સ્પેનમાં મંકીપોક્સનું જોખમ, દેશમાં પહેલું મોત
મંકીપોક્સથી એક વ્યક્તિના મોત બાદ સ્પેનમાં ખળભળાટ મચી ગયો છે. કારણકે, દેશમાં મંકીપોક્સના કારણે આ પ્રથમ મૃત્યુ છે. સ્પેનિશ મીડિયા અનુસાર, દેશમાં મંકીપોક્સથી પ્રથમ મૃત્યુ શુક્રવારે થયું હતું. સ્પેનના સ્વાસ્થ્ય મંત્રીએ આ બીમારીથી સંબંધિત એક રિપોર્ટમાં કહ્યું કે, મંકીપોક્સથી સંક્રમિત 120 લોકોને અત્યાર સુધી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે આમાંથી એક વ્યક્તિનું મોત થયું હતું.
દેશમાં મંકીપોક્સથી મૃત્યુનો આ પહેલો કેસ છે. જો કે, મંત્રાલયે મૃત્યુ વિશે વધુ વિગતો આપી નથી. તેમણે જણાવ્યું કે સ્પેનમાં અત્યાર સુધીમાં 4298 લોકો આ રોગથી સંક્રમિત થયા છે. જેમાંથી લગભગ 3500 એવા પુરૂષો છે જેમણે અન્ય પુરૂષો સાથે સેક્સ માણ્યું હતું. જ્યારે આ વાયરસથી સંક્રમિત માત્ર 64 મહિલાઓ છે.
ભારતમાં મંકીપોક્સના 4 કેસ
ભારતની વાત કરીએ તો, હાલમાં અહીં મંકીપોક્સના ચાર કેસ છે. આમાંથી ત્રણ કેસ કેરળના છે. જ્યારે એક કેસ દિલ્હીનો છે. લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં આરોગ્ય રાજ્ય મંત્રી ભારતી પવારે જણાવ્યું હતું કે ભારતમાં અત્યાર સુધી મંકીપોક્સના કારણે મૃત્યુનો એક પણ કેસ નોંધાયો નથી. તેમણે એમ પણ કહ્યું કે દેશના કેટલાક રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મે મહિનાથી કોવિડ-19ના કેસમાં ઝડપથી વધારો જોવા મળી રહ્યો છે. દિલ્હીમાં મંકીપોક્સનો પહેલો કેસ સામે આવ્યા બાદ આ વાયરસને લઈને લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. દિલ્હીમાં રહેતા લોકો સામાન્ય ત્વચાની એલર્જીના ટેસ્ટ માટે પણ હોસ્પિટલમાં જઈ રહ્યા છે. કારણ કે તેને ડર છે કે જો તેને મંકીપોક્સનો ચેપ લાગ્યો છે.
કયા પુરુષોમાં વધુ જોખમ ?
અગાઉ, ડબ્લ્યુએચઓએ મંકીપોક્સને લઈને ચેતવણી પણ જારી કરી હતી કે પુરુષોએ મંકીપોક્સથી બચવા માટે જાતીય ભાગીદારોની સંખ્યા ઘટાડવાનું વિચારવું જોઈએ. ડબ્લ્યુએચઓના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ એડહાનોમ ઘેબ્રેયસસે જણાવ્યું હતું કે મે મહિનામાં ફાટી નીકળ્યા પછી મંકીપોક્સથી સંક્રમિત 98 ટકા લોકો ‘ગે’, ‘બાયસેક્સ્યુઅલ’ અને અન્ય પુરુષો છે જેઓ પુરુષો સાથે સેક્સ કરે છે.