વિશેષસ્પોર્ટસ

‘દૂધના દાઝ્યા’ દાદાએ ટીમ ઇન્ડિયાના કોચ માટે BCCIને મહત્વની સલાહ આપી

Text To Speech

30 મે, કોલકાતા: ભારતના ભૂતપૂર્વ કેપ્ટન અને દાદાના હુલામણા નામે ઓળખાતા સૌરવ ગાંગુલી પણ ટીમ ઇન્ડિયાના કોચની ચર્ચામાં ઉતરી પડ્યા છે. દાદાએ ટીમ ઇન્ડિયાના કોચ બાબતે BCCIને ખાસ સલાહ આપી છે.

સોશિયલ મીડિયા સાઈટ X પર પોસ્ટ કરતાં દાદાએ કહ્યું છે કે, ‘કોઇપણ ખેલાડીના જીવનમાં કોચનું અનેરું મહત્વ હોય છે. કોચ કોઈ ખેલાડીના જીવનને તેના માર્ગદર્શન અને સતત ટ્રેનીગ દ્વારા સુધારી કે બગાડી શકે છે. આથી કોચની પસંદગી સમજી વિચારીને કરવી.’

એક રીતે જોવા જઈએ તો દાદાએ ટીમ ઇન્ડિયાના કોચ માટે આપેલી આ સલાહ ભેદી વાક્યોનો પ્રયોગ કરીને આપી છે. પરંતુ તેનાથી બે વસ્તુઓ તુરંત કોઇપણ ક્રિકેટ ફેનના મનમાં આવશે જેણે ભારતીય ક્રિકેટને છેલ્લા ત્રણ દાયકાથી ફોલો કર્યું છે.

પહેલો વિચાર અને ત્વરિત વિચાર તો એ આવી જાય કે શું સૌરવ ગાંગુલી અત્યારે જે રીતે ગૌતમ ગંભીરને ટીમ ઇન્ડિયાના નવા કોચ બનાવવા માટે BCCI મહેનત કરી રહ્યું છે તેનાથી ખુશ નથી? બીજા શબ્દોમાં કહીએ તો શું સૌરવ ગાંગુલીને ગૌતમ ગંભીરથી કોઈ તકલીફ છે?

બીજો વિચાર દાદાના ભૂતકાળ તરફ લઇ જાય છે. જ્હોન રાઈટની નિવૃત્તિ બાદ સૌરવ ગાંગુલીની જ ભલામણથી ગ્રેગ ચેપલને ટીમ ઇન્ડિયાના કોચ બનાવવામાં આવ્યા હતા. પરંતુ ગ્રેગ ચેપલે સૌરવ ગાંગુલીને કપ્તાનપદેથી તો હટાવી જ દીધા પરંતુ તેમને ટીમમાંથી પણ બહાર કાઢી મૂક્યા હતા.

આથી દાદા એ દૂધના દાઝ્યા છે. તેમણે જ મનોનીત કરેલી વ્યક્તિએ તેમની જ પીઠમાં છરી ભોંકી દીધી હતી. આથી કદાચ દાદા BCCIને સલાહ આપી રહ્યા છે કે જે કોઇપણ કોચ પસંદ કરો જરા તેના પર લાંબો વિચાર જરૂર કરજો.

બીજી તરફ એવા સમાચારો આવી રહ્યા છે કે ગૌતમ ગંભીર ટીમ ઇન્ડિયાના કોચ બની રહ્યા છે તેની ફક્ત જાહેરાત જ કરવાની બાકી છે. કારણકે BCCIએ કોલકાતા નાઈટ રાઈડર્સના માલિક શાહરૂખ ખાનને ગંભીરને ટીમના મેન્ટરપદેથી રિલીઝ કરી દેવા માટે મનાવી લીધા છે. જય શાહે પણ IPLની ફાઈનલ બાદ ગંભીરને દેશ માટે કોચ બની જવાની વાત કરી હતી જે વાયરલ થઇ ગઈ હતી.

આમ અત્યારે તો એવું લાગી રહ્યું છે કે ગૌતમ ગંભીર જ ટીમ ઇન્ડિયાના આગામી કોચ બનશે.

Back to top button