લો બોલો..! હવે ડીસામાં ડુંગળીના કટ્ટા નીચે સંતાડી લઈ જવાતો દારૂ ઝડપાયો
પાલનપુર: ડીસા તાલુકા પોલીસે હાઇવે પરથી ડુંગળીની આડમાં બોલેરો જીપ ડાલામાં લવાતો વિદેશી દારૂ ઝડપી લઇ 43 પેટી દારૂ સહિત રૂ. 5.84 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
પોલીસે જીપડાલામાંથી રૂ. 5.84 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
પાલનપુરના પોલીસ અધીક્ષક અક્ષયરાજની દારૂબંધી અંગે કડક કાર્યવાહીની સૂચનાથી ડીસાના નાયબ પોલીસ અધીક્ષક ડૉ. કુશલ ઓઝાના માર્ગદર્શન તળે ડીસા રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.જે.ચૌધરીની રાહબરીમાં ડીસા રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન ખાનગી રાહે મળેલ બાતમીના આધારે વોચ ગોઠવતા હાઇવે પરથી જીપડાલામાં ડુંગળીના કટ્ટાની નીચે છુપાવેલો વિદેશી દારૂ ટીનની પેટી નંગ-૪૩ જેની કુલ બોટલ નંગ-૧૪૧૬, કિમત રૂ.૧ લાખ 83 હજારનો મળી આવ્યો હતો. જેથી પોલીસે રાજસ્થાનના રેવદર તાલુકાના દાંતરાઇના સમેલારામ ભલારામ રબારી અને દાંતરાઈ ગામના જ વરધાજીને ઝડપી તેમની પાસેથી મોબાઇલ ફોન નંગ-૦૨ કિમત રૂ.૧,૦૦૦ તથા બોલેરો મેક્સીટ્રક ડાલા નંબર GJ-27-TT-5975, કિમત રૂ.૪ લાખ તથા ડુંગળીના કટ્ટા નંગ-૫૨, એમ મળી કુલ કિમત રૂા. ૫ લાખ 84 હજારના મુદામાલ સાથે બે આરોપીઓને ઝડપી લીધા હતા. અને તેઓ વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી ગુન્હો નોંધાવ્યો છે.