અયોધ્યામાં રામલલ્લાના પ્રાણ-પ્રતિષ્ઠાનું સોનિયા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે, મનમોહનસિંહને આમંત્રણ
- રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા અધીરરંજન ચૌધરીને પણ મોકલવામાં આવ્યું નિમંત્રણ
- કોંગ્રેસના નેતાઓ આ કાર્યક્રમમાં ભાગ લેશે કે નહીં તે હજુ નક્કી નહીં
આયોધ્યા, 21 ડિસેમ્બર : અયોધ્યામાં રામલલ્લાના પ્રાણ-પ્રતિષ્ઠા સમારોહ માટે રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા સોનિયા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે, મનમોહનસિંહ, એચડી દેવગૌડા, અધીરરંજન ચૌધરીને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું છે. જો કે કોંગ્રેસના નેતાઓ આ કાર્યક્રમમાં ભાગ લેશે કે નહીં તે નક્કી નથી. મળતી માહિતી મુજબ, કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ આ કાર્યક્રમમાં હાજરી આપે તેવી શક્યતા નથી. આ પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ 22 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યામાં યોજાવા જઈ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્ય યજમાન રહેશે. જેઓ પ્રાણ-પ્રતિષ્ઠાની પૂજા કરશે.
‘મનમોહનસિંહ અને HD દેવગૌડાને પણ આમંત્રણ’
સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી અને અધીરરંજન ચૌધરીને વ્યક્તિગત રીતે આમંત્રણ મોકલવામાં આવ્યું છે. પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ અને એચડી દેવગૌડાને પણ સમારોહ માટે આમંત્રણ મળ્યું છે. ટ્રસ્ટ સાથે જોડાયેલા લોકોના પ્રતિનિધિમંડળે આ આમંત્રણ આપ્યું છે. આગામી દિવસોમાં અન્ય વિપક્ષી નેતાઓને પણ આમંત્રણ મોકલવામાં આવે તેવી શક્યતા છે.
‘અયોધ્યામાં ટેન્ટ સિટી બનાવવામાં આવી’
ટ્રસ્ટે જણાવ્યું હતું કે, વિવિધ પરંપરાઓના સંતો તેમજ દરેક ક્ષેત્રે દેશનું ગૌરવ અપાવવામાં યોગદાન આપનાર તમામ અગ્રણીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. જેથી નવા તીર્થક્ષેત્રપુરમ (બાગ બિજૈસી)માં એક ટેન્ટ સિટી બનાવવામાં આવી છે જેમાં છ ટ્યુબવેલ, છ રસોડા અને દસ બેડની હોસ્પિટલનો સમાવેશ થાય છે. સમગ્ર દેશમાંથી લગભગ 150 ડોકટરો આ હોસ્પિટલમાં રોટેશનના ધોરણે તેમની સેવાઓ આપવા સંમત થયા છે. ટ્રસ્ટે જણાવ્યું છે કે, આ સમારોહમાં ભાગ લેવા માટે વિવિધ સંપ્રદાયોના લગભગ 4,000 સંતોને આમંત્રણ આપવામાં આવ્યું છે.
આ પણ વાંચો :અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા પછી 48 દિવસ સુધી ‘મંડલ પૂજા’ યોજાશે