આ નિવેદન પર પ્રતિક્રિયા આપી છે અને તેની સખત નિંદા કરી છે

HD ન્યુઝ ડેસ્કઃ પ્રભાસ અભિનીત કલ્કિ 2898 AD આ વર્ષની સૌથી સફળ ભારતીય ફિલ્મ હતી, જેણે બોક્સ ઓફિસ પર લગભગ રૂ. 1100 કરોડની કમાણી કરી હતી. બોક્સ ઓફિસ પર ધૂમ મચાવ્યા પછી, ફિલ્મ તાજેતરમાં OTT પર રીલીઝ થઈ છે અને તે પણ એક નહીં પરંતુ બે પ્લેટફોર્મ પર. કલ્કિ 2898 AD પ્રાઇમ વિડિયો અને નેટફ્લિક્સ પર રીલીઝ કરવામાં આવી છે, જેને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ ફિલ્મને દર્શકો, ફિલ્મ સમીક્ષકો અને સેલેબ્સનો સારો રિસ્પોન્સ મળ્યો છે, પરંતુ હાલમાં જ અરશદ વારસીએ ફિલ્મમાં પ્રભાસના પાત્રને લઈને આપેલા નિવેદનથી તે હજુ સુધી સાઉથ સિનેમાના સેલેબ્સના નિશાના પર છે.

અરશદ વારસીના નિવેદનથી ખળભળાટ

હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં અરશદ વારસીએ કલ્કિ 2898 ADમાં પ્રભાસના પાત્ર ‘ભૈરવા’ના લુકની તુલના ‘જોકર’ સાથે કરી હતી. ફિલ્મ પર રિવ્યુ આપતા આપતા અરશદ વારસીએ જે કહ્યું તે સાઉથ ઈન્ડસ્ટ્રીના સેલેબ્સને ગમ્યું નથી અને ફરી એકવાર સાઉથ વિરુદ્ધ બોલિવૂડનું યુદ્ધ શરૂ થઈ ગયું છે. કલ્કિના ડિરેક્ટર નાગ અશ્વિને પણ અરશદ વારસીના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે અને તેની સખત નિંદા કરી છે.

અરશદ વારસીના નિવેદન પર નાગ અશ્વિનની પ્રતિક્રિયા

નાગ અશ્વિને સોશિયલ મીડિયા દ્વારા અરશદ વારસીના ‘જોકર’ નિવેદન પર પ્રતિક્રિયા આપી અને બોલિવૂડ v/s ટોલિવૂડ મુદ્દા પર પોતાનો અભિપ્રાય પણ વ્યક્ત કર્યો છે. આ સાથે તેમણે એ પણ જણાવ્યું છે કે કલ્કિ 2898 AD પછી, પ્રભાસ કલ્કિ 2 માં વધુ શક્તિશાળી અવતારમાં જોવા મળશે. નાગ અશ્વિને એક ટ્વિટ કર્યું છે, જેમાં તેમણે આ સમગ્ર મામલાને લઈને અરશદ વારસી પર નિશાન સાધ્યું છે.

અરશદના નિવેદન પર નાગ અશ્વિને શું કહ્યું?

નાગ અશ્વિને પોતાના ટ્વિટમાં લખ્યું છે કે ચાલો બહુ દૂર નથી જતા, હવે ઉત્તર-દક્ષિણ કે બોલિવૂડ v/s ટોલિવૂડ નહીં, મોટી તસવીર પર નજર કરીએ. યુનાઈટેડ ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રી. અરશદ સાહેબે પોતાના શબ્દો સમજી વિચારીને પસંદ કરવા જોઈએ, પરંતુ તે ઠીક છે. તેમના બાળકોને રમકડાં મોકલી રહ્યો છું અને કલ્કિ 2 માં પ્રભાસને સર્વશ્રેષ્ઠ દેખાડવા માટે હું ખૂબ મહેનત કરીશ.

અરશદ વારસીએ શું કહ્યું હતું?

તાજેતરના એક ઇન્ટરવ્યુમાં અરશદ વારસીએ કલ્કિમાં પ્રભાસના લુકની જોકર સાથે સરખામણી કરી હતી. તેણે કહ્યું હતું કે મને ફિલ્મમાં પ્રભાસ જોકર જેવો લાગ્યો. મને મેડ મેક્સ જોવાની આશા હતી. હું મેલ ગિબ્સનને જોવા માંગતો હતો. તમે તેનું શું બનાવી દીધો યાર? કેમ કરો છો આવું, મને સમજાતું નથી. અરશદના આ નિવેદન બાદ સુપરસ્ટાર નાનીથી લઈને સુધીર બાબુ સુધીના લોકોએ અરશદ પર નિશાન સાધ્યું છે.

આ પણ વાંચોઃ 8 વર્ષ પછી IIFA 2024 હોસ્ટ કરશે શાહરૂખ ખાન અને કરણ જૌહર

Back to top button