દક્ષિણ કોરિયાની કોર્ટે પ્રમુખ માટે ધરપકડ વોરંટ જારી કર્યું, આ છે ગંભીર આરોપ
નવી દિલ્હી, 31 ડિસેમ્બર: દક્ષિણ કોરિયાની એક અદાલતે આજે મંગળવારે પ્રમુખ યુન સુક યેઓલ માટે ધરપકડ વોરંટ મંજૂર કર્યું છે. તેમના પર અનેક આરોપો લગાવવામાં આવ્યા છે. પ્રમુખ યુન સુક યેઓલને 3 ડિસેમ્બરના રોજ માર્શલ લૉ લાદવાના નિર્ણયને કારણે મહાભિયોગ અને સત્તા પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. સંયુક્ત તપાસ મુખ્યાલયે એક નિવેદનમાં કહ્યું કે, “સસ્પેન્ડેડ પ્રમુખ યુન સુક યેઓલ માટે ધરપકડ વોરંટ અને સર્ચ વોરંટ મંગળવારે સવારે સંયુક્ત તપાસ મુખ્યાલય દ્વારા જારી કરવામાં આવ્યું છે.”
કોઈ પ્રમુખ માટે પ્રથમ વખત ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું
ઉચ્ચ કક્ષાના અધિકારીઓની ભ્રષ્ટાચાર તપાસ કાર્યાલયે પુષ્ટિ કરી છે કે, સિઓલ પશ્ચિમી જિલ્લા અદાલતે વોરંટને મંજૂરી આપી છે. અહેવાલો મુજબ, દક્ષિણ કોરિયામાં વર્તમાન પ્રમુખ માટે આ પ્રથમ ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું છે.
સોમવારે, દક્ષિણ કોરિયાના તપાસકર્તાઓએ આ મહિને ટૂંકા ગાળાનો માર્શલ લો લગાવવાને કારણે યુન માટે ધરપકડ વોરંટની માંગ કરી હતી. યુન સંભવિત બળવાના આરોપો હેઠળ ફોજદારી તપાસનો સામનો કરી રહ્યો છે. કોર્ટે આ મામલે કોઈ ટિપ્પણી કરવાનો ઈન્કાર કરી દીધો છે.
પ્રમુખે માર્શલ લો જાહેર કર્યો હતો
પ્રમુખે એક આશ્ચર્યજનક નિર્ણયમાં દક્ષિણ કોરિયામાં પહેલીવાર માર્શલ લો જાહેર કર્યો હતો પરંતુ ભારે દબાણ બાદ તેને પાછો ખેંચી લેવામાં આવ્યો હતો. તેમના સંબોધનમાં, યુને સરકારને નબળી બનાવવાના વિપક્ષના પ્રયાસોને ટાંક્યા અને કહ્યું કે, તેઓ “દેશવિરોધી દળોને કચડી નાખવા માટે લશ્કરી કાયદો જાહેર કરી રહ્યા છે.” આ આદેશનો અર્થ એ થયો કે, દેશ અસ્થાયી લશ્કરી નિયંત્રણ હેઠળ આવ્યો છે.
ઇમરજન્સી દરમિયાન માર્શલ લો લાદવામાં આવ્યો હતો
દક્ષિણ કોરિયામાં ઇમરજન્સીની સ્થિતિ દરમિયાન માર્શલ લો લાદવામાં આવ્યો હતો, જેનો અર્થ છે, દેશમાં અસ્થાયી શાસન, જે દરમિયાન દેશનો કમાન્ડ સૈન્યના હાથમાં જાય છે. તેનું કારણ એવું કહેવાય છે કે, ચૂંટાયેલી સરકાર પોતાનું કામ કરી શકતી નથી. ઇમરજન્સીની છેલ્લે 1979માં દક્ષિણ કોરિયામાં જાહેરાત કરવામાં આવી હતી, જ્યારે દક્ષિણ કોરિયાના તત્કાલિન લશ્કરી સરમુખત્યાર પાર્ક ચુંગ-હીની બળવા દરમિયાન હત્યા કરવામાં આવી હતી.
1987માં દક્ષિણ કોરિયા સંસદીય લોકશાહી બન્યું ત્યારથી તેનો ક્યારેય અમલ થયો નથી, પરંતુ પ્રમુખ યુને માત્ર દેશમાં માર્શલ લૉ લાદ્યો હતો. રાષ્ટ્રને પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે, તેઓ દક્ષિણ કોરિયાને ‘રાષ્ટ્ર વિરોધી શક્તિઓ’થી બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
આ પણ જૂઓ: પ્લેન ક્રેશ થાય ત્યારે વળતર કોણ ચૂકવે છે, કંપની કે સરકાર?