‘સોનિયા ગાંધીએ તીસ્તા સેતલવાડને 30 લાખ રૂપિયા આપ્યા હતા’, ભાજપે લગાવ્યો કોંગ્રેસ પર મોટો આરોપ
ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી અને તિસ્તા સેતલવાડ પર જોરદાર પ્રહારો કર્યા છે. તેમને કહ્યું કે ગુજરાત રમખાણો બાદ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ તિસ્તા સેતલવાડને 30 લાખ રૂપિયા આપ્યા હતા. સંબિતે કહ્યું કે વાઇન ઈન શૂઝ, રિસોર્ટ… આ તિસ્તા સેતલવાડની વાસ્તવિકતા છે. હકિકતમાં તિસ્તા સેતલવાડની જામીન અરજીમાં SITના એફિડેવિટમાં મોટો ખુલાસો થયો છે. આરોપ છે કે ગોધરાકાંડ બાદ તિસ્તાને 30 લાખ રૂપિયા અહેમદ પટેલના કહેવા પર મળ્યા હતા. આ જ બાબત પર સંબિત પાત્રાએ આજે એક પ્રેસ કોન્ફરન્સ યોજીને કોંગ્રેસ પર જોરદાર નિશાન સાધ્યાં છે.
SITના એફિડેવિટને આધાર બનાવીને સંબિત પાત્રાએ કહ્યું કે એફિડેવિટથી સત્ય બહાર આવ્યું છે કે આ ષડયંત્ર પાછળ કોણ હતા. સંબિત પાત્રાએ કહ્યું કે અહેમદ પટેલના કહેવા પર તિસ્તા સેતલવાડ અને અન્યોએ ગુજરાત સરકારને અસ્થિર કરવાનું ષડયંત્ર રચ્યું હતું. તેમને કહ્યું કે અહેમદ પટેલ માત્ર એક નામ છે, જેની પાછળ તો તેમના બોસ સોનિયા ગાંધી હતા. સોનિયા ગાંધીએ તેમના મુખ્ય રાજકીય સલાહકાર અહેમદ પટેલ દ્વારા ગુજરાતની છબી ખરાબ કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમને તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનું અપમાન કરવાનો પ્રયાસ કર્યો હતો અને તે આ સમગ્ર ષડયંત્રના સૂત્રધાર હતા.
The Conspiracy to malign the Image of Gujarat was hatched by Teesta Setalvad & her accomplices at the behest of Sh Ahmed Patel.
Ahmed Patel ji was the Political Advisor of Congress President Smt Sonia Gandhi.
BUCK STOPS AT THE DOOR OF SONIA GANDHI! https://t.co/u4KL8svz54— Sambit Patra (@sambitswaraj) July 16, 2022
SITએ રજૂ કરેલી એફિડેવિટમાં અનેક સનસનીખેજ બાબતો
તિસ્તા સેતલવાડે જામીન માટે અરજી કરી હતી, જેની સુનાવણી દરમિયાન, આ મામલાની તપાસ કરવા માટે રચાયેલ SIT એ એફિડેવિટ દાખલ કરી, જેમાં જણાવવામાં આવ્યું છે કે કોંગ્રેસ પ્રમુખના સલાહકાર અહેમદ પટેલ પાસેથી બે વખત પૈસા લેવામાં આવ્યા છે. જેનો ઉલ્લેખ એફિડેવિટમાં કરાયો છે. આ એફિડેવિટમાં એવું પણ લખવામાં આવ્યું છે કે આ પૈસાનો ઉપયોગ તિસ્તા દ્વારા સર્કિટ હાઉસના વ્યવહારો માટે કરવામાં આવ્યો હતો. જેના પુરાવા અને સાક્ષીનો પણ સોગંદનામામાં ઉલ્લેખ છે.
જણાવી દઈએ કે તિસ્તા સેતલવાડના નજીકના ગણાતા રઈસ ખાને ભૂતકાળમાં દાવો કર્યો હતો કે જ્યારે તેની વિરુદ્ધ ફરિયાદ કરી હતી ત્યારે જ તેની ધરપકડ થઈ જવાની જરૂર હતી. રઈસ ખાને કહ્યું હતું કે તિસ્તા જેવા લોકો જેઓ વિક્ટિમના નામે પૈસા પડાવે છે અને ખાઈ જાય છે, જ્યારે કે આવા લોકો પોતાને સામાજિક કાર્યકર્તા કહે છે. વિક્ટિમ સાથે થયેલા વિશ્વાસઘાત માટે પીડિત તેને માફ નહીં કરે. રઈસે કહ્યું હતું કે તિસ્તાએ પીડિતો સાથે છેતરપિંડી કરી હતી. આવા લોકોને માફ ન કરવા જોઈએ. તિસ્તાએ દેશ-વિદેશમાંથી ફંડ જમા કરાવ્યું અને તેનો એક ટકા પણ પીડિતને આપ્યો નથી.
