US ઓપનઃ સ્પેનના કાર્લોસે નોર્વેના કેસ્પર રુડને હરાવ્યો, 19 વર્ષનો કાર્લોસ દુનિયાનો નંબર વન પ્લેયર બન્યો
US ઓપનમાં મહિલાઓ પછી પુરુષ વર્ગમાં પણ નવો ચેમ્પિયન મળ્યો છે. સ્પેનના 19 વર્ષના કાર્લોસ અલ્કારેઝે રવિવારે ન્યૂયોર્કમાં રમાયેલી ફાઈનલમાં નોર્વેના કેસ્પર રુડને 6-4, 2-6, 7-6, 6-3થી માત આપી. બંને ખેલાડીઓ વચ્ચેનો આ મુકાબલો 3 કલાક 20 મિનિટ સુધી ચાલ્યો. આ જીતની સાથે જ અલ્કારેઝ ATP રેન્કિંગમાં પણ નંબર-1 પર પહોંચી ગયો છે. અલ્કારેઝનો આ પહેલો ગ્રાન્ડ સ્લેમ છે.
17 વર્ષમાં સૌથી યુવા ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન
છેલ્લાં 17 વર્ષની વાત કરવામાં આવે તો આ દરમિયાન ગ્રાન્ડ સ્લેમ જીતનાર સૌથી યુવા ખેલાડી અલ્કારેઝ જ છે. છેલ્લાં 32 વર્ષમાં US ઓપનનો ખિતાબ જીતનાર સૌથી યુવા ખેલાડી પણ છે. તેની પહેલા 1990માં અમેરિકાના પીટ સામ્પ્રાસે 19 વર્ષની ઉંમરે US ઓપનનો ખિતાબ જીત્યો હતો. 2005માં રાફેલ નડાલે 19 વર્ષની ઉંમરે ફ્રેન્ચ ઓપન જીતી હતી. અલ્કારેઝને ગત વર્ષે US ઓપનના ક્વાર્ટર ફાઈનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો.
ATP રેન્કિંગમાં નંબર 1 પર પહોંચનાર સૌથી યુવા ખેલાડી
અલ્કારેઝ ATP રેન્કિંગમાં પણ નંબર-1 પર પહોંચી ગયા છે. તેઓ 1973થી શરૂ થયેલા ATP રેન્કિંગમાં પહેલા સૌથી નાની ઉંમરના નંબર વન ખેલાડી પણ બની ગયા છે. અત્યાર સુધી આ રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના લ્યૂટન હેવિટના નામે હતો. હેવિટે 2001માં 20 વર્ષ 8 મહિના 23 દિવસની ઉંમરે 19 નવેમ્બરે સૌથી નાની ઉંમરનો નંબર વન ટેનિસ ખેલાડી બન્યો હતો.
અમેરિકાના ફ્રાંસિસ ટિયાફોને હરાવીને પહેલી વખત ફાઈનલમાં પહોંચ્યો હતો અલ્કારેઝ
કાર્લોસ અલ્કારેઝ સેમીફાઈનલમાં અમેરિકાના ફ્રાંસિસ ટિયાફોને હરાવીને પહેલી વખત US ઓપનના ફાઈનલમાં પહોંચ્યો હતો. તેને પાંચ સેટ સુધી ચાલેલા સંઘર્ષપૂર્ણ મુકાબલામાં ટિયાફોને 7-7, 6-3,6-1, 6-7, 6-3થી હરાવ્યો હતો. તેમને પહેલી વખત કોઈ ગ્રાન્ડ સ્લેમ ટૂર્નામેન્ટની ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો.
તો કેસ્પર રુડે સેમીફાઈનલમાં રશિયાના કરેન ખાચાનોવને 7-6, 6-2, 5-7, 6-2થી હરાવીને બીજી વખત કોઈ ગ્રાન્ડ સ્લેમના ફાઈનલમાં જગ્યા બનાવી હતી.
મહિલા વર્ગમાં 21 વર્ષની ખેલાડી બની હતી ચેમ્પિયન
પોલેન્ડની 21 વર્ષની ખેલાડી ઈગા સ્વાતેક યુએસ ઓપન 2022નું ટાઇટલ જીત્યું છે. ફાઇનલમાં વિશ્વની નંબર વન ખેલાડી ઈગા સ્વાતેક વિમ્બલ્ડનની રનર અપ ઓન્સ જેબુરને સીધા સેટમાં 6-2, 7-6થી હરાવી હતી. સ્વાતેકના કરિયરનું આ ત્રીજું ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ છે. સ્વાતેક યુએસ ઓપન પહેલા બે વખત ફ્રેન્ચ ઓપન જીતી ચૂકી છે. 28 વર્ષીય જેબુર પાંચમા ક્રમની ખેલાડી છે. યુએસ ઓપનની ફાઇનલમાં પહોંચનાર પ્રથમ આફ્રિકન ખેલાડી છે. વિમ્બલ્ડન બાદ તે યુએસ ઓપન ટાઈટલ જીતવાથી પણ ચૂકી ગઈ હતી.