ગુજરાતચૂંટણી 2022ટ્રેન્ડિંગનેશનલ

સોનિયા ગાંધી હમીદ અંસારીને રાષ્ટ્રપતિ બનાવવા માગતાં હતાંઃ શર્મિષ્ઠા મુખરજી

  • પ્રણવ મુખરજીનાં દીકરી શર્મિષ્ઠાના નવા પુસ્તકથી છેડાયા વિવિધ વિવાદના મધપુડા
  • પ્રણવ માય ફાધર, એ ડૉટર રિમેમ્બર્સ પુસ્તકમાં સંઘ, સાવરકર વિશે પણ ચર્ચા

નવી દિલ્હી, 12 ડિસેમ્બરઃ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ સ્વ. પ્રણવ મુખરજીનાં દીકરી શર્મિષ્ઠા મુખરજીનું એક પુસ્તક સોમવારે પ્રકાશિત થયું છે અને તે સાથે અલગ અલગ મુદ્દે વિવાદ છેડાયા છે.

પ્રણવ માય ફાધર, એ ડૉટર રિમેમ્બર્સ પુસ્તકમાં શર્મિષ્ઠા મુખરજીએ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિની ઈન્દિરા ગાંધીના સમયથી શરૂ થયેલી રાજકીય કારકિર્દી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તથા વીર સાવરકર વિશેના તેમના વિચારો, રાહુલ ગાંધી અંગેનું તેમનું મંતવ્ય જેવા અનેક વિષયોને આવરી લીધા છે.

આ પુસ્તકમાં શર્મિષ્ઠા મુખરજીએ પ્રણવદાએ લખેલી ડાયરીનો તેમજ આટલાં વર્ષ દરમિયાન પિતા સાથે થયેલી વાતચીતનો સારાંશ રજૂ કર્યો છે.

પુસ્તકમાં શર્મિષ્ઠા મુખરજી કહે છે કે, એક વખત તેમણે પિતાને પૂછ્યું હતું કે, શું રાષ્ટ્રપતિપદ માટે સોનિયા ગાંધીએ તમારી પહેલી અને સ્વાભાવિક પસંદગી કરી હતી? તેના જવાબમાં પિતા પ્રણવ મુખરજીએ કહ્યું હતું કે, “મારી પહેલી પસંદગી કરવામાં આવી હતી કે નહીં એ વાતની તો મને ખબર નથી, પરંતુ મને એટલી ચોક્કસ ખબર છે કે સોનિયા ગાંધી હમીદ અંસારી (ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ)ને રાષ્ટ્રપતિ બનાવવાની સંભાવના ચકાસતાં હતાં અને તેમની (અંસારીની) જીતની શક્યતા કેટલી છે તે પણ ચકાસ્યું હતું.”

શર્મિષ્ઠા મુખરજી કહે છે કે, 2018માં આરએસએસના કાર્યક્રમમાં જવાના બાબાના નિર્ણયનો મેં સખત વિરોધ કર્યો હતો. “હું તેમનાથી ખૂબ નારાજ હતી અને ત્રણ-ચાર દિવસ સુધી તેમની સાથે આ મુદ્દે ઝઘડી હતી. છેવટે બાબાએ મને કહ્યું હતું કે, આપણે સ્વીકાર કરીએ કે ન કરીએ, પરંતુ દેશ આરએસએસને સ્વીકારી રહ્યો છે, અને આપણે આપણાથી વિરોધી વિચારસરણી ધરાવતા લોકોને મળવા જવું જોઇએ.”

એ જ રીતે વીર સાવરકર અંગે પણ મુખરજી પિતા-પુત્રી વચ્ચે મતભેદ હતા એ વાત શર્મિષ્ઠા મુખરજીએ તેમના આ નવા પુસ્તકમાં લખી છે.

શર્મિષ્ઠા મુખરજી લખે છે કે, બાબા કહેતા હતા કે માત્ર વીર સાવરકર આંદામાનની જેલમાં રહી શક્યા હતા. અનેક વર્ષ સુધી તેમણે કેદ ભોગવી. અસાધારણ અમાનવીય અત્યાચાર સહન કર્યા હતા. અને એ બધા વચ્ચે કોઈએ (વીર સાવરકરે) માફીપત્ર લખ્યો હતો તેનો અર્થ એ નહોતો કે તેમનો દેશપ્રેમ ઓછો થઈ ગયો હતો. વાસ્તવમાં ઈન્દિરા ગાંધીએ પણ સાવરકરની વીરતાનો સ્વીકાર કર્યો હતો અને તેમના માનમાં ટપાલ ટિકિટ જારી કરી હતી. ઈન્દિરા ગાંધીએ વીર સાવરકરને પત્ર પણ લખ્યો હતો. આમછતાં કેટલાક લોકો દ્વારા વીર સાવરકરની વિરુદ્ધમાં નૅરેટિવ (અપપ્રચાર) ચલાવવામાં આવે છે એવું પ્રણવ મુખરજી કહેતા હતા તેમ તેમની દીકરીએ આ પુસ્તકમાં લખ્યું છે.

પુસ્તકમાં દીકરીએ તેમન પિતાને એમ કહેતા ટાંક્યા છે કે, ઈન્દિરા ગાંધીની સરકાર સમયે તેમના (પ્રણવ મુખરજીના) રાજકીય જીવનનો સુવર્ણકાળ હતો.

પુસ્તમાં આ ઉપરાંત રાજીવ ગાંધી, રાહુલ ગાંધી, સોનિયા ગાંધી વિશે પણ વિવિધ તબક્કે પિતા-પુત્રી વચ્ચે થયેલી વાતચીતના અંશો ટાંકવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ અયોધ્યાના રામ મંદિરના મહંતનો ફોટો વાયરલ કરનાર કોંગ્રેસ આઈટી સેલનો કર્મચારી ઝડપાયો

Back to top button