શું છે SITના સોગંદનામામાં?
તિસ્તા સેતલવાડ કેસમાં એક મોટો ખુલાસો થયો છે. ગુજરાત SIT એ સામાજિક કાર્યકર તિસ્તા સેતલવાડ વિરુદ્ધ પોતાના સોગંદનામામાં મોટો ખુલાસો કરીને ખળભળાટ મચાવ્યો છે. કોર્ટમાં 12 પાનાના એફિડેવિટમાં સરકાર પાડવા માટે મોટુ ષડયંત્ર રચ્ચું હોવાનો ખુલાસો થયો છે. કોર્ટમાં ખાસ સરકારી વકીલ અમિત પટેલ દ્વારા આ સોંગદનામું રજૂ કરાયું છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે તિસ્તા સેતલવાડ દ્વારા રૂપિયા મંગાવ્યા અને આર્થિક લાભ લીધો. કોગ્રેસના સિનિયર નેતા અને સ્વર્ગસ્થ અહેમદ પટેલ સાથેની બેઠકોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગુજરાતના તત્કાસિન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ખોટી રીતે સંડોવણી કરી હોવાનો ઉલ્લેખ કરાયો છે. આ ષડયંત્રને કારણે તિસ્તા સેતલવાડ, શ્રી કુમારને જામીન ન આપવા રજુઆત કરી.
સોગંદનામામાં જણાવાયું છે કે સેતલવાડે કથિત રીતે આ કાવતરાના ભાગરૂપે શરૂઆતથી જ કામ કરવાનું શરૂ કર્યું હતું. કારણ કે ગોધરા ટ્રેનની ઘટનાના થોડા દિવસો બાદ જ તેણે સ્વર્ગસ્થ અહેમદ પટેલ સાથે મીટિંગ કરી હતી અને પ્રથમ વખતમાં રૂ.5 લાખ લીધા હતા. કોંગ્રેસના વરિષ્ઠ નેતાની સૂચના પર એક સાક્ષીએ તેમને પૈસા આપ્યા હતા. કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવેલા સોગંદનામામાં જણાવાયું છે કે પટેલ અને સેતલવાડની ફરી મુલાકાત શાહીબાગમાં સરકારી સર્કિટ હાઉસમાં થઈ હતી, જેમાં સાક્ષીએ પટેલની સૂચના પર સેતલવાડને વધુ 25 લાખ રૂપિયા આપ્યા હતા. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મીટિંગમાં આપવામાં આવેલી રોકડ કોઈ રાહત ફંડનો ભાગ નથી.
સોગંદનામામાં દાવો કરવામાં આવ્યો હતો કે સેતલવાડે કથિત રીતે ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી સહિત ગુજરાત રાજ્યમાં અનેક અધિકારીઓ અને અન્ય નિર્દોષ વ્યક્તિઓને ફસાવવા અને તેમની સામે કાર્યવાહી કરવા રાજકીય પક્ષ પાસેથી નાણાકીય અને અન્ય વિવિધ લાભો મેળવ્યા હતા.
સેતલવાડ, શ્રીકુમાર અને સંજીવની ધરપકડ
તમને જણાવી દઈએ કે, સેતલવાડ, નિવૃત્ત DGP આરબી શ્રીકુમાર અને ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટ પર 2002ના ગુજરાત રમખાણો સાથે જોડાયેલ કેસમાં બનાવટી પુરાવા અને કાવતરું ઘડવાનો આરોપ છે. ગુજરાત પોલીસે ત્રણેયની ધરપકડ કરી છે. જ્યારે, 15 જુલાઈએ તિસ્તા સેતલવાડની જામીન અરજી વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી SITની એફિડેવિટમાં એક મોટો ખુલાસો થયો છે. તિસ્તા સેતલવાડ અને પૂર્વ IPS અધિકારી શ્રીકુમારે ખોટા કાગળ બનાવી કાયદા સાથે રમત કરવા બદલ ધરપકડ બાદ તિસ્તા દ્વારા અમદાવાદની સિવિલ એન્ડ સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરવામાં આવી હતી.
આ વર્ષે 25 જૂને અમદાવાદમાં નોંધાયેલી FIRના સંદર્ભમાં સેતલવાડ, શ્રીકુમાર અને પૂર્વ IPS અધિકારી ભટ્ટની પૂછપરછ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, આના એક દિવસ પહેલા સુપ્રીમ કોર્ટે 2002ના રમખાણો સાથે સંબંધિત કેસમાં તત્કાલિન સીએમ નરેન્દ્ર મોદી અને અન્યને આપવામાં આવેલી ક્લીનચીટ વિરુદ્ધની અરજીને ફગાવી દીધી હતી.