સુરતમાં મેટ્રો બ્રિજ બને તે પહેલા જ સ્પાન તૂટ્યો, સારોલીથી કડોદરા તરફનો રસ્તો બંધ
સુરત, 30 જુલાઈ 2024, સારોલી કડોદરા રસ્તા પરના મેટ્રો બ્રિજના સ્પાનના બે ભાગ થયા હોવાની ઘટના બની છે. આ ઘટના બનતાં જ સારોલીથી કડોદરા તરફનો રસ્તો બંધ કરી દેવાયો છે. જેના કારણે ત્રણ કિલોમીટરનો લાંબો ટ્રાફિકજામ થયો છે. સ્પાનમાં ગાબડાં પડતાં આખું તંત્ર દોડતું થઈ ગયું છે. હાલમાં મેટ્રો ટ્રેન માટેની ચાલી રહેલી કામગીરી દરમિયાન મોટી દુર્ઘટના થતાં અટકી છે. સુરત મેટ્રોનું વર્ષ 2027માં ઉદ્ઘાટન થવાનું છે ત્યારે એ પહેલા બ્રિજમાં મોટી ખામી સામે આવી છે. ભેસાણ થી સારોલી મેટ્રો પ્રોજેક્ટ માટે 18 કિમી એલિવેટેડ બ્રિજ બનાવવામાં આવી રહ્યો હતો.
કડોદરા તરફ જતો આખો રૂટ ડાયવર્ટ કરી દેવામાં આવ્યો
આ અંગે ફાયર ઓફિસર ભુપેન્દ્રસિંહ રાજે મીડિયાને જણાવ્યું કે, અમારા ડિવિઝનલ ઓફિસર મોઢ સાહેબ પર કોલ આવ્યો હતો કે, મેટ્રો પ્રોજેક્ટનો સ્પાન તૂટી ગયો છે. જેથી ફાયર ફાઇટર સહિતના સ્ટાફને મોકલી દેવામાં આવ્યો હતો. પ્રોજેક્ટ મેનેજર સાથે વાત કરતા તેઓએ અમને જણાવ્યું હતું કે રાત્રે આ કામ કરવામાં આવશે અને આ સ્પાન ઉતારી લેવામાં આવશે. એ પડવાનો નથી અને તેને રાત્રે ઉતારી લેવામાં આવશે. સારોલી પોલીસ સ્ટેશનના પીઆઇ એસ.આર. વેકરીયાએ મીડિયાને જણાવ્યું હતું કે, મેટ્રોના અધિકારી દ્વારા અમને આ ઘટના અંગે જાણ કરવામાં આવી હતી. સુરતથી કડોદરા તરફ જતો આખો રૂટ પુણા તરફથી ડાયવર્ટ કરી દેવામાં આવ્યો છે.
મેટ્રો પ્રોજેક્ટમાં ખૂબ મોટી ગંભીર ક્ષતિઓ સામે આવી
આ અંગે ઘટનાસ્થળે દોડી આવેલા આમ આદમી પાર્ટીના કોર્પોરેટર સેજલ માલવિયાએ જણાવ્યું કે મેટ્રોની કામગીરીને લઈને હંમેશા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલો આ મેટ્રો પ્રોજેક્ટમાં ખૂબ મોટી ગંભીર ક્ષતિઓ સામે આવી છે. મેટ્રોનો જે આખો સ્પાન છે તે નમી ગયો છે અને ગમે ત્યારે તૂટી જાય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. ભાજપના શાસનમાં આ પ્રકારના ભ્રષ્ટાચાર સતત વધી રહ્યા છે અને તેના કારણે આવી ઘટનાઓ સામે આવી રહી છે.
આ પણ વાંચોઃફાયરના જવાને સુરતના ડેપ્યુટી મેયરને ખભે ઉંચક્યા, જાણો લોકો કેમ રોષે ભરાયા