સૌરવ ગાંગુલીએ રોહિત પછી ટીમ ઇન્ડિયાના કેપ્ટન તરીકે ચોંકાવનારું નામ લીધું
16 મે, નવી દિલ્હી: આવનારો T20 વર્લ્ડ કપ કદાચ ટીમ ઇન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા માટે અંતિમ વર્લ્ડ કપ બની રહેશે એવું લાગી રહ્યું છે. ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન અને દિલ્હી કેપિટલ્સના ડાયરેક્ટર ઓફ ક્રિકેટ સૌરવ ગાંગુલીએ રોહિત પછી ટીમ ઇન્ડિયાના કેપ્ટન તરીકે એક એવું નામ લીધું છે જેની કલ્પના કોઈને પણ નથી.
ગાંગુલીએ દિલ્હીના કેપ્ટન ઋષભ પંતના ભારોભાર વખાણ કર્યા છે. તેમનું કહેવું છે કે રોહિત પછી ટીમ ઇન્ડિયાના કેપ્ટન તરીકે હાર્દિક પંડ્યાની સાથે સાથે ઋષભ પંતનું નામ પણ લિસ્ટમાં ટોચ ઉપર રહેશે. ગાંગુલીનું કહેવું છે કે પંત ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં કેપ્ટન બની શકે છે કારણકે તેને ત્રણેય ફોર્મેટમાં રમવાનો સારો એવો અનુભવ છે.
ગાંગુલીનું કહેવું હતું કે, ‘પંત એક યુવાન કેપ્ટન છે, અને તે સમયની સાથે શીખશે. જે રીતે તેણે ઇજામાંથી બહાર આવીને આખી સિઝન રમી તેની અમને ઓફ સિઝન દરમ્યાન કલ્પના પણ ન હતી. હવે જ્યારે IPL દસ ટીમો વચ્ચે રમાય છે ત્યારે તેમાં ભારતીય ખેલાડીઓનું મહત્વ આપોઆપ વધી ગયું છે. મને આનંદ છે કે ઋષભ પંત આખી સિરીઝ રમ્યો અને બહુ સારી રીતે રમ્યો.’
ઋષભ પંત આ વર્ષની IPLમાં દિલ્હી માટે 14માંથી 13 મેચો રમ્યો છે. તેની કપ્તાનીમાં ટીમ 7 મેચ જીતી છે. તેણે 40.55ની એવરેજથી 446 રન બનાવ્યા છે જેમાં ત્રણ હાફ સેન્ચુરીઓ પણ સામેલ છે.
ઋષભ પંત માટે ગાંગુલીએ આગળ કહ્યું હતું કે, ‘તેના જીવનમાં આગળ જે કશું પણ બનશે તેના માટે મારી શુભકામનાઓ છે. તે સમયની સાથે બહેતર કેપ્ટન બની જશે. કોઇપણ કેપ્ટન પહેલા દિવસથી જ મહાન કેપ્ટન નથી બનતો. તે (ઋષભ પંત) એક સહજ કેપ્ટન છે, તે મેદાન પર કઠીન નિર્ણયો લેવામાં મને છે. સમયની સાથે તે વધુ સારો કેપ્ટન બનીને સામે આવશે.’
હાલમાં તો ટીમ ઇન્ડિયાના ભાવિ કેપ્ટન તરીકે હાર્દિક પંડ્યાનું નામ સહુથી આગળ છે. અગાઉ પણ એવા સમાચાર આવ્યા હતા કે વર્લ્ડ કપની ટીમમાં હાર્દિકને લેવા માટે રોહિત અને આગરકર તૈયાર ન હતા પરંતુ કોઈ દબાણ હેઠળ તેમણે હાર્દિકની પસંદગી કરવી પડી હતી કારણકે હાર્દિકને ભારતના આગામી કેપ્ટન તરીકે જોવામાં આવી રહ્યો છે.