સોનૂ નિગમે રાજસ્થાન CM પર નારાજગી વ્યક્ત કરી, કોન્સર્ટમાં ન આવવા કહ્યું, જાણો શું છે મામલો
- સોનુ નિગમે પોતાની સાથે બનેલી એક ઘટનાનો ખુલાસો કરતા સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને કેટલાક નેતાઓ અને મંત્રીઓ સામે નારાજગી વ્યક્ત કરી છે
10 ડિસેમ્બર, મુંબઈઃ પ્રખ્યાત પ્લેબેક સિંગર સોનુ નિગમે પોતાની સાથે બનેલી એક ઘટનાનો ખુલાસો કરતા સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને કેટલાક નેતાઓ અને મંત્રીઓ સામે નારાજગી વ્યક્ત કરી છે. તેણે કહ્યું કે હાલમાં જ તે જયપુરના એક કોન્સર્ટમાં પરફોર્મ કરી રહ્યો હતો ત્યારે ત્યાં ગેસ્ટ તરીકે હાજર રાજસ્થાનના મુખ્યમંત્રી ભજન લાલ શર્મા પરફોર્મન્સ ચાલુ હતું અને અધવચ્ચેથી ઉભા થઈ ગયા અને આ વાત સિંગરને ખૂબ ખટકી ગઈ.
નિરાશા વ્યક્ત કરતા તેણે વીડિયોમાં કહી દીધું કે જો તેમને કલાકારનું સન્માન કરતા ન આવડતું હોય તો તેમણે શોમાં ન આવવું અથવા તો પહેલા જ નીકળી જવું જોઈએ.
View this post on Instagram
સોનુ નિગમ રાજકારણીઓ પર ભડક્યા
સોનુ નિગમે ઈન્સ્ટાગ્રામ પર પોતાનો વીડિયો પોસ્ટ કર્યો હતો જેમાં તે કહે છે કે, ‘હું હમણાં જ એક કોન્સર્ટથી આવી રહ્યો છું, જયપુરમાં કોન્સર્ટ હતી. હમણાં જ રાઈઝિંગ રાજસ્થાન નામનો એક કાર્યક્રમ પૂરો કર્યો છે. શો ઘણો સારો હતો, ઘણા સારા સારા લોકો પણ આવ્યા હતા. રાજસ્થાનનું ગૌરવ વધારવા માટે મોટા ડેલિગેટ્સ આવ્યા હતા. સીએમ સાહેબ હતા, સ્પોર્ટ્સ મિનિસ્ટર પણ હતા, ઘણા લોકો તે જોવા આવ્યા હતા, પરંતુ જ્યારે મેં શોની વચ્ચે જોયું તો સીએમ સાહેબ અને ત્યાંના અન્ય લોકો ઉભા થઈ ગયા હતા. તે જતાની સાથે જ બાકીના પ્રતિનિધિઓ પણ ત્યાંથી નીકળી ગયા હતા.
સોનુએ આગળ કહ્યું કે, ‘હું તમને વિનંતી કરું છું કે જો તમે લોકો કલાકારનું સન્માન નહીં કરો તો બહારના લોકો શું કરશે? જો તમારે લોકોને ઉભા થઈને જવું જ હોય, તો પછી શો શરૂ થાય તે પહેલાં જતા રહો અથવા તો આવશો નહીં. કોઈપણ કલાકારના અભિનય દરમિયાન ઉઠવું અને વચ્ચે ઉઠીને ચાલ્યા જવુ તે કલાકારનો અનાદર છે. માતા સરસ્વતીનું અપમાન છે. બાદમાં મને લોકોના મેસેજ આવ્યા કે તમારે આવા શો ના કરવા જોઈએ. તો મારી વિનંતી છે કે જો તમારે જવું હોય તો પરફોર્મન્સમાં ન બેસો અથવા અગાઉથી જ જતા રહો. હું સમજું છું કે તમારી પાસે ઘણું કામ છે, તમે વ્યસ્ત છો, તેથી કૃપા કરીને શોમાં બેસીને તમારો સમય બગાડો નહીં.
આ પણ વાંચોઃ Lookback 2024: બોલિવૂડની આ ફિલ્મો કમાણીમાં બાજી મારી ગઈ!