‘જગ્યા પણ તમારી અને સમય પણ તમારો છે’; AAPનો LG VK સક્સેનાને ખુલ્લો પડકાર, જાણો શું છે મામલો ?
નવી દિલ્હી, 26 ઓગસ્ટ: દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર VK સક્સેનાને આમ આદમી પાર્ટીએ ખુલ્લો પડકાર આપ્યો છે. દિલ્હી સરકારના મંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા સૌરભ ભારદ્વાજે એલજીને દિલ્હીમાં વૃક્ષો કાપવાના મુદ્દે ચર્ચા માટે પડકાર ફેંક્યો છે. સૌરભ ભારદ્વાજે કહ્યું, એલજી સાહેબ, હું તમને મીડિયાની સામે આમંત્રિત કરી રહ્યો છું. મારી સાથે દલીલ કરવા આવો. છુપાવશો નહીં. આ મામલો દિલ્હીના રિજ વિસ્તારમાં 1100 વૃક્ષો કાપવાનો છે.
એલજીના રાજીનામાની માંગ કરતા તેમણે કહ્યું કે, એલજી હાઉસની દિવાલો પાછળ સંતાશો નહીં. તમે દિલ્હી અને કોર્ટને ગેરમાર્ગે દોર્યા અને તમે પકડાઈ ગયા. સૌરભ ભારદ્વાજે કહ્યું કે, જાણી જોઈને વૃક્ષો કાપ્યા. તેઓએ વિચાર્યું કે બધા અધિકારીઓ આપણા ખિસ્સામાં છે શું કરશે. સૌરભ ભારદ્વાજે કહ્યું કે, મુખ્ય સચિવ, ડિવિઝનલ કમિશનર, પીડબલ્યુડી સચિવ, વન સચિવ અને ડીડીએના અધિકારીઓ એલજી સાથે હતા. કોઈએ એલજીને કહેવાની હિંમત કરી નથી કે આવા વૃક્ષો કાપવા ગેરકાયદેસર છે. તેમણે કહ્યું, એલજીએ હવે રાજીનામું આપવું જોઈએ.
આ અંગે લેફ્ટનન્ટ ગવર્નરની ઓફિસ તરફથી તાત્કાલિક કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. એક પત્રકાર પરિષદને સંબોધતા દિલ્હીના મંત્રી સૌરભ ભારદ્વાજે કહ્યું કે પ્રોજેક્ટ સાથે સંકળાયેલા કોન્ટ્રાક્ટર દ્વારા દાખલ કરાયેલ એફિડેવિટ દર્શાવે છે કે વૃક્ષો કાપવાની પરવાનગી લેફ્ટનન્ટ ગવર્નર દ્વારા જારી કરવામાં આવી હતી.
“કોન્ટ્રાક્ટર દ્વારા દાખલ કરવામાં આવેલ એફિડેવિટમાં જણાવવામાં આવ્યું છે કે DDA (દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટી) તરફથી મોકલવામાં આવેલા ઈમેલમાં જણાવવામાં આવ્યું હતું કે રસ્તામાં અવરોધરૂપ વૃક્ષોને હટાવવાની પરવાનગી લેફ્ટનન્ટ ગવર્નર દ્વારા આપવામાં આવી છે.” ભારદ્વાજે કહ્યું કે ઈમેલથી લેફ્ટનન્ટ ગવર્નરનો પર્દાફાશ થયો છે. મંત્રીએ કહ્યું કે, તેમણે તાત્કાલિક રાજીનામું આપી દેવું જોઈએ. હું તેમને સત્ય જાહેર કરવાનો પડકાર ફેંકું છું.
આ પણ વાંચો : યુક્રેને રશિયા પર કર્યો 9/11 જેવો હુમલો, જોતા જ રહી ગયા પુતિન; જૂઓ વીડિયો