કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીએ એક અખબાર માટે લખેલા લેખમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું. લેખમાં સોનિયાએ કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદનો કાં તો આજના સૌથી અઘરા અને મહત્ત્વના મુદ્દાઓને નજરઅંદાજ કરે છે અથવા તો આ મુદ્દાઓ પરથી ધ્યાન હટાવે છે. પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે કેન્દ્રમાં પીએમ મોદીના નેતૃત્વવાળી સરકાર ભારતના લોકતંત્રના ત્રણેય સ્તંભોને વ્યવસ્થિત રીતે તોડી રહી છે. સંસદમાં તાજેતરના વિક્ષેપોનો ઉલ્લેખ કરતા, સોનિયાએ સત્રોમાં વિક્ષેપ પાડવા માટે સરકારને જવાબદાર ઠેરવી હતી. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર દ્વારા સંયુક્ત વિપક્ષનો સામનો કરવા માટે આવા કેટલાક પગલાં લેવામાં આવ્યા છે, જે સંસદીય પ્રણાલી અનુસાર યોગ્ય નથી.સોનિયા ગાંધીએ કેન્દ્ર પર આરોપ લગાવ્યો કે કેન્દ્રીય બજેટ 2023 પસાર થવાથી ધ્યાન હટાવવા માટે સરકાર દ્વારા આ તમામ અવરોધો કરવામાં આવ્યા હતા. સોનિયા ગાંધીએ લખ્યું કે લોકોના પૈસાનું 45 લાખ કરોડ રૂપિયાનું બજેટ કોઈપણ ચર્ચા વિના પસાર થઈ ગયું. તેમણે પીએમ પર પ્રહાર કરતા કહ્યું કે જ્યારે લોકસભામાંથી બિલ પસાર કરવામાં આવ્યું ત્યારે વડા પ્રધાન તેમના મતવિસ્તારમાં વ્યાપક મીડિયા કવરેજ સાથે પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરવામાં વ્યસ્ત હતા. કોંગ્રેસના નેતાએ તેમના બજેટ ભાષણમાં બેરોજગારી અથવા મોંઘવારીનો ઉલ્લેખ ન કરવા બદલ નાણાં પ્રધાન નિર્મલા સીતારમણની પણ ટીકા કરી હતી. સોનિયાએ લખ્યું, એવું લાગે છે કે આ સમસ્યાઓ અસ્તિત્વમાં નથી. તેમણે કેન્દ્રીય તપાસ એજન્સીઓ દ્વારા પાડવામાં આવેલા દરોડા અંગે પણ કેન્દ્ર પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, સરકાર તપાસ એજન્સીઓનો દુરુપયોગ કરી રહી છે. 95 ટકાથી વધુ રાજકીય કેસ માત્ર વિરોધ પક્ષો સામે જ નોંધાયેલા છે.
આ પણ વાંચો : Rajasthan : સચિન પાયલટના ધરણાના વિરોધમાં કોંગ્રેસ, જાણો શું કહ્યું કોંગ્રેસે ?
ભાજપ અને સંઘ પર નિશાન સાધતા સોનિયા ગાંધીએ કહ્યું કે નફરત અને હિંસાને પ્રોત્સાહન આપવા માટે ભાજપ અને સંઘ જવાબદાર છે. તેમણે પીએમ મોદી પર આવી ઘટનાઓને નજરઅંદાજ કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે પીએમ મોદીએ એક વખત પણ શાંતિ કે સૌહાર્દનું આહ્વાન કર્યું નથી.