હવામાન વિભાગે આજે દક્ષિણ ગુજરાતના અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારે અને રાજ્યના અન્ય સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. સૌરાષ્ટ્ર-કચ્છ અને રાજ્યના બાકી જિલ્લાઓ, દીવ, દમણ અને દાદરા અને નગર-હવેલીમાં આજે વરસાદી માહોલ રહેશે. તો છેલ્લા 24 કલાકમાં કચ્છના લખપતમાં 11 ઈંચ વરસાદ નોંધાયો છે.
રવિવાર સવાર સુધી હવામાન વિભાગની આગાહી
રવિવાર સુધી સૌરાષ્ટ્ર-કચ્છ, ગુજરાતના તમામ જિલ્લા દીવ, દમણ અને દાદરા-નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદ, ગાજવીજ સાથે વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
દક્ષિણ ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે. જેમાં નવસારી, વલસાડ, દમણ અને દાદરા અને નગર-હવેલી તો સૌરાષ્ટ્રમાં જૂનાગઢ જિલ્લો સામેલ છે. આ સિવાય દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, ડાંગ અને તાપી અને સૌરાષ્ટ્ર કચ્છના પોરબંદર અને ગીર સોમનાથ જિલ્લામાં છૂટાછવાયાં સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે.
ચાર દિવસ સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ રહેશે
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આગામી ચાર દિવસ સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ રહેશે. ખાસ કરીને સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, સુરત, ડાંગ, તાપીમાં પણ અતિભારે વરસાદની આગાહી છે. 4 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે. દરમિયાન આજે અમદાવાદ શહેરમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.
ક્યાં ઝોનમાં કેટલો વરસાદ?
કચ્છમાં 33.36 %, ઉત્તર ગુજરાતમાં 16.93 %, સૌરાષ્ટ્રમાં 31.26 %, મધ્ય ગુજરાતમાં 13.68 % અને દક્ષિણ ગુજરાતમાં 25.64 % વરસાદ પડી ગયો છે.
સીઝનનો 27 ટકા વરસાદ થઈ ચૂક્યો છે
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 33 જિલ્લાના 215 તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ 276 મિમી એટલે કે 11 ઈંચ વરસાદ કચ્છ જિલ્લાના લખપતમાં નોંધાયો છે. 50 મિમી સુધી 12 તાલુકા, 51થી 125 મિમી 69 તાલુકા, 126થી 250 મિમી 88 તાલુકા, 251થી 500 મિમી 55 તાલુકા, 501થી 1000 મિમી 27 તાલુકામાં આખી સીઝનમાં નોંધાઈ ચૂ્કયો છે. સીઝન કુલ 235.44 મિમી રાજ્યમાં નોંધાયો છે, જે કુલના 27.69 ટકા થાય છે.
અંબાલાલ પટેલે પણ કરી જાહેરાત
ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર ગુજરાતમાં મેઘરાજા કપરો સમય લાવે તેવી આગાહી કરી છે. રાજ્યમાં ભારે વરસાદને લઈને આગાહી કરતા અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા દર્શાવી છે, જ્યારે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. એટલું જ નહીં, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની શક્યતાના લીધે પૂર આવે તેવી સ્થિતિ વર્ણવી છે.