નેઋત્યનું ચોમાસું ગુજરાતમાં પહોંચ્યું છે. આ સાથે જ ગુજરાતમાં સત્તાવાર રીતે ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે, ત્યારે રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૧૧ તાલુકાઓમાં વરસાદ થયો છે. રાજ્યમાં સૌથી વધુ વરસાદ અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકામા પોણા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાના દસાડામાં અને ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામા અઢી ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો.
સૌરાષ્ટ્રમાં શ્રીકાર
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા અને ચૂડા તાલુકામા ૨ ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો. સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકામા ૨ ઈંચ વરસાદ પડ્યો હતો. અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ યથાવત છે. લિલીયામાં અસંખ્ય ઉકળાટ બાદ વરસાદનું આગમન થયું છે. ઘારીના ચલાલા પણ વરસાદ શરૂ થયો છે. લિલીયા શહેર અને આજુબાજુના ગામોમાં વરસાદી ઝાપટા પડ્યા છે. વરસાદને કારણે વાતાવરણ ઠંડક પ્રસરી છે.
ઉત્તર ગુજરાતમાં મેઘો મહેરબાન
બનાસકાંઠાના ધાનેરા તાલુકાના બોર્ડર વિસ્તારો ગામડામાં ધોધમાર વરસાદ પડ્યો છે. ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ છે. જિલ્લામાં કાંકરેજ, ભાભર, દિયોદર સહિત ધાનેરા તાલુકામાં પણ વરસાદનું આગમન થયું છે. હિંમતનગર પંથકમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ શરૂ થયો છે. હિંમતનગર શહેર ઉપરાંત હિંમતનગર ગ્રામ્ય પંથકમાં પણ વરસાદી માહોલ છે. હિંમતનગરના ખેડ, ધનપુરા,જાબુંડી સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદ નોંધાયો છે. વરસાદને લઈ ખેડૂતો વાવેતરના આગોતરા આયોજનમાં જોતરાયા છે. અરવલ્લીના મોડાસામા પણ ૨ ઈંચ વરસાદ પડ્યો હતો. અન્ય ૧૨ તાલુકાઓમા ૧ થી ૨ ઈંચ વરસાદ પડ્યો હતો.
દક્ષિણ ગુજરાતમાં વિધિવત ચોમાસાનો પ્રારંભ
દક્ષિણ ગુજરાતના વલસાડમાં ચોમાસાનું વિધિવત આગમન થયું છે. આગામી 24 કલાક ગાજવીજ સાથે રાજ્યમાં વરસાદ રહેશે. 48 કલાક સુધી મોન્સૂન આગળ વધી શકે છે. આગામી 3 દિવસ રાજ્યમાં વાદળછાયુ વાતાવરણ રહેશે. રાજ્યમાં છેલ્લા 6 કલાકમાં 15 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે.