ઉત્તર ગુજરાતગુજરાતટોપ ન્યૂઝ

ટૂંક સમયમાં અંબાજીનો મોહનથાળ અને ચિક્કીનો પ્રસાદ માઈભક્તો ઘરે બેઠા ઓનલાઈન મંગાવી શકશે

Text To Speech

અંબાજી, 20 જાન્યુઆરી 2024, ગુજરાત સ્થિત શક્તિપીઠ અંબાજી મંદિરનો મોહનથાળ અને ચિક્કીનો પ્રસાદ દેશ અને દુનિયામાં તમામ માઈભક્તોને પ્રિય છે. મંદિરે દર્શન કરવા જતા શ્રદ્ધાળુઓ મોહનથાળનો પ્રસાદ લીધા વિના મંદિર પરિસરની બહાર ક્યારેય નીકળતા નથી. તે ઉપરાંત જે લોકો મંદિરમાં દર્શન કરવા માટે આવે છે તે લોકો અન્ય પરિવારજનો તથા પાડોશમાં રહેતા લોકો માટે પણ પ્રસાદનું પેકેટ લઈને જાય છે. ત્યારે હવે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર અને મંદિર ટ્રસ્ટના પ્રયાસોથી અંબાજી મંદિરનો મોહનથાળ અને ચિક્કીનો પ્રસાદ માઈભક્તો ઘરેબેઠા ઓનલાઈન મંગાવી શકાશે.

યાત્રિકોએ પ્રિ-પેઈડ પધ્ધતિથી ઓનલાન ચૂકવણું કરવાનું રહેશે
યાત્રાધામ અંબાજીમાં વર્ષે લગભગ એક કરોડથી વધારે પ્રસાદનાં બોકસનું વેચાણ થાય છે. આજના આધુનિક યુગમાં માઈભકતો ધ્વારા ઓનલાઈન પ્રસાદ વેચાણ માટે રજુઆતો મળેલ હતી. હાલમાં અંબાજી મંદિરની વેબસાઈટને અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરી રી-ડેવલોપ કરવામાં આવેલ છે. આ વેબસાઈટમાં ડોનેશન ઉપરાંત ઘણી જ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવેલ છે.અંબાજી મંદિરની વેબસાઈટ www.ambajitemple.in મારફત ઓનલાઈન પ્રસાદ મંગાવી શકશે. યાત્રિકોએ પ્રિ-પેઈડ પધ્ધતિથી ઓનલાન ચૂકવણું કરવાનું રહેશે. વેબસાઈટ મારફત પેમેન્ટ થયા બાદ પ્રસાદની ડીલીવીર કુરીયર પાટનર ધ્વારા મોકલવામાં આવશે. માત્ર પ્રિ-પેઈડ સીસ્ટમ ઉપલબ્ધ કરવામાં આવશે.

(1) 80 ગ્રામનાં મોહનથાળનાં ૫ પેકેટનાં ગુણાંકમાં
(2) 200 ગ્રામ મોહનથાળનાં ૨ પેકેટ નાં ગુણાંકમાં
(3) 100 ગ્રામનાં ચિકકીનાં ૪ પેકેટ નાં ગુણાંકમાં ઓનલાઈન ઓર્ડર આપી શકાશે

માઈભક્તના ઘરે પ્રસાદની ડીલીવરી કરવાનું બુકીંગ લેવામાં આવશે
આગામી સમયમાં મંદિરનાં પ્રસાદ કેન્દ્ર ખાતે એક સ્ટોલ ખોલવામાં આવશે. જયાંથી પણ પ્રસાદની માઈભક્તના ઘરે ડીલીવરી કરવાનું બુકીંગ લેવામાં આવશે. પ્રાયોગિક ધોરણે મોહનથાળ પ્રસાદ તથા ચિકકી પ્રસાદનું ઓનલાઈન બુકીંગ શરૂ કરવામાં આવશે.હાલમાં, આ પ્રથા હંગામી રીતે પ્રાયોગીક ધોરણે શરૂ કરવામાં આવશે. જો યાત્રિકો તરફથી સારો પ્રતિભાવ મળશે તો દેવસ્થાન ટ્રસ્ટ ધ્વારા કેલેન્ડર, પુસ્તકો, નોટબુકો, અગરબત્તી, પુજાકીટ વગેરે ચીજ વસ્તુઓનું પણ ઓનલાઈન વેચાણ શરૂ કરવામાં આવશે.

હવે માઈભક્તોને ઘરેબેઠા પ્રસાદ મળી શકશે
પ્રાપ્ત વિગતો પ્રમાણે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર વરૂણ બરનવાલ દ્વારા અંબાજી મંદિરનો પ્રસાદ માઈભક્તોને ઘરેબેઠા મળે તે માટે અથાગ પ્રયત્નો શરૂ કરવામાં આવ્યાં હતાં. જિલ્લા કલેક્ટર વરૂણકુમાર બરનવાલ દ્વારા આ પ્રયાસ સફળ બનાવવા માટે એક ટીમ બનાવી હતી. જેમાં SDM સિદ્ધિબેન વર્મા, મંદિર ટ્રસ્ટના ચેતનભાઈ જોષી, આશિષભાઈ રાવલ, તપનભાઈ અને સંદિપભાઈ લાલવાણી સહિતના સભ્યોએ માઈભક્તોને માતાજીનો પ્રસાદ ઘરેબેઠા મળે તે માટે પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતાં. જેની ફળશ્રુતીએ હવે માઈભક્તોને ઘરેબેઠા પ્રસાદ મળી શકશે.

પ્રસાદ સહિત વધુ એક વ્યવસ્થાનું પણ આયોજન છે
શરૂઆતના સમયમાં ઓનલાઈન પ્રસાદ મેળવવા માટેનું આયોજન માત્ર ગુજરાતમાં જ શરૂ કરવામાં આવશે. તે ઉપરાંત બનાસકાંઠા જિલ્લા કલેક્ટર વરૂણ કુમાર બરનવાલનું એવું વિઝન છે કે, દેશ અને વિશ્વમાં વસેલા માઈભક્તો ઓનલાઈન પ્રસાદ મંગાવી શકે તે માટે પણ સુવિધા ઉભી કરવામાં આવશે. આટલું નહીં માઈભક્તોને માતાજીના આશિર્વાદરૂપ અન્ય વસ્તુઓ જેવી કે, સાડી, ચૂંદડી, લગ્ન આશિર્વાદની કિટ વગેરે પણ ઘરે બેઠા મળી શકે તેવી પણ વ્યવસ્થા કરવા માટે કલેક્ટર દ્વારા પ્રયાસો કરવામાં આવ્યાં છે.

આ પણ વાંચોઃ ડીસા માલગઢની શાળાના બાળકોએ લાકડાના વેરથી બનાવી 1200 ફૂટ અયોધ્યા મંદિરની આકૃતિ

Back to top button