ટોપ ન્યૂઝવર્લ્ડ

યુરોપમાં પ્રવેશ માટે જીવની બાજી! સ્પેનની સરહદે સર્જાઈ ભયાનક દુર્ઘટના

31/07/2026: યુરોપમાં વધુ સારી જિંદગીની આશા લઈને આફ્રિકાથી નીકળેલા હજારો લોકો માટે સ્પેનની સરહદ ફરી એકવાર જીવલેણ સાબિત થઈ છે. સ્પેનના સ્વાયત્ત શહેર સ્યુટા (Ceuta)માં બળજબરીથી પ્રવેશ કરવાનો પ્રયાસ કરતી ભીડ દરમિયાન સર્જાયેલી અફરાતફરીમાં ઓછામાં ઓછા 34 સ્થળાંતરકારોના મોત થયા છે, જ્યારે સ્પેન અને મોરોક્કોના 100થી વધુ સુરક્ષાકર્મીઓ પણ ઘાયલ થયા હોવાનું જણાવાયું છે.

અહેવાલો અનુસાર, એક જ સમયે હજારો લોકો સરહદ પાર કરવાનો પ્રયાસ કરતા સુરક્ષા વાડ પાસે ભારે દોડધામ મચી હતી. સાંકડા માર્ગોમાં લોકો એકબીજા પર પડી ગયા, જેના કારણે ઘણા લોકોના શ્વાસ રૂંધાઈ ગયા, જ્યારે કેટલાક સમુદ્રમાં ડૂબી જતાં જીવ ગુમાવ્યા.

24 કલાકમાં 60 હજાર લોકોનો પ્રવેશ

સ્પેનિશ અધિકારીઓના જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં મોરોક્કોની બાજુથી અંદાજે 60 હજાર લોકો વિવિધ રસ્તાઓથી સ્યુટામાં પ્રવેશી ચૂક્યા છે. આ આંકડો શહેરની કુલ વસ્તીના આશરે 70 ટકા જેટલો હોવાનું માનવામાં આવે છે. કેટલાક લોકોએ સમુદ્રમાં તરીને સરહદ પાર કરી, તો કેટલાકે સુરક્ષા વાડ ચઢીને અથવા કાપીને અંદર પ્રવેશવાનો પ્રયાસ કર્યો. પરિસ્થિતિ કાબૂ બહાર જતાં સ્પેન સરકારે સરહદ પર વધારાના સૈનિકો અને સુરક્ષા દળોને તૈનાત કર્યા છે. સાથે જ હવાઈ અને દરિયાઈ પેટ્રોલિંગમાં પણ વધારો કરવામાં આવ્યો છે.

સ્યુટા કેમ છે યુરોપમાં પ્રવેશનું સૌથી મોટું દ્વાર?

સ્યુટા ભૌગોલિક રીતે આફ્રિકામાં સ્થિત હોવા છતાં તે સ્પેન અને યુરોપિયન યુનિયન (EU)નો ભાગ છે. એટલે કે, કોઈ વ્યક્તિ સ્યુટામાં પ્રવેશ મેળવી લે તો તે યુરોપિયન સરહદ સુધી પહોંચી જાય છે. સ્યુટા અને તેની નજીકનું મેલિલા એવા બે વિસ્તારો છે જ્યાં આફ્રિકા અને યુરોપ વચ્ચે સીધી જમીની સરહદ છે. આ કારણસર મોરોક્કો સહિત અનેક આફ્રિકન દેશોના લોકો રોજગાર, સુરક્ષા અને વધુ સારી જીવનશૈલીની આશાએ આ માર્ગ પસંદ કરે છે.

