ટોપ ન્યૂઝનેશનલ

નેશનલ હેરાલ્ડ કેસ: સોનિયા ગાંધી ED ઓફિસ પહોંચ્યા, રાહુલ-પ્રિયંકા સાથે હાજર

Text To Speech

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી નેશનલ હેરાલ્ડ કેસમાં બીજા રાઉન્ડની પૂછપરછ માટે મંગળવારે ED ઓફિસ પહોંચ્યા હતા. આ દરમિયાન તેમનો પુત્ર રાહુલ ગાંધી અને પુત્રી પ્રિયંકા ગાંધી પણ તેમની સાથે રહ્યા હતા. જોકે પ્રિયંકા ગાંધી જ તેમની સાથે ED ઓફિસની અંદર જશે. સોનિયા ગાંધીની તબિયતને ધ્યાનમાં રાખીને તેમની સાથે એક વ્યક્તિને ED ઓફિસની અંદર જવા દેવામાં આવશે. છેલ્લી સુનાવણીમાં પણ પ્રિયંકા ગાંધી પોતાની માતા સાથે EDની ઓફિસે ગયા હતા. જો કે પૂછપરછ દરમિયાન તેઓને સાથે રહેવા દેવામાં આવ્યા ન હતા.

કોંગ્રેસને ન મળી સત્યાગ્રહની મંજૂરી 

બીજી તરફ દિલ્હી પોલીસે કોંગ્રેસને રાજઘાટ પર વિરોધ પ્રદર્શન કરવાની મંજૂરી આપવાનો ઇનકાર કર્યો હતો. અહીં કલમ 144 લાગુ કરવામાં આવી છે. આ સાથે કોંગ્રેસ કાર્યાલય પાસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ અંગે કોંગ્રેસે ભાજપ પર નિશાન સાધ્યું છે.

અજય માકને કહ્યું- આ કેસ 2016માં જ બંધ થઈ ગયો હતો

કોંગ્રેસ નેતા અજય માકને કહ્યું કે અમે રાજઘાટ પર સત્યાગ્રહ કરવા માગતા હતા. પરંતુ ભાજપ અમને સત્યાગ્રહ કરવા દેતું નથી. તેમણે નેશનલ હેરાલ્ડ વિશે કહ્યું કે આ કેસ 2016માં પણ પૂરો થઈ ગયો હતો. EDએ તેને બંધ કરી દીધો હતો. પરંતુ સરકારે તેને ફરીથી ખોલી દીધો છે. અજય માકને આરોપ લગાવ્યો કે કોંગ્રેસના નેતાઓને પણ પાર્ટી ઓફિસમાં પ્રવેશવા દેવામાં નથી આવી રહ્યા. સમગ્ર દેશમાં કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો સત્યાગ્રહ કરી રહ્યા છે. સોનિયા ગાંધી પર EDની કાર્યવાહી સામે કોંગ્રેસના વિરોધને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસે ટ્રાફિક એલર્ટ જાહેર કર્યું છે. પોલીસે મોતીલાલ નેહરુ માર્ગ, અકબર રોડ, જનપથ, માનસિંહ રોડ, ગોલ મેથી જંક્શન, તુગલક રોડ જંક્શન, ક્લેરિજ જંક્શન, ક્યૂ-પોઈન્ટ જંક્શન, સુનહરી મસ્જિદ જંક્શન, મૌલાના આઝાદ રોડ જંક્શન પર સવારે 9 થી 2 વાગ્યા સુધી લોકોને મુસાફરી ટાળવા માટે કહ્યું છે. દિલ્હી પોલીસ દ્વારા ટ્રાફિક માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

કોંગ્રેસનો વિરોધ ચાલુ છે

કોંગ્રેસના નેતાઓએ મંગળવારે ફરીથી સોનિયા ગાંધી વિરુદ્ધ EDની કાર્યવાહીને લઈને શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરવાનો નિર્ણય કર્યો. જોકે, દિલ્હી પોલીસે રાજઘાટ પર સત્યાગ્રહ કરવાની કોંગ્રેસની અપીલને ફગાવી દીધી હતી. આ સાથે અહીં કલમ 144 લાગુ કરવામાં આવી છે.

તમામ નેતાઓ કોંગ્રેસ કાર્યાલયમાં જ વિરોધ પ્રદર્શન કરશે

કોંગ્રેસે સોમવારે સાંસદો અને પાર્ટીના મહાસચિવોની બેઠક બોલાવી હતી. બેઠકમાં નિર્ણય લેવાયો છે કે કોંગ્રેસના તમામ નેતાઓ પાર્ટી કાર્યાલય પર હાજર રહીને શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરશે. કોંગ્રેસના સાંસદ કેસી વેણુગોપાલે કહ્યું, અમે રાજઘાટ પર શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરવાનો નિર્ણય લીધો હતો. અમે આ માટે દિલ્હી પોલીસ પાસે પરવાનગી માંગી હતી. પરંતુ દુર્ભાગ્યપૂર્ણ છે કે મંજૂરી આપવામાં આવી ન હતી. સરકાર વિપક્ષનો અવાજ દબાવી રહી છે. તેમણે ટ્વીટ કર્યું, “આપણી આઝાદીની ચળવળ હિંસા વિના મહાત્મા ગાંધીના વિચારો અને સત્યાગ્રહ સાથે લડવામાં આવી હતી. આ આદર્શો સીમાઓ ઓળંગી ગયા અને ઘણા પીડિત લોકો માટે આશાનું કિરણ બની ગયા. પરંતુ અમારા સત્યાગ્રહને દબાવવા માટે મોદી સરકાર કલમ ​​144 લગાવે છે.

ગુરુવારે સોનિયા ગાંધીની પૂછપરછ કરવામાં આવી હતી

આ પહેલા ગુરુવારે EDએ સોનિયા ગાંધીની પૂછપરછ કરી હતી. આ કાર્યવાહીના વિરોધમાં કોંગ્રેસે દેશભરમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. આના વિરોધમાં અનેક સાંસદો અને નેતાઓની અટકાયત પણ કરવામાં આવી હતી. સોનિયા ગાંધીને EDએ થોડા કલાકોની પૂછપરછ બાદ છોડી દીધા હતા. જો કે, તેમની તબિયતને જોતા EDએ એક વ્યક્તિને તેમની સાથે ઓફિસમાં રહેવાની મંજૂરી પણ આપી હતી.

 

 

Back to top button