સાઉથ આફ્રિકાએ અફઘાનિસ્તાનને હરાવીને પ્રથમ વખત કોઈ વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચ્યું
- મેચમાં આફ્રિકન બોલરોનો દબદબો, અફઘાનિસ્તાનના બેટ્સમેનો બોલરો સામે ટકી શક્યા નહીં
HD ન્યૂઝ ડેસ્ક, 27 જૂન: સાઉથ આફ્રિકાએ અફઘાનિસ્તાનને હરાવીને પ્રથમ વખત T20 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચીને ઇતિહાસ રચ્યો છે. સાઉથ આફ્રિકાએ અફઘાનિસ્તાનને T20 વર્લ્ડ કપ 2024ની સેમિફાઇનલમાં 9 વિકેટે હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. મેચમાં પ્રથમ બેટિંગ કરતા અફઘાન ટીમ માત્ર 56 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ પછી સાઉથ આફ્રિકાએ આસાનીથી લક્ષ્યનો પીછો કર્યો. આ મેચમાં આફ્રિકન બોલરોનો દબદબો જોવા મળ્યો હતો. અફઘાનિસ્તાનના બેટ્સમેનો આફ્રિકન બોલરો સામે ટકી શક્યા ન હતા.
South Africa are through to their first Men’s #T20WorldCup Final 🙌 pic.twitter.com/KwPr74MUJc
— ICC (@ICC) June 27, 2024
લક્ષ્યનો પીછો માત્ર 8.5 ઓવરમાં કરી નાખ્યો
સાઉથ આફ્રિકા તરફથી રીઝા હેન્ડ્રિક્સે 29 રન બનાવ્યા હતા. જ્યારે કેપ્ટન એડન મેકક્રમે 23 રન બનાવ્યા હતા. આ બંને ખેલાડીઓ અંત સુધી અણનમ રહ્યા હતા. આફ્રિકાની ટીમે માત્ર 8.5 ઓવરમાં જ લક્ષ્યનો પીછો કરી લીધો હતો. ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. જ્યારે ક્વિન્ટન ડી કોક માત્ર 5 રન બનાવીને આઉટ થયો હતો. તેને ફઝલહક ફારૂકીએ આઉટ કર્યો હતો.
અફઘાનિસ્તાને વર્લ્ડ કપની સેમિફાઇનલમાં સૌથી ઓછો સ્કોર બનાવ્યો
મેચમાં અફઘાનિસ્તાનના કેપ્ટન રાશિદ ખાને ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો જે ખોટો સાબિત થયો હતો. આ મેચમાં અફઘાનિસ્તાનના બેટ્સમેનો જબરજસ્ત ફ્લોપ સાબિત થયા હતા અને કોઈ પણ ખેલાડી ટીમ માટે સારું પ્રદર્શન કરી શક્યો નહોતો. માત્ર અઝમતુલ્લા ઉમરઝાઈ જ બે આંકડા સુધી પહોંચી શક્યા. તેણે મેચમાં 10 રન બનાવ્યા હતા. રહેમાનુલ્લા ગુરબાઝ, નૂર અહેમદ અને મોહમ્મદ નબી પોતાનું ખાતું પણ ખોલાવી શક્યા ન હતા. આ કારણે અફઘાન ટીમ પૂરી 20 ઓવર પણ રમી શકી ન હતી અને માત્ર 56 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ટી-20 વર્લ્ડ કપની સેમીફાઈનલમાં કોઈપણ ટીમનો આ સૌથી ઓછો સ્કોર છે.
બોલરોએ અજાયબીઓ કરી
સાઉથ આફ્રિકા માટે બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. માર્કો જેસને 3 ઓવરમાં 16 રન આપીને 3 વિકેટ લીધી હતી. તબરેઝ શમ્સીએ પણ ત્રણ વિકેટ પોતાના નામે કરી હતી. કાગીસો રબાડા અને એનરિક નોરખિયાએ 2-2 વિકેટ લીધી હતી. આ બોલરોના કારણે જ અફઘાન ટીમ મોટો સ્કોર કરી શકી નથી.
આ પણ જુઓ: હાર્દિક પંડ્યાએ ICC રેન્કિંગમાં લગાવી મોટી છલાંગ, જાણો હવે ક્યા નંંબરે?