અગાઉ પણ બની ચૂક્યા છે આવા બનાવ

આ સપ્તાહની શરૂઆતમાં પણ આશરે 1,500 લોકો સ્યુટામાં પ્રવેશ્યા હતા. જોકે ત્યારબાદ અચાનક હજારો લોકોના એકસાથે પ્રવેશના પ્રયાસે સ્થિતિ ગંભીર બની ગઈ. આ પહેલા વર્ષ 2021માં માત્ર બે દિવસમાં 10 હજારથી વધુ સ્થળાંતરકારો સ્યુટામાં પ્રવેશી ગયા હતા. જ્યારે 2022માં મેલિલા સરહદ પર થયેલી ભાગદોડમાં ઓછામાં ઓછા 23 લોકોના મોત થયા હતા.

સુરક્ષા વધુ કડક, EU પણ મદદ માટે આગળ

સ્પેન સરકારના અધિકારીઓએ જણાવ્યું છે કે સ્થિતિને ધ્યાનમાં રાખીને સરહદ પર સેનાની વધારાની ટુકડીઓ મોકલવામાં આવી છે. સમુદ્ર માર્ગે પ્રવેશતા લોકો પર નજર રાખવા માટે ડાઇવર્સ અને કોસ્ટ ગાર્ડની ટીમોને પણ તૈનાત કરવામાં આવી છે. યુરોપિયન યુનિયને પણ સ્પેનને જરૂરી સહાય આપવાની તૈયારી દર્શાવી છે, જેથી સરહદી સુરક્ષા મજબૂત બનાવી શકાય.

સ્યુટા અને મેલિલા પર શા માટે છે વિવાદ?

મોરોક્કોને 1956માં સ્વતંત્રતા મળી હતી, પરંતુ સ્યુટા અને મેલિલા સ્પેનના નિયંત્રણમાં જ રહ્યા. મોરોક્કોનો દાવો છે કે આ બંને શહેરો ભૌગોલિક રીતે તેના વિસ્તારનો ભાગ હોવાથી તેને પરત મળવા જોઈએ. બીજી તરફ સ્પેનનું કહેવું છે કે સ્યુટા પર તેનો કબજો સદીઓ જૂનો છે. વર્ષ 1415માં પોર્ટુગલે અહીં કબજો કર્યો હતો અને 1668માં આ વિસ્તાર સ્પેનને સોંપવામાં આવ્યો હતો.

સ્પેન માટે સ્યુટા શા માટે મહત્વનું?

વ્યૂહાત્મક સ્થાન: સ્યુટા જિબ્રાલ્ટર જળમાર્ગ પાસે આવેલું હોવાથી ભૂમધ્ય સાગર અને એટલાન્ટિક મહાસાગર વચ્ચેના જહાજોની અવરજવર પર નજર રાખવા માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

સુરક્ષા અને રાજકીય કારણો: જો સ્પેન સ્યુટા છોડે તો મેલિલા પર પણ દબાણ વધી શકે છે, જે દેશની સુરક્ષા અને રાજકીય સ્થિતિ માટે પડકારરૂપ બની શકે છે.

સ્થાનિકોની પસંદગી: સ્યુટાના મોટા ભાગના રહેવાસીઓ પોતાને સ્પેનિશ માને છે અને સ્પેનનો જ ભાગ રહીને જીવન જીવવાનું પસંદ કરે છે.

માનવિય સંકટ વધુ ગંભીર બનવાની આશંકા

આફ્રિકા અને યુરોપ વચ્ચે વધતી અસમાનતા, ગરીબી, બેરોજગારી અને સંઘર્ષને કારણે દર વર્ષે હજારો લોકો જોખમ લઈને યુરોપ પહોંચવાનો પ્રયાસ કરે છે. તાજેતરની આ દુર્ઘટનાએ ફરી એકવાર સરહદી સુરક્ષા, સ્થળાંતર નીતિ અને માનવ અધિકારો અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. જો સ્થળાંતરનું દબાણ યથાવત રહેશે તો આવનારા સમયમાં આવી દુર્ઘટનાઓ ફરી સર્જાવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.

Back to top button